- પ્લેટીનમ પ્લાઝામાં વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરાઈ
- 11 કરોડ બાકી વેરા સામે અત્યાર સુધીમાં ફક્ત 15 લાખ વેરો પાલિકામાં જમા થયો
નડિયાદ નગરપાલિકામાં પાછલા વર્ષના રૂ.૧૧ કરોડ જેટલા વેરાની વસુલાત બાકી છે. જેને લઈ પાલિકા તંત્રએ છેલ્લા એક અઠવાડિયાથી વેરા વસુલાતની કામગીરી આરંભી છે. ચીફ ઓફિસર દ્વારા જુદા-જુદા વિભાગના કર્મચારીઓની પાંચ ટીમો બનાવવામાં આવી છે.
પાંચેય ટીમોને વોર્ડ વહેંચી દેવામાં આવ્યા છે. ટીમ જે-તે વોર્ડના બાકીદારોને નોટિસ ફટકારશે. જે પૈકી એક ટીમે સોમવારે સ્ટેશન રોડ નજીક આવેલા પ્લેટીનમ પ્લાઝા ખાતે પહોંચી હતી. જેમાં વેરો ભરપાઈ ના કરનાર ૨૦ દુકાન માલિકોને નોટિસ ફટકારવામાં આવી હતી. જ્યારે ચાર દુકાનોને સીલ મારવામાં આવ્યા હતા.
પાલિકાએ જે-તે મિલકત માલિકોને વેરો ભરપાઈ કરવા પાંચ દિવસનો સમય આપ્યો છે. આ સમયગાળામાં વેરો ન ભરે તો મિલકતની જાહેર હરાજી કરીને વેરાની વસુલાત કરવાની ચિમકી ઉચ્ચારી છે.
પાલિકાની વેરા વસુલાત ઝુંબેશ શરૂ થયા બાદ અત્યારસુધીમાં અંદાજીત રૂ.૧૫ લાખ જેટલો વેરો પાલિકામાં જમા થયો છે.


