Get The App

કણજરીમાં 13 દિવસથી ભરાયેલા પાણીના લીધે 30 પરિવારોને મુશ્કેલી

Updated: Sep 11th, 2024

GS TEAM

Google News
Google News
કણજરીમાં 13 દિવસથી ભરાયેલા પાણીના લીધે 30 પરિવારોને મુશ્કેલી 1 - image

 

- ઈન્દિરાનગરીના લોકો શાળામાં રહેવા મજબૂર

- કાચા મકાનોને નુકસાન, ગટરના પાણી ભળતા રોગચાળો ફેલાવાના લીધે બાળકીને દાખલ કરાઈ

નડિયાદ : કણજરી પાલિકા હદ વિસ્તારમાં ઈન્દિરાનગરીમાં ૧૩ દિવસે પણ વરસાદી પાણીનો નિકાલ નહીં થતા ૩૦ પરિવારો સરકારી શાળામાં ખૂલ્લામાં રહેવા મજબૂર બન્યા છે. ગટર સાથે વરસાદી પાણી ભરાઈ રહેતા રોગચાળો પણ ફેલાયો છે. જેમાં એક બાળકીને હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવી છે. વિચરતી- વિમુક્ત જાતિના પરિવારોના કાચા મકાનોને ભારે નુકસાન થયું છે ત્યારે કણજરીના સત્તાધીશો ડોકાવા પણ આવ્યા નથી. ત્યારે હાલાકી ભોગવી રહેલા પરિવારો સહાયની માંગણી કરી રહ્યા છે. 

કણજરી શહેરમાં ઈન્દિરાનગરી વિસ્તારમાં વિચરતી-વિમુક્ત જાતિના કેટલાક પરીવારો વર્ષોથી માટી અને અન્ય સામગ્રીથી કાચા-પાકા મકાનો કરીને વસવાટ કરી પોતાનું ગુજરાન કરી રહ્યા છે. આ પરીવારો હવે ભારે વરસાદના કારણે મુસીબતમાં ફસાયા છે. ગોકુળ આઠમ વખતે પડેલો ભારે વરસાદ આ રહીશો માટે આફત બન્યો છે. વરસાદમાં આ પરીવારોના કેટલાક માટીના મકાનો ધ્વસ્ત થઈ ગયા અને કેટલાકના મકાનો સંપૂર્ણ તૂટવાના આરે આવી ગયા છે. આ મકાનોમાં દિવસો સુધી પાણી ભરાયેલા રહ્યા હતા. જે-તે સમયે વરસાદની સ્થિતિમાં ૨૫ ઉપરાંત પરીવારોના સભ્યોને નજીકની સરકારી શાળામાં સ્થળાંતર કરાવાયું હતું. 

જો કે, ભારે વરસાદ પડયે આજે ૧૩ દિવસે પણ આ વિસ્તારમાંથી સંપૂર્ણપણે પાણીનો નિકાલ થયો નથી. તેમજ ઘરના દરવાજા સુધી પાણી ભરાયેલા છે. જેથી આ સ્થાનિકો પોતાના મકાનમાં રહેવા જઈ શકે તેવી સ્થિતિ નથી અને આજે પણ આ પરીવારોના બાળકોથી માંડી વૃદ્ધો સરકારી શાળામાં ખુલ્લામાં રહેવા મજબૂર બન્યા છે. તો આ તરફ નગરપાલિકા પ્રશાસનથી માંડી જિલ્લા પ્રશાસન આ મામલે આ વિચરતી-વિમુક્ત જાતિની પરીસ્થિતિ જોવા પણ તૈયાર નથી. હાલ પાણી ભરાવાના કારણે આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. એક બાળકી વાયરલમાં સપડાતા નડિયાદ એન.ડી. દેસાઈ હોસ્પિટલમાં દાખલ છે, તો અન્ય કેટલાય લોકો પ્રાથમિક સારવાર લઈ ચૂક્યા છે. તો આવા સમયે આ પરીવારોના વ્હારે જિલ્લા પ્રશાસન દ્વારા ચોક્કસ સહાય મળે તેવી લાગણી વ્યાપી છે.

સરકાર મદદ કરે તેવી અપેક્ષાઃ સંજયભાઈ વાદી

૨૮ તારીખના ભારે વરસાદમાં અમારા મકાન પડી ગયા. અમને આ વરસાદમાં ખૂબ નુકસાન થયુ.અમને કોઈ જ સહાય મળી નથી. હજુ સુધી પાણી ભરાયેલા છે, અમને તંત્રમાંથી કોઈ મળવા આવ્યુ નથી. અમને સરકાર સહાય કરે તેવી વિનંતી છેઃ સંજયભાઈ વાદી, રહીશ