કપડવંજ માર્કેટયાર્ડમાં લાઇસન્સ મામલે ચેરમેન, વા.ચેરમેન સહિત 6 સભ્ય સસ્પેન્ડ
- અહેવાલના આધારે નોટિસ બાદ તંત્રનું ફરમાન
- યાર્ડમાં વેપાર કરવાનું લાઈસન્સ ન હોવાની 2022 માં ફરિયાદ થઈ હતી : 2020 થી 22 સુધી લાઇસન્સ ન હોવાથી કાર્યવાહી
બજાર સમિતિ, કપડવંજમાં વેપારી વિભાગમાંથી ૪ સભ્ય તથા ખરીદ વેચાણ વિભાગમાંથી બે સભ્ય મળી કુલ-૬ સભ્ય સને ૨૦૧૮/૧૯થી ચૂંટાયેલા છે. પરંતુ આ તમામ સદસ્યો વર્ષ ૨૦૧૯/૨૦થી બજાર સમિતિ, કપડવંજનું વેપાર કરવા હેતુનું લાઈસન્સ ધરાવતા ન હોવાથી, સભ્યપદેથી દુર કરવા અરજદાર જશુભાઈ ગોપાલભાઈ પટેલની તા.૦૩/૧૦/૨૦૨૨ની રજૂઆત તથા અરજદાર અનંતકુમાર દ્વારકાદાસ પટેલની તા.૧૫/૧૨/૨૦૨૨ના રોજની ફરિયાદ કરાઈ હતી. અરજદારોની રજૂઆતો અન્વયે અત્રેની કચેરીના તા.૧૪/૧૧/૨૦૨૨ તથા તા.૧૦/૦૧/૨૦૨૩ના પત્રોથી નાયબ નિયામક, ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર અને જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, નડીયાદને તપાસ કરી અહેવાલ કરવા જણાવ્યું હતું.
જે અન્વયે નાયબ નિયામક, ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર અને જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, નડીયાદના તા.૧૮/૦૫/૨૦૨૩ના પત્રથી અહેવાલ કરાયો છે. જેમાં (૧) મુનાફભાઈ એમ. શેખ, (૨) કાંતીભાઈ એસ.પટેલ, (૩) ચીમનભાઈ એસ.પટેલ તથા (૪) જયદિપસિંહ આર. ઝાલા કે જેઓ વેપારી વિભાગમાંથી ચૂંટાયેલ છે. આ ચારેય વેપારી સભ્યો ચાલુ વર્ષમાં લાયસન્સ ધરાવે છે, પરંતુ સને ૨૦૨૦-૨૧ અને સને ૨૦૨૧-૨૨ના વર્ષમાં લાઇસન્સ ધરાવતા નથી. ખરીદ વેચાણ વિભાગમાંથી ચૂંટાઈને આવેલા (૧) નીલેશભાઈ મણીભાઈ પટેલ (જેઓ વર્તમાન ચેરમેન છે.) (૨) મહેન્દ્રભાઈ મગનભાઈ પટેલ (જેઓ વર્તમાન વાઈસ ચેરમેનછે.) કે જેઓ અનુક્રમે ખોડીયાર કૃષિ સેવા સ.મં.લી. મહંમદપુરા તથા કપડવંજ તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘમાંથી ચૂંટાઈને આવેલા છે. આ બંને મંડળીઓ બજાર સમિતિ, કપડવંજનું સને ૨૦૨૦-૨૧નું લાયસન્સ ધરાવતા નથી જેથી ઉપરોક્ત ૦૪ વેપારી સભ્યો તથા બે સહકારી ખરીદ વેચાણ વિભાગમાંથી ચૂંટાઈને આવેલા સભ્યો બજાર સમિતિ, કપડવંજનું વેપાર કરવા હેતુનું લાયસન્સ ધારણ કરેલું ન હોય, આ ૦૬ સભ્યોને બજારધારાની કલમ-૧૪ અન્વયે બજાર સમિતિ, કપડવંજના સભ્ય તરીકેથી દૂર કરવા ભલામણ કરી છે.
આ અહેવાલને ધ્યાને લઈ નિયામક, ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર, ગાંધીનગર દ્વારા કારણદર્શક નોટીસથી ૦૬ સભ્યોને નાયબ નિયામક, ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર અને જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, નડીયાદના અહેવાલને ધ્યાને લઈ તેઓને બજાર ધારાની કલમ-૧૪ અન્વયે સભ્ય પદેથી દુર કેમ ન કરવા ? તે અંગે સૂચનો- રજૂઆતો મંગાવ્યા હતા બાદમાં તા.૦૯/૦૬/૨૦૨૩ તથા તા.૨૬/૦૬/૨૦૨૩ ના રોજ સુનાવણી રાખી હતી.
અહેવાલ અને સુનાવણી બાદ આ અંગે બજારધારાની કલમ-૧૪ની વિગતો જોતાં નિયામક, ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર, ગુજરાત રાજ્ય, ગાંધીનગર ગુજરાત ખેત ઉત્પન્ન બજાર (પ્રમોશન એન્ડ ફેસીલીટેશન) અધિનિયમ-૧૯૬૩ ની કલમ- ૧૪ અંતર્ગત મળેલ સત્તાની રૂઇએ ઉપરોક્ત તમામ ૬ સભ્યોને દૂર કરતો હુકમ કર્યો છે.
કોને કોને સસ્પેન્ડ કરાયા
(૧) મુનાફભાઈ એમ. શેખ
(૨) કાંતીભાઈ એસ.પટેલ
(૩) ચીમનભાઈ એસ.પટેલ
(૪) જયદિપસિંહ આર. ઝાલા
ખરીદ વેચાણમાંથી ચૂંટાઈને આવેલા સભ્યો
(૧) નીલેશભાઈ મણીભાઈ પટેલ
(૨) મહેન્દ્રભાઈ મગનભાઈ પટેલ