- ખેડા જિલ્લામાં એકના શંકાસ્પદ મોત સહિત કુલ 6 દર્દી નોંધાયા
- દોઢ વર્ષના બાળકને સારવાર માટે ખસેડાયો : આરોગ્ય વિભાગના 500 કર્મીઓએ ડોર-ટુ-ડોર સર્વે અને ફોગિંગની કામગીરી હાથ ધરી
ખાખરીયા ગામે સોમવારે અઢી વર્ષના બાળકને ચાંદીપુરા રોગના લક્ષણો દેખાતા તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ખેડા જિલ્લામાં અત્યારસુધીમાં કુલ ૬ બાળ દર્દીઓ નોંધાયા છે, જે પૈકી એકનું શંકાસ્પદ મોત નિપજ્યું હતું.
સૌપ્રથમ નોંધાયેલા દર્દીના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા. જોકે, સીરમ રિપોર્ટ કરાવતા તે પોઝીટીવ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. તેમજ અન્ય બેના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. જ્યારે હજૂ ચાર દર્દીઓના રિપોર્ટ પેન્ડિંગ છે.
આરોગ્ય વિભાગે કુલ ૫૦૦ વ્યક્તિઓને ફીલ્ડ પર પહોંચી તકેદારીના ભાગરૂપે વિવિધ કામગીરીની સોંપણી કરી છે. ટીમ દ્વારા તાલુકા મથકોએ અને ખાસ ગ્રામીણ વિસ્તારોમાં ઘરોમાં દવાનો છંટકાવ, ફોગિંગ સહિત સર્વેની કામગીરી હાથ ધરી છે. આ અંગે આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, જો કોઈ બાળકને સખત તાવ આવે, ઝાડા ઉલટી થાય અને ખેંચ આવવી, અર્ધ બેભાન કે બેભાન થાય તો તેને તુરંત નજીકની હોસ્પિટલમાં દાખલ કરવા અપીલ કરાઈ હતી. એન્સેફીલાઇટીસ નામના તાવના લક્ષણો બાળકોને પ્રારંભિક તબક્કામાં જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર અપાવવી જોઈએ અને જરૂરી રિપોર્ટ કરાવવા જોઇએ તેમ વધુમાં જણાવ્યું હતું. તેમજ આ વાયરસનો ફેલાવો મચ્છર તથા સેન્ડફલાઇ એટલે કે માટીના વિસ્તારમાં રહેતી માખીથી થતો હોય છે. જે માટે માખીનો નાશ કરવો જરૂરી હોવાથી ઘરની અંદરના ભાગે શક્ય હોય ત્યાં સુધી હવાઉજાસ (સૂર્યપ્રકાશ આવે) તેવી વ્યવસ્થા કરવા તાકીદ કરી હતી.


