Get The App

દેશી બંદૂક સાથે નીલગાયના શિકાર માટે આવેલો એક શખ્સ ઝડપાયો

Updated: Sep 15th, 2024

GS TEAM

Google News
Google News
દેશી બંદૂક સાથે નીલગાયના શિકાર માટે આવેલો એક શખ્સ ઝડપાયો 1 - image

- વડથલ નહેર પરથી એસઓજીએ ઝડપ્યો 

- કઠલાલ નજીક 4 નીલગાય ઉપર ફાયરિંગના બનાવમાં શખ્સની સંડોવણી હોવાની આશંકા  

નડિયાદ : મહુધા પોલીસ મથકની હદમાં આવેલી વડથલ ફલોલી નહેર ઉપરથી શનિવારે સવારે એસઓજી ખેડાએ એક બાઈક ચાલકને દેશી બનાવટની જામગરી બંદૂક સાથે ઝડપી પાડયો હતો. તેની પ્રાથમિક પુછપરછમાં આ શખ્સ નીલગાયના શિકાર માટે આવ્યો હોવાનું ખૂલ્યું હતું. ત્યારે શુક્રવારે કઠલાલના મીનાવાડા તરફની મહી કેનાલ પાસે નીલગાય પર ફાયરિંગના બનાવમાં આ શખ્સની સંડોવણી હોવા અંગે એસઓજીએ વધુ તપાસ હાથ ધરી છે. 

વડથલ ફલોલી તરફની નહેર ઉપર એક શંકાસ્પદ શખ્સ બાઈક સાથે ઉભો હોવાની બાતમી સ્પેશિયલ ઓપરેશન ગુ્રપ ખેડાને નાઈટ પેટ્રોલિંગ દરમિયાન મળી હતી. જેના આધારે એસઓજીએ શખ્સની અટક કરી પુછપરછ કરતા તે હુસેન મીરા નથવાણી ડફેર (રહે. રાજપુર, કલોલ, જિ. ગાંધીનગર, મુળ રહે. ધંધુકા, જિ. અમદાવાદ) હોવાનું જણાવ્યું હતું. તેની તલાશી લેતા એક હાથ બનાવટની દેશી જામગરી બંદૂક, ગોળ શિશાના છરા અને દારૂગોળો મળી આવ્યો હતો. 

તેની પુછપરછમાં શખ્સ નિલગાયોનો શિકાર કરવા આવ્યો હોવાની જાણકારી બહાર આવી હતી. એસઓજીએ બંદૂક, મોબાઈલ, બાઈક સહિત રૂ. ૬૦,૦૭૦નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કઠલાલ તાલુકાના હદમાં મીનાવાડા તરફ મહી કેનાલ પાસે શુક્રવારે મોડી સાંજે ત્રણ નર અને એક માદા મળી ચાર નિલગાયો પર ફાયરિંગ કરીને શિકાર કરવામાં આવ્યું હતું. બનાવની જાણ થતાં કઠલાલ ફોરેસ્ટ વિભાગ અને સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જેથી એસઓજીએ બંદૂક સાથે પકડેલા શખ્સને કઠલાલમાં નીલગાય ઉપર ફાયરિંગની ઘટના સાથે કોઈ સંબંધ છે કે નહીં તે અંગે એસઓજીએ વધુ તપાસ હાથ ધરી છે. 

3નીલગાયનાં શરીરમાંથી ગોળી નીકળી

કઠલાલ : નીલગાય પર ફાયરિંગની ઘટના અંગે કઠલાલના આરએફઓએ જણાવ્યું હતું કે, પીએમ રિપોર્ટમાં દરેક નીલગાયને ગોળી લાગી હોવાનું ખૂલ્યું હતું. જેમાં ત્રણ નીલગાયના શરીરમાંથી ગોળી નીકળી હતી. જ્યારે એકને ગોળી શરીરની આરપાર નીકળી ગઈ હોવાનું રિપોર્ટમાં ખૂલ્યું છે.