Gujarat

નડિયાદ-મહુધા રોડ પર મંદિરે જતા પદયાત્રીનું વાહનની ટક્કરે મોત

By GS Team
3 Aug 20222 mins read
This article was originally published on 3 Aug 2022
નડિયાદ-મહુધા રોડ પર મંદિરે જતા પદયાત્રીનું વાહનની ટક્કરે મોત

- બનાવમાં 1 મહિલા સહિત 2 વ્યક્તિને ઇજા પહોંચી

- મંજીપુરાનો પરિવાર મીનાવાડા ધજા લઇને પગપાળા જવા નિકળ્યો હતો : ટક્કર મારનાર વાહનચાલક સામે ગુનો દાખલ

નડિયાદ : નડિયાદથી મીનાવાડા મંદિરે ધજા ચઢાવવા નિકળેલા પદયાત્રી સંઘને રસ્તામાં અકસ્માત નડયો હતો. સંઘ મંગળપુરા સીમમાં પહોંચ્યું ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે સંઘ સાથે ચાલી રહેલી ત્રણ વ્યક્તિઓને ટક્કર મારી પોતાનું વાહન લઇ નાસી ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલ એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે એક દંપતિને ઇજાઓ પહોંચી હતી. આ સંદર્ભે મહુધા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર નડિયાદ મંજીપુરા સાંઈબાબા નગર ખાતે હેમન કૈલાશ રામપ્રસાદ ગોસાઈ પોતાના પરિવાર સાથે રહે છે. બુધવાર વહેલી સવારે તેઓના કુટુંબના ૨૦ જેટલા સ્ત્રી પુરુષો ચાલતા મીનાવાડા દશામાના મંદિરે ધજા ચઢાવવા નીકળ્યા હતા.

 દરમિયાન નડિયાદ મહુધા રોડ પર મંગળપુરા સીમમાં અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી ચાલતા નીકળેલા જગદીશભાઈ બુધ્ધુ અજમેરી, બીડકી કૈલાશ ગોસાઈ તથા તેમની પત્ની નંદનીને અડફેટમાં લેતા ત્રણેય પદયાત્રી રોડ પર ફંગોળાઈ ગયા હતા. અકસ્માત બાદ અજાણ્યો શખ્સ પોતાનું વાહન લઇ નાસી ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા ત્રણેય વ્યક્તિઓને ખાનગી વાહનમાં નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે જગદીશભાઈને મરણ પામેલા જાહેર કર્યા હતા. જ્યારે મહિલા સહિત અન્ય વ્યક્તિને પાંસળી પર ફેક્ચર થયું હતું. આ બનાવ સંદર્ભે મહુધા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.