- બે દિવસના વિરામ બાદ ખેડા જિલ્લામાં ધીમી ધારે વરસાદ પડયો
- 10 પૈકી 7 તાલુકામાં સરેરાશ 1 ઈંચ વરસાદ પડયો : કપડવંજ, ઠાસરા અને ગળતેશ્વર તાલુકાઓમાં વરસાદનું ટીંપુ પણ ન પડયું
ખેડા જિલ્લામાં ૨ દિવસ બાદ ફરી મંગળવારે સામાન્ય વરસાદ નોંધાયો છે. સતત ૨થી ૩ દિવસ મેઘરાજાએ વિરામ લીધો અને ત્યારબાદ આજે મંગળવારે જિલ્લાના ૭ તાલુકામાં સામાન્ય વરસાદ થયો. જ્યારે ૩ તાલુકા પૈકી કપડવંજ, ઠાસરા અને ગળતેશ્વરમાં વરસાદ પડયો નથી. આ તરફ સૌથી વધુ વરસાદ મહેમદાવાદમાં ૩ ઈંચ, ખેડામાં અઢી ઈંચ, માતરમાં અઢી ઈંચ, નડિયાદમાં દોઢ ઈંચ, મહુધામાં અડધો ઈંચ વરસાદ પડયો છે. જ્યારે કઠલાલમાં ૩ મીમી જેટલો ખૂબ સામાન્ય વરસાદ નોંધાયો છે અને વસોમાં સવા ઈંચ વરસાદ પડયો છે.
આ સાથે જ જિલ્લાના ૧૦ તાલુકા પૈકી ૭ તાલુકાનો આજે સરેરાશ ૧ ઈંચ વરસાદ નોંધાયો છે. આ વરસાદ બપોરે ૧૨ વાગ્યાથી સાંજના ૪ વાગ્યાના અરસામાં પડયો છે. આ સિવાયના સમયગાળામાં માત્ર વાદળછાયું વાતાવરણ રહ્યુ હતુ.
ઉલ્લેથનીય છે કે, રાજ્યના અન્ય જિલ્લાઓમાં ખૂબ સારો વરસાદ થઈ રહ્યો છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાય જિલ્લાઓમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે, તો મધ્ય ગુજરાતમાં પણ વડોદરા અને આણંદ સહિત અમદાવાદમાં સારો વરસાદ પડી રહ્યો છે. જો કે, હજુ સુધી ખેડા જિલ્લામાં ખૂબ સામાન્ય વરસાદ પડી રહ્યો હોવાનું જણાઈ રહ્યુ છે. ખેડા જિલ્લાના તમામ તાલુકાઓનો ચાલુ સિઝનનો કુલ વરસાદ જોઈએ તો, કપડવંજમાં ૯૯ મીમી, કઠલાલમાં ૧૨૩ મીમી, મહેમદાવાદમાં ૨૧૬ મીમી, ખેડામાં ૨૧૪ મીમી, માતરમાં ૨૭૩ મીમી, નડિયાદમાં ૨૩૫ મીમી, મહુધામાં ૧૧૮ મીમી, ઠાસરામાં ૯૨ મીમી, ગળતેશ્વરમાં ૧૨૮ મીમી અને વસોમાં ૧૧૫ મીમી વરસાદની સાથે જિલ્લામાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ ૧૬૧ મીમી નોંધાયો છે.


