- ખેડા જિલ્લામાં બુધવારે સાંજે સાર્વત્રિક વરસાદ પડયો
- નડિયાદમાં એક ઇંચ વરસાદમાં પાણી ભરાયા, ખેડૂતોમાં વરસાદથી હાશકારો
ખેડા જિલ્લાના ૧૦ તાલુકાઓમાં ચાલુ સિઝનમાં જૂન માસના અંતિમ સમય અને જુલાઈ માસની શરૂઆતમાં સામાન્ય વરસાદ નોંધાયો હતો. આ બાદ છેલ્લા પખવાડિયા જેટલા સમયથી મેઘરાજાએ રિસામણાં લેતા ગુજરાતના અન્ય જિલ્લામાં ભરપૂર વરસાદ હોવા છતાં મધ્ય ગુજરાત અને ખાસ કરીને ખેડા જિલ્લામાં વરસાદ નહીવત પ્રમાણમાં હતો. એકતરફ ધરતીપૂત્રો વરસાદની રાહે છે અને સારો વરસાદ થાય તો ડાંગરના હબ ગણાતા ખેડા જિલ્લાના કેટલાક તાલુકાઓમાં ખેડૂતોને ખૂબ રાહત થાય તેમ છે.
જો કે, આ વચ્ચે હજુ પણ ડાંગરના પાક માટે માફકસર વરસાદ પડયો નથી. આજે પખવાડિયા બાદ ખેડા જિલ્લાના તાલુકામાં મેઘરાજાએ પુનઃ એન્ટ્રી કરી હતી. જેમાં સૌથી વધારે ૪ કલાકના સમયગાળામાં કપડવંજમાં ૩ ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય કઠલાલમાં પોણો ઈંચ, મહેમદાવાદમાં દોઢ ઈંચ, ખેડા પોણો ઈંચ, માતરમાં અડધો ઈંચ, નડિયાદમાં સવા ઈંચ, મહુધામાં પોણા ઈંચ, ગળતેશ્વરમાં અડધો ઈંચ અને વસો તેમજ ઠાસરામાં નહીવત પ્રમાણમાં વરસાદ નોંધાયો છે.
૨૦૨૩ના વર્ષમાં જુલાઈ અંત સુધીમાં જે મુજબ વરસાદ નોંધાયો હતો, તેની સાપેક્ષે ૨૦૨૪માં હજુ ૪૮ ટકા જેટલી વરસાદની ઘટ છે. ચાલુ સિઝનમાં ઓછા વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોળી બની છે. ખાસ કરીને ડાંગર માટે હબ કહેવાતા નડિયાદ, માતર અને ખેડા સહિત આસપાસના તાલુકાઓમાં ઓછા વરસાદના કારણે ખેડૂતોને પાણીની વ્યવસ્થા કરવી મુશ્કેલ બની છે. નદી-નાળા, તળાવ અને ડેમોમાં જળસ્તર ઘટયા છે અને ખેડૂતોને પોતાના વાવેતર માટે પાણી ન મળતા હવે વેચાતુ પાણી લેવાની પરીસ્થિતિ સર્જાઈ છે. જો કે, આજે સામાન્ય વરસાદ પડતા ખેડૂતો હજુ પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે.
આ તરફ શહેરી વિસ્તારોમાં સામાન્ય વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. નડિયાદ શહેરમાં સામાન્ય વરસાદમાં જ કેટલાક વિસ્તારમાં ઘુંટણ સમુ પાણી ભરાઈ ગયુ હતુ.
સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીનો વરસાદ
|
તાલુકો |
વરસાદ (
મીમી) |
|
કપડવંજ |
૭૨ |
|
મહેમદાવાદ |
૩૭ |
|
નડિયાદ |
૨૭ |
|
ખેડા |
૧૮ |
|
કઠલાલ |
૧૬ |
|
ગળતેશ્વર |
૧૬ |
|
મહુધા |
૧૭ |
|
માતર |
૧૩ |
|
વસો |
૮ |
|
ઠાસરા |
૪ |


