ખેડા જિલ્લામાં 4 મહિનામાં 292 હેન્ડ પમ્પ ખોટકાયા
- નડિયાદ તાલુકામાં સૌથી વધુ 155 બંધ પડયા
- ઉનાળા પહેલા પાણી પુરવઠા તંત્ર જાગ્યું અને જિલ્લામાં બંધ હેન્ડ પમ્પ રિપેર કર્યા
નડિયાદ : ઉનાળાની ગરમી શરૂ થવાના અણસાર વર્તાઈ રહ્યા છે. ત્યારે ખેડા જિલ્લામાં પીવાના પાણીની સુવિધા પૂરી પાડવા પાણી પુરવઠા દ્વારા છેલ્લા ચાર માસમાં ૧૯૨ જેટલા હેન્ડ પમ્પનું રિપેરિંગ કરવામાં આવ્યું છે. જ્યારે ૧૦ નવા હેન્ડ પંપ બોર બનાવવામાં આવ્યા હોવાનું ખેડા જિલ્લા પાણી પુરવઠા બોર્ડ દ્વારા જણાવ્યું છે.
સરકાર દ્વારા છેવાડાના વિસ્તાર સુધી પીવાના પાણીની સુવિધા પૂરી પાડવા નલ સે જલ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ નવા બોર, પાણીની ટાંકીઓ તેમજ પાઇપલાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ખેડા જિલ્લા પાણી પુરવઠા બોર્ડ દ્વારા છેલ્લા ચાર મહિનામાં સીમ વિસ્તારમાં બંધ પડેલા ૨૯૨ હેન્ડ પંપોનું રીપેરીંગ કરી કાર્યરત કરવામાં આવ્યા હોવાનું પાણી પુરવઠા વિભાગે જણાવ્યું છે. જ્યારે છેલ્લા ચાર મહિનામાં ૧૦ નવા હેન્ડ પંપ તથા બોર બનાવવામાં આવ્યા છે. ઉનાળાના દિવસોમાં પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે માટે પાણી પુરવઠા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.
કયા તાલુકામાં કેટલા હેન્ડપમ્પ રિપેર કરાયા
મહુધા |
૭૬ |
મહેમદાવાદ |
૨૬ |
ખેડા |
૧૫ |
માતર |
૧૪ |
વસો |
૬ |
નડિયાદ |
૧૫૫ |
10 નવા હેન્ડપમ્પ બોર કરાયા
મહુધા |
૨ |
નડિયાદ |
૫ |
માતર |
૩ |