Get The App

આણંદના વેપારી સાથે NRI મિત્ર સહિત ત્રણની 5.25 કરોડની ઠગાઇ

Updated: Aug 24th, 2024

GS TEAM

Google News
Google News
આણંદના વેપારી સાથે NRI મિત્ર સહિત ત્રણની 5.25 કરોડની ઠગાઇ 1 - image

- પાદરા તાલુકામાં કંપની શરૂ કર્યા બાદ

- કંપની માટે વેપારીએ પોતાનું મકાન ગીરવી મૂકી બેંક લોન લીધી અને કોલેજના મિત્રે રકમ ટ્રાન્સફર કરી લીધી

(પ્રતિનિધિદ્વારા) વડોદરા : પાદરા તાલુકામાંથી ગ્લાયસીન એક્સપોર્ટ કરવા માટે આણંદના કોલેજ મિત્રોએ કંપની શરૂ કરી બેંકમાંથી મોટી રકમની લોન લીધાં બાદ એનઆરઆઇ મિત્ર અને તેના સાથીદારોએ રૂા.૫.૨૫ કરોડની ઠગાઇ કરી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.

આણંદમાં વિનુકાકા માર્ગ પર સુર્યવિલા ખાતે રહેતાં જયેશચંદ્ર શાંતિલાલ અજયભારતીએ વડું પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું  ઇમ્પોર્ટ-એક્સપોર્ટનો ધંધો કરું છું મારો કોલેજ મિત્ર હિતેષ હર્ષદભાઇ પટેલે વર્ષ -૨૦૧૬માં અમેરિકાથી ભારત આવી પાદરાના દુધવાડા ખાતે સ્ફીયર સ્પેશિયાલીટી કેમિકલ્સ પ્રા.લી. નામની કંપની શરૂ કરી ત્યારે મારો સંપર્ક કરી ભાગીદારીમાં કંપની ઉભી કરીને ગ્લાયસીન કેમિકલ અમેરિકા એક્સપોર્ટ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

બાદમાં સારી ફાર્માકેમ પ્રા. લી. નામની કંપની ખોલવામાં આવી હતી. હિતેષ પટેલની માલિકીની સ્ફીયર સ્પેશિયાલીટી કેમિકલ્સ (પાદરા)ની ૧૮ એકર જમીનમાં મેજોરીટી શેર હોલ્ડીંગ તેમનું હતું તે પૈકી ૯ એકર જમીનને વેચાણ દસ્તાવેજથી સારી ફાર્માકેમ પ્રા.લી.ના નામે કરી હતી. સારી ફાર્માકેમ પ્રા. લી.માં અન્ય ડાયરેક્ટરોની નિમણૂંક કરી હતી. જો કે, જીપીસીબીની પરવાનગી ન મળતા ગ્લાયસીનનું ઉત્પાદન થઇ ન શકતાં  અમેરિકામાં એક્સપોર્ટ કરવાનું નક્કી કરાયું હતું.

ધંધાના વિકાસ માટે નાણાંની જરૂરીયાત પડતા હિતેષભાઇએ મારી ભારતમાં કોઇ મિલકત નથી મને કોઇ બેંક લોન આપશે નહીં તેમ કહેતાં મેં મારો બંગલો અને સારી કંપનીની જમીન ગીરવી મૂકીને બેંકમાંથી ઓવરડ્રાફ્ટથી રૂા.૫.૨૫ કરોડની લોન લઈ નાણાં કંપનીના એકાઉન્ટમાં જમા કરાવવામાં આવ્યા હતા. બાદમાં સારી કંપનીની રકમ પૈકી રૂ. ૨.૩૦ કરોડ સ્ફીયર સ્પેશિયાલીટી કેમિકલ પ્રા. લી.ના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.

સારી કંપનીની રકમ ટ્રાન્સફર અંગે મને કોઇ જાણ કરવામાં આવી ન હતી. બાદમાં મારી જગ્યાએ સાઇનિંગ ઓથોરિટિ તરીકે બારોબાર હિતેશ પટેલે રષેશ ઠાકરને સોંપી દઇ બાકીની રકમ પણ અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી દીધી હતી. રૂ. ૫.૨૫ કરોડની લોનનો દુરઉપયોગ કરવામાં આવ્યો હોવાનું ધ્યાને આવ્યા બાદ પૂછપરછ કરતા મારી પુત્રીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે હિતેષભાઇ હર્ષદભાઇ પટેલ ( મુળ રહે. આણંદ) (હાલ રહે. અમેરિકા સનસ્ટોન), રષેશ બળવંતરાય ઠાકર (રહે. વિવેકાનંદ સોસાયટી, આણંદ, વિદ્યાનગર) અને કમલેશકુમાર અંબાલાલ પરમાર (રહે. વલ્લભ વિદ્યાનગર) સામે વડું પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

અમેરિકા ભારતમાં નિકાસ ન કરતા કેમિકલને કંપનીના હિસાબમાં દર્શાવ્યું

(પ્રતિનિધિદ્વારા) વડોદરા : વર્ષ-૨૦૨૩માં અમેરિકાથી રૂ.૧.૬૧ કરોડનો ગ્લાયસીનનો જથ્થો આયાત કર્યો હોવાનું જણાવ્યું હતું. જો કે, અમેરિકા ભારતમાં કેમિકલ ગ્લાયસીનની નિકાસ કરતું નથી. છતાં ખોટી હકીકતો દર્શાવીને પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ રૂ.૫૪.૪૦ લાખ વિવિધ ટ્રાન્ઝેક્શન થકી અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જે અંગે એકાઉન્ટન્ટને પૂછતા તેણે કોઇ સંતોષકારક જવાબ આપતો ન હતો.

અરજી પાછી ખેંચી લે નહીં તો તને અને તારી છોકરીને ગાયબ કરી દઇશું

(પ્રતિનિધિદ્વારા) વડોદરા : જયેશચન્દ્રએ વડુ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની અરજી આપતા કંપનીનો સીએફઓ કમલેશ ઓફિસે આવ્યો હતો અને હિતેશભાઇએ મને મોકલ્યો છું, તારા માટે મેસેજ આપ્યો છે કે તું તારી અરજી પાછી લઇ લેજે તારી અરજીઓથી મારું કંઇ ઉખડવાનું નથી, જો તું અરજીઓ પાછી નહી લે તો તને અને તારી છોકરીને ગાયબ કરી દઇશું, ટાંટિયા તોડી નાંખીશ જ્યારે તું યુએસએ આવીશ ત્યારે ખોટા કેસમાં ફસાવીને તારું પૂરું કરી નાંખીશ.