ખેડા જિલ્લામાં કોરોનાના વધુ 4 પોઝિટિવ કેસ
- જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીનો આંકડો શતકની નજીક પહોંચ્યો
- ખેડા શહેરમાં બે, કપડવંજમાં એક કેસ, માતરના સોખડાના ત્રાજ પ્રાથમિક શાળાના શિક્ષક કોરોના પોઝિટિવ ઃ દર્દીઓના પરિવારના સભ્યોને ક્વૉરન્ટાઇન કરાયા
નડિયાદ, તા.7 જૂન 2020, રવિવાર
ખેડા જિલ્લામાં આજે વધુ ચાર કોરોના પોઝીટીવ કેસ જાહેર થતા જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીનો આંકડો શતકની નજકી પહોંચ્યો છે. આજે જાહેર થયેલ ચાર દર્દીઓ પૈકી ખેડામાં બે,કપડવંજમાં એક,અને માતરના સોખડામાં એક કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે. જેમાં ડાયાબીટીસ અને હૃદયની બિમારી ધરાવતા દર્દીઓની સાથે સાથે આજે એક શિક્ષક પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.
ખેડાના મોચીવાડ ધોબીનો ઢાળમાં રહેતા દીનેશભાઇ પરસોતમભાઇ પખાલી ઉં.૫૮ નો આજે કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. પરસોતમભાઇ ને ડાયાબીટીસની બિમારી છે.તા.૨૬-૫-૨૦ ના રોજ પરસોતમભાઇ ખેડા સિવિલ ખાતે તેમના મિત્રો સાથે ચા-નાસ્તો કરવા ભેગા થયા હતા.આ બાદ તા.૧-૬-૨૦૨૦ ના રોજ તેમને તાવ અને શરીરમાં દુખાવો થતો હતો.જેથી ખેડાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી.ત્યાથી તેમને ત્રણ દિવસની દવા આપી હતી.ત્રણ દિવસની દવા લીધા બાદ પણ શરદી,ખાસી અને તાવ રહેતો હતો.તેથી તા.૪ જૂનના રોજ ફરીથી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ગયા હતા.ત્યા લોહીના રીપોર્ટ કરાવ્યા હતા.દવાની સાથે તેમને આર્યુવેદીક ઉકાળો આપ્યો હતો.પરંતુ ઉકાળો પીતા હતા તે સમયે ઉલ્ટી થઇ હતી.તા.૬ જૂનના રોજ નડિયાદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જ્યા એકક્ષ રે પડાતા ન્યુમોનિયા જેવા લક્ષણો દેખાતા તેમને નડિયાદ એન.ડી.દેસાઇ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.અહીં દિનેશભાઇને કોરોના જેવા લક્ષણો દેખાતા તેમનુ સેમ્પલ લેવામાં આવ્યુ હતુ.જે આજરોજ પોઝીટીવ જાહેર થયુ છે.
ખેડાના પરા દરવાજા પાસે આવેલ કાછીયા શેરીમાં રહેતા બીપીનભાઇ પ્રભૂભાઇ કા.પટેલ ઉં.૪૨નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. બીપીનભાઇને હદયની બિમારી છે.લોકડાઉનના સમયગાળા દરમ્યાન અમદાવાદની એક હોસ્પિટલમાં હદયની સારવાર લઇ એન્જીયોપ્લાસ્ટી કરાવી હતી.આ બાદ ડૉકટરની સલાહ મૂજબ ઘરે આરામ કરતા હતા.તબીયત સારી થઇ જતા તેઓ પોતાના કામે પાછા લાગી ગયા હતા.તા.૨૮-૫-૨૦૨૦ ના રોજ અમદાવાદ ખાતે ફોલોઅપ માટે જાતે ગાડી ચલાવીને ગયા હતા.આ બાદ તા.૧-૬-૨૦૨૦ ના રોજ તેમને શરીરમાં તાવ તથા કળતર થતા તેઓ ખેડામાં આવેલ એક ખાનગી દવાખાને સારવાર માટે ગયા હતા.ત્યા બે દિવસની દવા આપવામાં આવી હતી.જેથી સારૃ ન થતા તેઓ તા.૩ જૂનના રોજ ખેડાની એક ખાનગી હોસ્પિટલમાં ગયા હતા.જ્યાંથી તેમને નડિયાદની એન.ડી.દેસાઇ હોસ્પિટલ ખાતે રીફર કર્યા હતા.તા.૩ જૂનના રોજ એન.ડી.દેસાઇ હોસ્પિટલના ફરજ પરના ડૉકટરે તેમના કોરોના જેવા લક્ષણો ના જણાતા તેમને દવા આપી ઘરે જવા જણાવ્યુ હતુ.પરંતુ તા.૬ જૂનના રોજ તેમને તાવ અને બેચેની લાગતા તેઓ ફરીથી એન.ડી.દેસાઇ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ગયા હતા.જ્યા ફરજ પરના ડૉકટરે તેમને તપાસણીને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.ત્યા તેમનો કોરોના રીપોર્ટ કરવામાં આવ્યો હતો.જે આજે પોઝીટીવ જાહેર થયો છે.
માતર તાલુકાના સોખડા ગામની ગંગોત્રી સોસાયટીમાં રહેતા સારદુલભાઇ મનસુખભાઇ નાયક ઉં.૪૯નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.સારદુલભાઇ ત્રાજ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.તેમને ગત તા.૬ જૂનના રોજ તાવ તથા શ્વાસ લેવાની તકલીફ થતા તેઓ સોખડાની એક ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર કરાવવા માટે ગયા હતા.જ્યા તેમને કોવિડ-૧૯ ના લક્ષણો જણાતા તેમને નડિયાદની એન.ડી.દેસાઇ હોસ્પિટલ ખાતે રીફર કર્યા હતા.તેજ રાત્રીએ એન.ડી.દેસાઇ હોસ્પિટલ ખાતે સારવાર માટે ગયા હતા.જ્યા રાત્રે ૧.૩૦ વાગ્યાની અરસામાં તેમનો કોરોના સેમ્પલ લેવામાં આવ્યુ હતુ.જે આજે પોઝીટીવ જાહેર થયુ છે.સારદુલભાઇના પરિવારમાં ચાર સભ્યો છે.જેમાં તેમની દિકરી જયશ્રી અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં સ્ટાફનર્સ તરીકે ફરજ બજાવે છે.કપડવંજ શહેરના લક્ષ્મીકુંજ સોસાયટીમાં રહેતા ૫૮ વર્ષિય નયનાબેન એચ.ગોહેલ નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.નયનાબેન અમદાવાદ થી ચાર દિવસ પહેલા જ કપડવંજ આવ્યા હોવાનું સ્થાનિક નાગરિકોએ જણાવ્યુ હતુ.
ગત રોજ નયનાબેનનો કોરોના સેમ્પલ લેવામાં આવ્યુ હતુ.જે આજરોજ પોઝીટીવ જાહેર થયો છે.