ચકલાસી ખાતેથી 15 જુગારિયા 4.76 લાખની મત્તા સાથે ઝડપાયા
- સ્થાનિક પોલીસ ઉંઘતી રહી, સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડયો
- કુખ્યાત બુટલેગરની ભાગીદારીથી ચાલતા આ અડ્ડા પર જુગારિયોને એસી સહિતની સુવિધા અપાતી હતી
ચકલાસીના ધરમપુરામાં એક મકાનમાં ઉત્તરસંડાનો કુખ્યાત બુટલેગર શિવા ઠક્કર અને તેના ભાગીદારો દ્વારા હાઈ પ્રોફાઈલ જુગારધામ ચલાવવામાં આવતું હોવાની બાતમી ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને મળી હતી. જેના આધારે ટીમે છાપો મારી નડિયાદમાં રહેતા બુટલેગર રાહુલ રાજુભાઈ નાયર (રહે. નેક્સસ ૪, નડિયાદ), જુગાર ધામની બહાર વોચ રાખનાર મકાન માલિક અરુણ વાઘેલાનો ભાઈ વિશાલ કાંતિભાઈ વાઘેલા (રહે.ધરમપુર), જુગાર રમી રહેલાં ઉપેન્દ્ર ચીનુભાઈ પટેલ (રહે. રાણીપ, અમદાવાદ), જોરાવર હરિસિંહ રાવ (રહે. રાણીપ, અમદાવાદ), કીતસિંહ કિશોરસિંહ ગોહિલ (રહે. કાછીયા કુવા, નડિયાદ), કનૈયા શંકરજી રાજપુત (રહે. થરાદ, બનાસકાંઠા), પ્રવિણસિંહ રામસિંહ યાદવ (રહે. ડભોઉ, આણંદ), જગદીશ રમણભાઈ શાહ (રહે. નાના કુભનાથ રોડ, નડિયાદ), ધર્મેશ બલવંતસિંહ વાઘેલા (રહે. ચકલાસી, નડિયાદ), જીમિત અનિલભાઈ શાહ (રહે. પેટલાદ, આણંદ), મહેશ મનુભાઈ વાઘેલા (રહે. ચકલાસી, નડિયાદ), રમણ શંકરભાઈ વાળંદ (રહે. પીપલગ, નડિયાદ), ઈદ્રિશ હબીબભાઈ કાપડિયા (રહે. વ્હોરવાડ, નડિયાદ), જતીન મનસુખભાઈ મકવાણા (આયુર્વેદીક ત્રણ રસ્તા, વડોદરા) અને વાઘજી મફતભાઈ દેસાઈ (ઝઘડિયા પોળ, નડિયાદ) ને દબોચી લીધા હતા. જ્યારે ત્યાં જુગાર રમતો એક નબીરો પોતાનો મોબાઈલ મૂકી પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો.
આ ઉપરાંત દત્રેશ ઉર્ફે બોસ રાવ (રહે.નડિયાદ. મુખ્ય આરોપી ભાગીદાર), રણજીત ઉર્ફે કાલુ સોલંકી (રહે. એક્સેસ ૪, નડિયાદ. મુખ્ય આરોપી ભાગીદાર), સેન્ડી પટેલ (રહે. નડિયાદ. મુખ્ય આરોપી, ભાગીદાર), રવિન્દ્ર ઉર્ફે ચીકુ પટેલ (રહે. આણંદ. મુખ્ય આરોપી, ભાગીદાર), શિવમ ઠક્કર (રહે. નડિયાદ. મુખ્ય આરોપી, ભાગીદાર), અંજલ પટેલ (રહે. પીપલગ, નડિયાદ. મુખ્ય આરોપી, ભાગીદાર) તેમજ મકાન માલિક અરુણ કાંતિભાઈ વાઘેલા સ્થળ ઉપર મળી ન આવતા તેમની સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરસંડા ગામનો કુખ્યાત બુટલેગર શિવા ઠક્કર વર્ષોથી જુગારનો ધંધો ચલાવે છે. શિવા ઠક્કરે નડિયાદના તેના મળતીયાઓ સાથે ભેગા થઈને ચકલાસીના ધર્મપુરમાં રહેતા અરૂણભાઇ વાઘેલાના મકાનમાં થોડા સમયથી આ હાઈ પ્રોફાઈલ જુગારધામ શરૂ કર્યું હતું. અહીં જુગારીઓને ખાણીપીણી ઉપરાંત એર કન્ડિશનની સુવિધા પૂરી પાડવામાં આવતી હતી. આ હાઈ પ્રોફાઈલ જુગાર ધામમાં અમદાવાદ અને વડોદરા તેમજ ચરોતરના જુગારીઓ નિયમિત જુગાર રમવા આવતા હોવાનું કહેવાય છે. સૌથી નવાઈની વાત કહે છે કે આ અગાઉ પણ ચકલાસીમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા કરવામાં આવ્યા હતા, તેમછતાં જવાબદાર અધિકારી કે કર્મચારીઓ સામે કોઈ જ પગલાં આજદિન સુધી ભરવામાં આવ્યા નથી. હજી બે દિવસ પહેલા જ નડિયાદ શહેરમાં પણ સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો કરીને જુગારધામ ઝડપી પાડયું હતું. ગણતરીના કલાકોમાં ફરીથી જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી સ્થાનિક પોલીસની બેદરકારી છતી કરી રહી છે.