Get The App

મહુધા નજીક 3.37 લાખના દારૂ સાથે કાર ચાલક ઝડપાયો

Updated: Sep 5th, 2024

GS TEAM

Google News
Google News
મહુધા નજીક 3.37 લાખના દારૂ સાથે કાર ચાલક ઝડપાયો 1 - image

- મહુધા ચોકડીથી પોલીસે કારનો પીછો કર્યો હતો

- વિદેશી દારૂની ટ્રીપ માટે રૂ. 2,500 મળતા હોવાની કબુલાત : 5 શખ્સો સામે ગુનો નોંધાયો  

નડિયાદ : મહુધાની રેસ્ટ હાઉસ ચોકડી નજીક રૂ. ૩.૩૭ લાખનો વિદેશી દારૂ ભરેલી કારને મહુધા પોલીસે ઝડપી પાડી હતી. પોલીસે કારનો પીછો કરતા ચાલક ડિવાઈડર સાથે કાર અથડાવી નડિયાદ તરફ નાસ્યો હતો. પોલીસે કાર ચાલકની ધરપકડ કરી રૂ. ૧૫.૪૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરી પાંચ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

વિદેશી દારૂ ભરેલી એક ઈનોવા કાર કઠલાલ તરફથી નડિયાદ તરફ જનાર હોવાની બાતમી મહુધા પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે મહુધાની રેસ્ટ હાઉસ ચોકડી પર વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની કાર આવતા પોલીસે તેને ઉભી રાખવા ઈશારો કર્યો હતો. 

જેથી કારના ચાલકે ડિવાઈડર સાથે કાર અથડાવી નડિયાદ તરફ હંકારી હતી. જેથી પોલીસે તેનો પીછો કરી બિલોદરા જેલ તરફના રોડ ઉપર ઓવરટેક કરીને કારને ઉભી રખાવી હતી. પોલીસે તલાશી લેતા કારમાંથી ૨,૨૬૮ નંગ વિદેશી દારૂ અને બિયરના ટીન મળી આવ્યા હતા. 

પોલીસે ચાલકની પુછપરછ કરતા તે મંગલા જીવાજી ધોગારા (રહે. પાલ દેવાલ, રાજસ્થાન) હોવાનું તેમજ પીન્ટુ રાજપુત નામના શખ્સે દારૂ ભરી આપી એક ટ્રીપના રૂ. ૨,૫૦૦ આપતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે રૂ.૩,૩૭,૫૬૦ની કિંમતનો વિદેશી દારૂ, એક મોબાઈલ અને કાર સહિત કુલ રૂ. ૧૫,૪૨,૫૬૦નો મુદ્દામાલ જપ્ત કરી કારચાલક, દારૂ ભરીને મોકલનાર, કાર માલિક, દારૂ મંગાવનાર અને અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.