- ખેડા જિલ્લામાં સાર્વત્રિક 15 ઈંચ વરસાદ ખાબક્યો : નડિયાદમાં ચારેય ગરનાળા પાણીમાં ગરકાવ થતાં કફોડી સ્થિતિ
- મહુધાના મહીસામાં 42 લોકોને રેસ્ક્યૂ કરાયા : હાથજમાં ફૂડપેકેટ મોકલાયા : નડિયાદના ખાડા વિસ્તારમાં હોડીઓથી જમવાનું મોકલવું પડયું : વરસાદના કારણે બજારો બંધ કારાવાયા
તા. ૨૭એ દિવસભરના વરસાદી આંકડા મળી મોડી સાંજ સુધી ૩ દિવસનો કુલ વરસાદ ૧૫ ઈંચ જેટલો નોંધાયો છે. તો આ તરફ નડિયાદ શહેરની ત્રણ દિવસના વરસાદી આંકડા જોતા ૨૪ ઓગસ્ટના સવારે ૬ વાગ્યાથી ૨૫ તારીખના સવારે ૬ વાગ્યા સુધી કુલ ૬૧ એમ.એમ. એટલે કે, અઢી ઈંચ, ૨૫ તારીખના સવારના ૬થી ૨૬ તારીખના સવારના ૬ વાગ્યા સુધી ૧૨૪ એમ.એમ. એટલે કે, સવા પાંચ ઈંચ અને ૨૬ તારીખના સવારે ૬ વાગ્યાથી ૨૭ તારીખના સવારે ૬ વાગ્યા સુધી ૩૨૭ એમ.એમ. એટલે કે, ૧૩ ઈંચ વરસાદ નોંધાયો છે. એટલે ત્રણ દિવસનું સરવાયુ કરી ૨૭ તારીખે સાંજ સુધીનો કુલ સાર્વત્રિક વરસાદ ૨૨ ઈંચ ઉપરાંત નોંધાયો છે. ગળતેશ્વરમાં ૧૩ ઈંચ ઉપરાંત, કપડવંજમાં ૧૩ ઈંચ ઉપરાંત, કઠલાલમાં સાડા બાર ઈંચ, ખેડામાં ૧૩ ઈંચ ઉપરાંત, મહેમદાવાદમાં ૧૨ ઈંચ ઉપરાંત, મહુધામાં ૧૬ ઈંચ ઉપરાંત, માતર ૧૩ ઈંચ ઉપરાંત, ઠાસરામાં ૧૦ ઈંચથી વધુ અને વસોમાં ૧૪ ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. જેથી જિલ્લાનો કુલ સાર્વત્રિક ૧૫ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ધમધોકાર વરસાદ વચ્ચે જિલ્લાને હજુ ૪૮ કલાક રેડ એલર્ટ હોવાનું જાહેર કરાયુ છે.
નડિયાદમાં ૩ દિવસમાં ૨૨ ઈંચ જેટલા વરસાદના પગલે નડિયાદ બે ભાગમાં વહેંચાયું છે. ચારેય ગરનાળા પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને ગરનાળાના પાણી રોડ પર આવી ગયા છે. તો વળી, નડિયાદમાં મુખ્ય માર્ગો પર પણ પાણી ભરાયા છે. નડિયાદ પશ્ચિમમાં પણ અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. સંતરામ રોડ ઉપર કેડ સમા પાણી ભરાયા હતા. દુકાનોમાં પણ પાણી ઘૂસ્યા હતા.
કન્ટ્રોલ ખાતેથી ફૂડ પેકેટ હાથજ મોકલાયા
હાથજ ગામમાં જનજીવન ખોરવાયું હોવાથી અને લોકોનું સ્થળાંતર કરાયું હોવાથી તેમને બે સમયનું ભોજન નડિયાદ કન્ટ્રોલ રૂમ ખાતેથી મોકલવામાં આવ્યું હતું. હાથજ સિવાય અન્ય જે વિસ્તારોમાં જનજીવન ખોરવાયુ છે અને લોકોનું સ્થળાંતર કરાયુ છે, તેવા તમામ વિસ્તારોમાં લોકોને જમવાનું મળી રહે તે માટે વ્યવસ્થાઓ ચાલી રહી છે.
તા. 26 મીએ તંત્રએ બજારો બંધ કરાવ્યા
તા. ૨૬મીએ ગોકુળ આઠમે ભારેથી અતિ ભારે વરસાદ ખાબક્યો હતો અને નડિયાદના તમામ વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. આવા સમયે બજારમાં કેટલાક વેપારીઓ દ્વારા દુકાનો ખુલ્લી રાખવામાં આવી હતી. શહેરની પરિસ્થિતિનો તાગ મેળવવા નીકળેલા ચીફ ઓફીસરે આ દુકાનો ખુલ્લી જોતા લોકોની સલામતી ખાતર બંધ કરાવી હતી.
નડિયાદ મહેમદાવાદ રોડ પર શેઢીના પાણી ફરી વળ્યા
આ તરફ નડિયાદ-મહેમદાવાદ રોડ પર આવેલી શેઢી નદી છલકાઈ ગઈ છે. જ્યાં શેઢી નદીના પાણી આ રોડ પર આવેલા શેઢી બ્રિજ પર ફરી વળ્યા છે અને ત્યાંથી રોડના નીચાણવાળા વિસ્તારોમાં પણ આ પાણી પહોંચી ગયા છે.
મહેમદાવાદના વાંઠવાળી અને કેસરા સંપર્ક વિહોણા
મહેમદાવાદના વાંઠવાડી ગામના સિમ વિસ્તાર માં ૩૦ ઘરોમાં પાણી ફરી વળ્યાં છે. વાંઠવાડી ગામથી મહેમદાવાદ-મહુધા રોડ પર બાલાજી હનુમાનજી મંદિર સામે આવેલ વિસ્તાર જળમગ્ન બન્યો છે. ત્યારે લોકો રસ્તા પર આવી ગયા હતા. ગામમાં લાઈટ ન હોવાથી બંને ગામો હાલ સંપર્ક વિહોણા બન્યા છે અને આખા ગામોમાં ૨ દિવસથી લાઈટો નથી.
મહીસામાં તળાવના પાણીમાં લોકો ફસાતાં તંત્ર દોડયું
ખેડા જિલ્લાના મહુધા તાલુકાના મહીસા ગામમાં આવેલા ડેમછા તળાવનુ પાણી ગામમાં તથા આજુ-બાજુના વિસ્તારમાં ફરી વળ્યું હતું. ત્યાંના ૪૨ જેટલા લોકો ફસાયા હતા. જેમને નડિયાદના એસઆરપી ગુ્રપ-૭ની એસડીઆરએફની ટીમે રેસ્કયુ કરી બચાવ્ય હતા.
છેલ્લા 3 દિવસના વરસાદના આંકડા
|
તાલુકો વરસાદના આંકડા (ઈંચમાં) |
|
ગળતેશ્વર ૧૩.૨૪ |
|
કપડવંજ ૧૨.૦૬ |
|
કઠલાલ ૧૨.૦૦ |
|
ખેડા ૧૨.૪૮ |
|
મહેમદાવાદ ૧૧.૦૪ |
|
મહુધા ૧૪.૫૨ |
|
માતર ૧૨.૭૬ |
|
નડિયાદ ૨૦.૫૨ |
|
ઠાસરા ૦૯.૩૬ |
|
વસો ૧૩.૦૪ |
|
સાર્વત્રિક ૧૩.૨૪ |
|
(નોંધઃ ૨૭
ઓગસ્ટ સવારે ૬ વાગ્યા સુધી) |


