- ઘરફોડિયા શાળા, આંગણવાડીઓને જ ટાર્ગેટ બનાવતા હતા
- સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ જિલ્લા તેમજ કપડવંજમાં નોંધાયેલા 28 ગુનાનો ભેદ ઉકેલાયો
કપડવંજના ત્રણ ઈસમો હાફીજ હુસેન ઉર્ફે અલ્તાફ ઐયુબમીયા ચૌહાણ (ઉં.વ. ૩૬) રહે. કસ્બા વાયદપુરા, યોગેશ ઉર્ફે કલ્પેશ નગીનભાઈ કુલાભાઈ પટેલ (ઉં.વ.૪૭) રહે. સાવલી પટેલ ફળી, પ્રવિણભાઇ ઉર્ફે પવલાભાઈ પ્રતાપભાઈ હમીરભાઇ ચૌહાણ- ઠાકોર (ઉં.વ.-૫૨) રહે. કરશનપુરા અંતિસર દરવાજા પાસે, કપડવંજવાળા ત્રણે આરોપીઓ અલગ અલગ જિલ્લાઓની પ્રાથમિક શાળા, આંગણવાડીમાંથી રાંધણ ગેસની બોટલો તથા કરિયાણાના સામાનની ઘરફોડ ચોરીઓને છેલ્લા લગભગ ચાર વર્ષથી અંજામ આપતા હતા. ત્યારે ગાંભોઈ પોલીસે આ ત્રણે આરોપીઓને તા. ૨૭-૭-૨૦૨૪ના રોજ ધરપકડ કરી હતી. આ ત્રણેય આરોપીઓ પાસેથી ઓમની વાન, કોસ, મોબાઈલ, નાનું ડીસમીસ, અલગ અલગ કંપનીની ૫૦ રાંધણ ગેસની બોટલ સહિત કુલ ૧,૬૦,૫૬૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આ ત્રણેય આરોપીઓની પૂછપરછ દરમિયાન સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા આંગણવાડી અને કરિયાણના સામાનની ચોરી સંદર્ભે નોંધાયેલા કુલ ૨૮ ગુનાનો ભેદ ઉકેલાયો છે. ઉપરાંત આરોપી યોગેશે કપડવંજ વિસ્તારમાં અલગ અલગ ૧૦ પ્રાથમિક શાળા અને આંગણવાડી ખાતે ગેસની બોટલોની ચોરીઓ કરી હોવાનું કબૂલ્યું હતું.


