Get The App

કપડવંજ અને કઠલાલના 2 શખ્સ બંદૂક સાથે ઝડપાયા : કારતૂસ મળી આવી

Updated: Feb 28th, 2022

GS TEAM

Google News
Google News
કપડવંજ અને કઠલાલના 2 શખ્સ બંદૂક સાથે ઝડપાયા : કારતૂસ મળી આવી 1 - image

- સ્થળ પરથી કુલ રૂપિયા 4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લેવાયો

- કારની સીટ નીચે છુપાવેલી છરી અને લોખંડનો સળિયો તથા ગન પાઉડર પણ તલાશીમાં મળી આવી

નડિયાદ : કપડવંજ અને કઠલાલના બે શખ્સ દેશી બંદૂક અને કારતૂસ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા છે. એસઓજી પોલીસે આંતરસુબામાંથી કારમાં બેઠેલા શખ્સોને ઝડપી લીધા હતા.

ખેડા એસ.ઓ.જી. પોલીસે આતરસૂબા બી.એસ.એન. એલ. ટાવર પાસેથી ઇકો કારમાંથી દેશી બંદૂક સાથે બે શખ્સોને ઝડપી પાડયા હતાં. પોલીસે દેશી બંદૂક તેમજ કાર મળી કુલ રૂ.૪,૦૭,૫૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ખેડા એસ.ઓ.જી. પોલીસ ટીમ પેટ્રોલીંગમાં નીકળી હતી. આ દરમિયાન બાતમીના આધારે આતરસુબામાં મોબાઇલ ટાવર પાસે ઊભી રહેલી ઇકો કારમાં બેઠેલા બે શખ્સોની પૂછપરછ કરતાં વારિસ મહંમદ ઉર્ફે ભુરો અલી મહંમદ શેખ (રહે. કાભાઈના મુવાડા,તા.કપડવંજ) તેમજ રફીક મિયા ઉર્ફે રાજુ હુશેન મિયા મલેક (રહે.પીઠાઈ તા.કઠલાલ) હોવાનું જણાવ્યું હતું. આ કારની તલાશી લેતાં કારમાં પાછળની સીટ નીચેથી દેશી બંદૂક, લોખંડનો સળિયો, લોખંડના છરા, ગન પાઉડર, છરી, તેમજ બે મોબાઈલ મળી આવ્યા હતા. જેથી પોલીસે ઇકો કાર રૂ.ચાર લાખની મળી કુલ રૂ. ૪,૦૭,૫૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવ અંગે આંતરસુબા પોલીસે વારિસ શેખ તેમજ રફીક મલેક સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

હત્યા કે લૂંટ : શખ્સોની પૂછપરછ હાથ ધરાઈ

આંતરસૂબામાંથી ઝડપી લેવામાં આવેલા કઠલાલ અને કપડવંજના શખ્સો જે ગાડીમાંથી ઝડપી લેવામાં આવ્યા તે ઇકો કારમાં પાછળની સીટની નીચે દેશી બંદૂક ઉપરાંત લોખંડનો સળીયો અને છરી સહિતની ઘાતક હથિયાર પણ મળી આવ્યા હતા. આ ઉપરાંત લોખંડના છરા પણ તલાશીમાં મળ્યા હતા. દેશી બંદૂક અને છરી સહિતના હથિયારો જોઇને પોલીસ ચોંકી ઉઠી હતી. આ શખ્સોનો ઇરાદો કોઇની લૂંટ કરવાનો હતો કે તેઓ કોઇની હત્યા કરવાના હતા સહિતના મુદ્દાઓને લઇને પોલીસે તપાસ હાથ ધરી છે. આ શખ્સો કોઇ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ શરૂ કરાઈ હોવાનું જાણવા મળે છે.