- વારંવાર રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહીં
- 24 કલાક વાહનોથી ધમધમતા રોડ ઉપર માટી ધોવાતા પડેલા ખાડાથી અકસ્માતનો ભય
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના અંબાવ રેલવે ફાટક પાસે અગાઉ પડેલા ભારે વરસાદમાં માટી ધોવાઈ જવાના લીધે મોટો ખાડો પડી ગયો છે. વડોદરા જિલ્લાને જોડતા રસ્તા ઉપર મોટો ખાડો પરવાના લીધે અકસ્માત થવાનો ભય છે. અહીંથી ગળતેશ્વર મહાદેવ મંદિરે પણ જવાય છે. જ્યારે ગળતેશ્વર તાલુકાના ૧૫ અને ઠાસરા તાલુકાના ૨૦ જેટલા ગામોમાં મરણ પ્રસંગે મહીસાગર નદીમાં અંતિમવિધિ માટે આ રોડ પરથી જ મોટાવાહનો મારફતે પસાર થવું પડે છે. ત્યારે ટ્રાફિકથી ધમધમતા રોડ ઉપર મોટા વાહનોને લાંબો વળાંક લઈને પસાર થવાની ફરજ પડે છે.
ખાડા અંગે અંબાવ ગામના લોકોએ રેલવે તંત્રમાં વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર ખાડો પૂરવાની તસ્દી લેતું નથી. ત્યારે સત્વરે રેલવે તંત્ર અહીં રોડનું યોગ્ય સમારકામ કરે તેવી અંબાવ, આનંદપુરા અને સુખિની મુવાડી ગામના ગ્રામજનોની માંગણી છે.


