- પડાલ સીમમાંથી ઝડપી પાડયો
- હેરાફેરી કરતો કારચાલક અકસ્માત સર્જી નાસી છુટયો, 6 શખ્સો સામે ગુનો નોંધાયો
કેટલાક શખ્સો વાંઘરોલી ગામના ગૌવંશ બળદનું માંસ કારમાં ભરી નર્મદા કેનાલના રસ્તે ગોધરા જવા નીકળ્યા હોવાની બાતમી સેવાલિયા પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે પડાલ ગામની સીમમાં વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની કાર આવતા તેને રોકવાનો પ્રયત્ન કરતા કારચાલકે કાર લઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેથી આગળ નર્મદા મુખ્ય કેનાલની રોડની પાળી સાથે કાર અથડાતા પલટી ખાઈ ગઈ હતી. દરમિયાન કારનો ચાલક અંધારાનો લાભ લઈ નાસી છુટયો હતો. જ્યારે પોલીસે કારમાં સવાર શખ્સને ઝડપી પાડી તેની પુછપરછ કરતા તે રિશાન શૌકત ગીતેલી (રહે. ગોધરા) હોવાનું જણાવ્યું હતું. પોલીસે કારમાંથી માંસનો ૪૫૦ કિલો જથ્થો ઝડપી પાડયો હતો. જેમાંથી એફએસએલ માટે નમૂનો લઈ કોર્ટનો હુકમ મેળવી માંસનો બાકી જથ્થો પાલી ગ્રામપંચાયતની જૂની ચેકપોસ્ટ નજીક નાશ કરવામાં આવ્યો હતો. પોલીસે કુલ છ શખ્સો સામે ગુનો નોંધી પાંચ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.


