શિકાર કરેલી 6 પાટલા ઘોનો વીડિયો વાઈરલ થતા વન વિભાગમાં દોડધામ
- ઘોની ચરબીને ગરમ કરી માલિશનું તેલ બનાવતા હોવાની કબૂલાત
- તારાપુરના ટોલ અને આણંદના વડોદના બંને શખ્સોને કોર્ટમાં રજૂ કર્યા બાદ ખંભાત જેલ હવાલે કરાયા
વન વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ, કોઈ ઇસમ દ્વારા પાટલા ઘોનો શિકાર કરી છ મૃત પાટલા ઘોને એક લાઈનમાં ગોઠવી વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં ફરતો કર્યો હતો.
વાઇરલ વીડિયો સંદર્ભે તારાપુર વન વિભાગે તપાસ કરતા આ વીડિયોમાં દેખાતું સ્થળ તારાપુર તાલુકાના ટોલ ગામનું માલૂમ પડતાં સ્થળ પર જઈ પૂછપરછ કરતાં બંને આરોપીઓએ પાટલા ઘોના શિકાર કર્યા અંગેનો ગુનો કબૂલી લીધો હતો. તારાપુર વન વિભાગ દ્વારા રમતુભાઇ સોમાભાઈ ચુનારા રહે.ટોલ તા. તારાપુર તથા અલ્પેશભાઈ રાયસંગભાઈ ચુનારા રહે.વડોદ તા.આણંદ બંને ઈસમોની અટકાયત કરી શિકાર અંગે પૂછપરછ કરાઈ હતી ત્યારે માલુમ પડયું હતું કે, આરોપીઓ પાટલા ઘોનો શિકાર કરી ચરબી કાઢી ગરમ કરી તેલ બનાવતા હતા.આ તેલ શરીરના દુઃખાવા દૂર કરવા માલિશ માટે વાપરતા હતા. શિકારના ગુના હેઠળ ઝડપાયેલા બંને ઈસમો વિરૂદ્ધ વન ગુનાની કલમ ૨(૧૬),૯,૫૦,૫૧ મુજબનો ગુનો નોંધી ગતરોજ તારાપુર કોર્ટમાં રજુ કરતાં બંને ઇસમોને ખંભાત જેલમાં મોકલી આપવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
જોકે આ સંદર્ભે આ વાઇરલ વીડિયો જૂનો હોવાનું તારાપુર રેન્જ ફોરેસ્ટ ઓફિસર પંડયાએ જણાવ્યું હતું.