નડિયાદ તાલુકાના ટુંડેલની કોરોનાગ્રસ્ત સગર્ભાએ નવજાત બાળકને જન્મ આપ્યો
- મહિલાએ તમામનો આભાર માન્યો
- કોરોનાની મહામારી વચ્ચે હોસ્પિટલ સ્ટાફ દ્વારા સફળ ડિલીવરી કરાવાઈ : બાળક અને માતા તંદુરસ્ત
નડિયાદ, તા.31 મે 2020, રવિવાર
ખેડા જિલ્લામાં નડિયાદ તાલુકાના એક ગામની કોરોના ગ્રસ્ત મહિલાએ નવજાત બાળકને જન્મ આપ્યો છે.કોરોના વચ્ચે હોસ્પિટલ સ્ટાફ દ્વારા મહિલાને સફળ ડિલીવરી કરવામાં આવતા હોસ્પિટલ સહિત મહિલાના પરિવારમાં આનંદ વ્યાપ્યો છે.
નડિયાદ તાલુકાના ટુંડેલ ગામે આંગણવાડી સામેના વાડીયાપુરામાં રહેતા ૨૧ વર્ષના ક્રિષ્ણાબેન હરમાનભાઇ ગોહેલ તા.૨૪ મે ના રોજ કોરોના પોઝીટીવ જાહેર થયા હતા. તેઓ સગર્ભા હતા, તેમની ડયુ ડેટ ૨૯મી મે, ૨૦૨૦ હતી. આથી ગત તા.૨૩મી મેના રોજ પીએચસી યોગીનગર ખાતે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.જે તા.૨૪ મે ના રોજ પોઝીટીવ આવ્યો હતો. તેઓ ગત્ ૨૧મી મેના રોજ મંજીપુરાના સીકોતરમાતાના ફળિયામાં પોતાના પિયર ગયા હતા.ગત્ તા.૮મી મેના રોજ મમતાદિવસમાં તેઓેને ચેકઅપ માટે બોલાવેલા હતા. કોરોના ગ્રસ્ત મહિલાને શહેરની એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.આ દરમ્યાન ગત મોડી રાત્રે તેમને પ્રસુતિનો દુઃખાવો ઉપડયો હતો. આથી તરત જ તેમને લેબર રૃમમાં લઇ ગયા હતા. જ્યાં હોસ્પિટલ સ્ટાફ દ્વારા તેમની સફળ ડિલીવરી કરવામાં આવી હતી.હાલ બાળક અને મહિલા તંદુરસ્ત હોવાનુ આરોગ્ય વિભાગના સુત્રો પાસેથી માહિતી મળી છે.થોડો દિવસો બાદ બાળકનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે તેમ આરોગ્ય વિભાગ દ્વારા જાણવા મળ્યું છે. સગર્ભા મહિલાએ હોસ્પિટલના તમામ ડૉકટરો અને સ્ટાફનો આભાર માન્યો છે.