Get The App

નડિયાદની કાંસમાં 7 ફૂટ ગંદકી : પાલિકા એક ફૂટ સુધી પણ સફાઈ ના કરી શકી

Updated: Sep 25th, 2024

GS TEAM

Google News
Google News
નડિયાદની કાંસમાં 7 ફૂટ ગંદકી : પાલિકા એક ફૂટ સુધી પણ સફાઈ ના કરી શકી 1 - image

- હાઈકોર્ટની મુદ્દત આજે પુરી : દુકાનદારોને દુકાનો પરત સોંપાશે  

- મશીનરીના બદલે મેન્યુઅલી કામ કરાતા 15 દિવસમાં નગરપાલિકા 10 ટકા જ કામગીરી કરી શકી : પાલિકાએ ખોદેલા ખાડા પર ઢાંકણ બેસાડતા દુકાનદારોએ સામાન પરત લાવવાનું શરૂ કર્યું  

નડિયાદ : નડિયાદમાં સરદાર પ્રતિમા પાસેની દુકાનો નીચેથી વરસાદી કાંસની સફાઈની કામગીરી પાલિકા દ્વારા તા. ૧૧ સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવી હતી. હાઈકોર્ટની શરતોને આધિન પાલિકાએ સફાઈ હાથ ધરતા ૮ ફૂટ ઉંડા વરસાદી કાંસમાં ૭ ફૂટ સુધી જામેલા ગંદકીના થર પૈકી ૧ ફૂટની ગંદકી પણ પાલિકા કાઢી શકી નથી. પાલિકા દ્વારા માત્ર ૧૦ ટકા જેટલી જ કામગીરી શક્ય થઈ હોવાનું જણાવવામાં આવ્યું હતું. હાલ હાઈકોર્ટે આપેલી મુદ્દત પુરી થતાં પાલિકાએ દુકાનમાં કરેલા ખોદકામ ઉપર ઢાંકણ બેસાડવાની કામગીરી હાથ ધરાઈ છે. બુધવારે મુદ્દત પૂરી થતી હોવાથી દુકાનદારોને દુકાન પરત સોંપવામાં આવશે. જોકે, દુકાનોના સ્ટેબિલિટી રિપોર્ટ હજૂ સુધી આવ્યા ન હોવાથી દુકાનો અંગેનો નિર્ણય રિપોર્ટ આવ્યા બાદ લેવામાં આવશે. 

નડિયાદમાં સરદાર પ્રતિમાથી બસ સ્ટેન્ડના રસ્તા પર આવેલી ૧૮ દુકાનો નીચેથી ૨૦૦ ફૂટ લાંબો વરસાદી પાણીના નિકાલનો ૧૬ ફૂટ પહોળો અને ૮ ફૂટ ઉંડો કાંસ આવેલો છે. ચાલુ વર્ષે નડિયાદમાં વરસાદી પાણી ભરાઈ રહેતા પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠયા હતા. ત્યારબાદ આખરે પાલિકાએ દુકાન નીચેના કાંસની સફાઈની કામગીરી હાથ ધરી હતી. જોકે, તે સમયે દુકાનદારો હાઈકોર્ટમાં જતાં કોર્ટે કામગીરી પર સ્ટે લગાવ્યો હતો. 

બાદમાં બંને પક્ષોની રજૂઆતોને ધ્યાને લઈ હાઈકોર્ટે સ્ટે હટાવી શરતો સાથે પાલિકાને કાંસની સફાઈ કરવાની મંજૂરી આપી હતી. જેથી તા. ૧૧ સપ્ટેમ્બરથી પાલિકા દ્વારા દુકાનો નીચેના કાંસની સફાઈની કામગીરી હાથ ધરી હતી. દુકાનોમાં ૩ બાય ૩ના હોલ પાડી સફાઈ કરવામાં આવી હતી. સૌપ્રથમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મશીનો દ્વારા સફાઈ હાથ ધરાઈ હતી. પરંતુ તેમાં સફળતા ન મળતા પાલિકાએ બકેટ મારફતે મેન્યુઅલી કામ શરૂ કર્યું હતું. 

આ કામગીરી ગત સોમવાર સુધી ચાલુ રહી હતી. જે બાદ મંગળવારે દુકાનોમાં હોલ પાડયા હતા ત્યાં ઢાંકણ બેસાડવાની કામગીરી હાથ ધરાઈ છે. ૧૫ દિવસની સમયમર્યાદા બુધવારે સાંજે પૂર્ણ થતાં દુકાનો જે સ્થિતિમાં હતી તે સ્થિતિમાં લાવી આપવામાં આવશે. બીજી તરફ પાલિકાએ આ દુકાનોનો સ્ટેબીલીટી રિપોર્ટ લીધો હતો. જે હજૂ સુધી આવ્યો ન હોવાથી તેમજ મુદ્દત પુરી થતાં દુકાનદારોએ પણ પોતાનો સામાન પરત લાવવાની કામગીરી આરંભી છે. ત્યારે સ્ટેબિલિટી રિપોર્ટ આવ્યા બાદ તેના આધારે દુકાનો અંગે ચોક્કસ નિર્ણય લેવામાં આવશે. 

આ અંગે ચીફ ઓફિસર રૂદ્રેશ હુદળે જણાવ્યું હતું કે, કાંસની સફાઈ માટે ૧૫ દિવસનો સમયગાળો મળ્યો હતો. જેથી એએમસીના સુપર મશીનો મંગાવી સફાઈ કરાઈ હતી. તેમાં લિમિટ હોવાથી જોઈએ તેવી સફળતા મળી નહતી. બાદમાં પાલિકાએ મેન્યુઅલી બકેટ દ્વારા સફાઈ આરંભી હતી. પરંતુ ઘણી ઓછી સ્પેસ મળી હોવાથી ૧૦ ટકા જેટલી જ કામગીરી શક્ય બની છે. કાંસ ૧૬ ફૂટ પહોળો અને ૮ ફૂટ ઉંડો છે. જેમાં ઉપરથી અઢીથી ત્રણ ફૂટમાં સફાઈ થઈ છે. કાંસની સાઈડ્સ સાફ કરી શકતા નથી. તેની નીચેનું સેન્ટિંગ હાર્ડ છે. આ હાર્ડ સેન્ટિંગ મેન્યુઅલી સાફ કરવુ પડે, પરંતુ આખો કાંસ ખૂલ્લો હોય તો જ શક્ય બને, જેમાં મશીનરીનો ઉપયોગ કરી સાફ કરવું પડે. હાલ હાઈકોર્ટના હુકમ મુજબ કાંસની સાફ-સફાઈ કરાવવામાં આવી છે. આ દુકાનોમાં હાલ ઢાંકણ બેસાડવાની કામગીરી કરવામાં આવી છે.