Get The App

કપડવંજમાં મકાનની દીવાલ ધરાશાયી થતાં સગીરાનું મોત

Updated: Aug 24th, 2024

GS TEAM

Google News
Google News
કપડવંજમાં મકાનની દીવાલ ધરાશાયી થતાં સગીરાનું મોત 1 - image

- શહેરમાં બે દુર્ઘટના સર્જાઈ

- ઝુલેલાલ મંદિર નજીક વીજ પોલમાંથી કરંટ લાગતા ગાયનું મૃત્યુ

કપડવંજ : કપડવંજ તાલુકામાં શુક્રવારે પોણા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. જેમાં કપડવંજના કડીયાવાડ વિસ્તારમાં મકાનની દીવાલ ધરાશાયી થતાં સગીરાનું મોત નિપજ્યું હતું. તેમજ ઝુલેલાલ મંદિર પાસે વીજ પોલમાંથી કરંટ લાગતા ગાયનું મોત નિપજ્યું હતું. 

દરમિયાન કપડવંજ તાલુકાના લેટરમાં રહેતી ધો.૧૦ની વિદ્યાર્થિની કાજલબેન ભરતભાઈ પરમાર (ઉં.વ. ૧૫) મામલતદાર કચેરીએ કામકાજ અર્થે બપોરે ત્રણ વાગ્યા આસપાસ જઈ રહી હતી. 

ત્યારે પાલિકાના કડીયાવાડ વિસ્તારમાં જાહેર રસ્તા પર હુશેનભાઈ કારીગરના જૂના મકાનની દીવાલ ધરાશાયી થતાં કાજલબેન પર પડી હતી. જેથી તેણીનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં મામલતદાર કચેરી અને નગરપાલિકાના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. 

તેમજ ઝુલેલાલ મંદિર સામે કબ્રસ્તાન તરફના રસ્તે સહજાનંદ પાર્ક પાસે વીજ પોલનો કરંટ લાગતા ગાયનું મોત નિપજ્યું હતું. જેથી એમજીવીસીએલના કર્મીઓએ વીજ પોલ પર ચઢી વીજ પુરવઠો નિયંત્રિત કર્યો હતો. 

ગાયના મૃત્યુ બાબતે પાલિકાના ઈજનેર વિષ્ણુભાઈએ જણાવ્યું હતું કે, સાંજે સવાસાત વાગ્યે સ્ટ્રીટ લાઈટો શરૂ કરતી વખતે વીજ પ્રવાહ શરૂ થતો હોય છે. કદાચ અમારા વીજપોલમાં એમજીવીસીએલનો વીજ પ્રવાહ ડાયવર્ટ થયો હોવાથી ગાયનું મૃત્યુ થયું હશે તેમ જણાવ્યું હતું. 

જ્યારે એમજીવીસીએલના નાયબ ઈજનેર શૈલેષ કડિયાએ જણાવ્યું હતું કે, આ વીજપોલ નગરપાલિકા દ્વારા ઉભો કરાયો હોવાથી અમારે કંઈ લાગે વળગે નહીં.