- પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલ્યો
- તળાવમાં પાણી લેવા જતા અચાનક પગ લપસી જતાં યુવાન ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો
વિરપુર પોલીસ દ્વારા મળતી વિગતો અનુસાર વિરપુર તાલુકાના બોર ગામના ૪૮ વર્ષીય પર્વતભાઇ મોતીભાઈ પરમાર (રહે. બોર, તા. વિરપુર) કુદરતી હાજતે જઈ રહ્યા હતા. તે સમયે ગામના જ અલુજીના તળાવમાં પાણી લેવા માટે ઉતર્યા હતા. દરમ્યાન પર્વતભાઇનો આકસ્મિક રીતે પગ લપસી જતાં તળાવમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં લોકટોળા તળાવ પર ઉમટી પડયા હતા.
ત્યારે વિરપુર પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બાદમાં ભારે જહેમત બાદ પોલીસ અને સ્થાનીકોની મદદથી મૃતદેહને બહાર કાઢયો હતો. અચાનક જ પર્વતભાઇના મોતના સમાચારથી ગામમાં તેમજ પરીવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. હાલ પોલીસે મૃતદેહને તળાવમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી શરૂ કરી છે.


