ડાભસર આડબંધથી બાબર બોઘા પુલ વચ્ચે મહી કેનાલમાં 14 ગાબડાં પડયાં
- 10 વર્ષ પહેલા 71 લાખના ખર્ચે સ્લેબ ભર્યો હતો
- માટી ભરેલી સિમેન્ટની બોરીઓ મૂકી તંત્રએ કામચલાઉ કામગીરી કરી
વણાંકબોરી ડેમથી નીકળી વનોડા, સીમ વિસ્તાર, કુણી ગામ, મેનપુરા, ટીમ્બાનામુવાડા સીમ વિસ્તાર, પડાલ, રસુલપુર (પડાલ), સોનયા, તરઘૈયા, અંઘાડી, વાડદ સીમ વિસ્તારથી નીકળી ડાભસર આડબંધ સુધીમાં મુખ્ય મહિ કેનાલની પાળોની બંને બાજુ ખુબ મોટા ગાબડા પડી ગયા છે. ડાભસર અંબાલા તળાવ પાસેની મુખ્ય પાળ ઉપર પણ ભારે ધોવાણ થવાથી અકસ્માત સર્જાવાની ભીતિ છે.
ડાભસર આડબંધથી બાધરપુરા તરફ જતા બાબરબોઘાના પુલ સુધી મહી કેનાલના પાણી છ મહીના સુધી બંધ રાખીને રાજકોટના કોન્ટ્રાક્ટરે રૂ. ૭૧,૦૩,૮૧૨ના ખર્ચે સ્લેબ ભર્યા હતા. નડિયાદ ઈરીગેશન ડિવિઝન દ્વારા બંને પાળોના સ્લેબ ભરવાની કામગીરી સોંપવામાં આવી હતી. આ પાળો છેલ્લા પાંચ વર્ષથી તૂટી ગઈ છે. હાલમાં ડાભસર આડબંધથી એક કિલોમીટરના અંતરે બાબર બોઘાના પુલની વચ્ચેના અંતરે બંને બાજુએ મોટા મોટા ૫૦ થી ૧૦૦ ફૂટ લંબાઈના બારથી પંદર ગાબડા પડી જતા અત્યારે માટી ભરેલી સિમેન્ટની કોથળીઓ મૂકી દેવામાં આવી છે. ઉપરાંત ડાભસરના લોકો માટે અવર-જવરની વ્યવસ્થાના ભાગરૂપે અંદાજે ૧૫ વર્ષ પહેલા ગામ નજીક અડધા કિલોમીટરના અંતરે મહી કેનાલ પર ગોગલવાડો પુલ બનાવવામાં આવ્યો હતો. પરંતુ પાણીનો પ્રવાહ વધારવા માટે પાળો ઉંચો કરતા પૂલ તૂટી ગયો હતો. પરિણામે છેલ્લા કેટલાક વર્ષોથી ગ્રામજનોને ત્રણ કિલોમીટરનું અંતર કાપીને ખેતરોમાં જવાની ફરજ પડી છે. આ અંગે અનેક રજૂઆતો કરવા છતાં હજૂ સુધી ટેન્ડર પાસ થયું ન હોવાના આક્ષેપ ગ્રામજનોએ લગાવ્યા હતા.
દસ વર્ષ પહેલા ભરવામાં આવેલા સ્લેબની કામગીરીમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનું તેમજ હાલમાં ગાબડાના સમારકામના બદલે માટી ભરેલી સિમેન્ટની બોરીઓ ભરી દેવામાં પણ ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપ ગ્રામજનોએ લગાવ્યા હતા.
નવેસરથી કામ કરવા સરકારની મંજૂરી લેવા તજવીજ હાથ ધરાઈ
આ અંગે ઠાસરા તાલુકા મહી સિંચાઈ પેટા કચેરીના નાયબ ઈજનેર એસ. એસ. પટેલે જણાવ્યું હતું કે, આ વખતે ઉનાળામાં ડાભસરથી બાધરપુરા સુધીમાં જે ગાબડાં પડયા છે તે નવેસરથી ખોદકામ કરીને નવું કામ કરવા માટે સરકારની મંજૂરી લેવાની તજવીજ ચાલી રહી છે. અત્યારે કામચલાઉ બેગો મૂકી છે. ઉનાળામાં બે મહિનાના સમયમાં જ સમારકામ થઈ શકે છે. આખુ વર્ષ પીવાનું પાણી પરિએજ તળાવમાં આપવું પડે તેમ જણાવ્યું હતું.