- ખોટુ પેઢીનામું બનાવી જમીન પચાવી પાડી હતી
- 10 આરોપીઓ પૈકી હજુ 6 શખ્સો પોલીસ પકડથી દૂર
મીરજાપુર સીમમાં આવેલી ખાતા નં.૫૮ સર્વે નં. ૨૮-૨ વાળી જમીન કશનબેન અભાભાઈના નામે હતી. તેણીનું ડિસેમ્બર-૧૯૯૩ના રોજ અવસાન થયું હતું. તેવામાં અભેસિંહ મંગાજી રાઠોડે કશનબેન તેના માતા હોવાનો ખોટો દાખલો રજૂ કરી તા. ૨૧ ઓગષ્ટ ૨૦૨૩ના રોજ તલાટી સમક્ષ સોગંદનામુ રજૂ કરી તેના આધારે કશનબેનના સીધી લીટીના વારસદાર તરીકે પુંજીબેન મંગાજી રાઠોડ (રહે. સરાલી, કઠલાલ), લક્ષ્મીબેન મંગાજી રાઠોડ (રહે. વિરાટનગર, અમદાવાદ), અભેસિંહ મંગાજી રાઠોડ, પ્રભાતસિંહ મંગાજી રાઠોડ, ચંદુભાઈ મંગાજી રાઠોડ (ત્રણેય રહે. રવદાવત, કઠલાલ) અને પશીબેન મંગાજી રાઠોડના નામ દર્શાવી ખોટુ પેઢીનામું દર્શાવ્યું હતું. આ ખોટા પેઢીનામામાં રમેશભાઈ સોમાભાઈ ખાંટ (રહે. રવદાવત), અમરસિંહ ડાહ્યાજી રાઠોડ (રહે. કઠલાલ) અને પ્રતાપભાઈ શકરાજી રાઠોડ (રહે. રવદાવત)એ સાક્ષી તરીકે સહી કરી હતી. જેના આધારે છ શખ્સોએ આ જમીન મહાદેવભાઈ રામુભાઈ ભરવાડ (રહે. ઓઢવ, અમદાવાદ)ને વેચી નાખી હતી. જેમાં સાક્ષી તરીકે પ્રકાશભાઈ અભેસિંહ રાઠોડ અને રમેશભાઈ સોમાભાઈ ખાંટ (બંને રહે. રવદાવત)એ સહી કરી હતી.
આ અંગે રામાભાઈ જુગાજી ડાભીએ કઠલાલ પોલીસ મથકે ૧૦ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે કઠલાલ પોલીસે રાઠોડ પ્રકાશભાઈ અભેસિંહ, ચંદુભાઈ મંગાજી રાઠોડ, અભેસિંહ મંગાજી રાઠોડ, પ્રભાતસિંહ મંગાજી રાઠોડને તા.૨૬ જુલાઈના રોજ ઝડપી પાડયા હતા. જ્યારે હજૂ છ શખ્સો પોલીસ પકડથી દુર છે. પોલીસે ચારેય શખ્સોની પુછપરછના આધારે વધુ તપાસ હાથ ધરી છે.


