- ઘર આગળ પાણી આવતા બે પડોશી ઝઘડયા હતા
- કપડવંજના એડિશનલ ચીફ જયુડીશીયલ મેજિસ્ટ્રેટની કોર્ટે ચુકાદો જાહેર કર્યો
ગત તા. ૯-૧૧-૧૮ના રોજ નીરમાલી ગામે આરોપી મફાભાઇ જેસંગભાઇના ઘરનું પાણી ફરિયાદી વિકાસભાઇ શંકરભાઇના ઘર તરફ આવતું હતું. પાણી બાબતે બે પરિવારો વચ્ચે બોલાચાલી , ગાળાગાળી થઇ હતી. જેમાં આરોપી મફાભાઇનું ઉપરાણું લઇને કમલેશ અશોકભાઇ, હિતેશ રાજુભાઇ અને અતુલ રાજુભાઇ દોડી આવ્યા હતા અને ફરિયાદી સાથે ઝપાઝપી કરી હતી. કમલેશે ઘરેથી ધારિયું લાવી ઝઘડામાં વચ્ચે પડેલા રાજીબેનના માથામાં મારી દીધું હતું. હિતેશે કમલેશ પાસેથી ધારિયું લઇ અનિતાબેનની આંખ ઉપર ધારિયું માર્યું હતું. તેમજ આરોપી મફાભાઇ, અતુલભાઇએ ફરિયાદી અને તેમના પત્ની અને માતા-પિતાને માર માર્યો હતો.જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.આ મામલે કપડવંજ રૂરલ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. આ કેસ કપડવંજના એડિશનલ ચીફ જયુડીશીયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા સરકારી વકિલ કે.બી.ચૌહાણે રજુ કરેલા પુરાવાઓ, દલીલોને ધ્યાને લઇને કોર્ટે આરોપી મફાભાઇ જેસંગભાઇ તથા કમલેશભાઇ અશોકભાઇને એક વર્ષની સાદી કેદ અને એક હજારનો દંડ ફટકાર્યો હતો. દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કર્યો હતો. કમલેશભાઇ અશોકભાઇ અને હિતેશભાઇ રાજુભાઇને બે વર્ષની સાદી કેદ અને ૩ હજારનો દંડ ફટકાર્યો હતો. દંડ ન ભરે તો વધુ ૬ માસની સજાનો હુકમ કર્યો હતો. તેમજ કમલેશ અને હિતેશને અન્ય એક કલમ હેઠળ ૬ માસની સજા તેમજ ૫૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. દંડ ન ભરે તો વધુ ૨ માસની સજાનો હુકમ કર્યો હતો.


