- અઠવાડિયાથી સીબીસી બ્લડટેસ્ટ પણ બંધ
- સોનોગ્રાફી અને બ્લડટેસ્ટ માટે બહાર મોકલાતા 40 જેટલા ગામના દર્દીઓને ભારે હાલાકી
ડાકોરમાં આધુનિક સબડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ અંદાજે ૧૪ કરોડમાં બનાવવામાં આવી છે. મોટાભાગની સુવિધાઓ વધારીને રેફરલ હોસ્પિટલમાંથી સબડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ બનાવવામાં આવી છે, પરંતુ અહીં પેટના કે પ્રસૂતિના દર્દીઓને સોનોગ્રાફી કરાવવાની થાય તો તેના માટે તેમને ખાનગી હોસ્પિટલ કે લેબોરેટરીનો સહારો લેવો પડે છે. જેનું કારણ એ છે કે, અહીં રેડિયોલોજિસ્ટ ફાળવવામાં આવ્યા નથી. અહીં સીબીસી બ્લડટેસ્ટ પણ એક અઠવાડિયાથી કરવામાં આવતા નથી. આ બાબતે ડાકોર સબડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના અધિક્ષક તૃપ્તિબેન શાહે જણાવ્યું હતું કે, હું ૨૦ દિવસની ટ્રેનિંગ બાદ હમણાં જ આવી છું. અહીં સુવિધાઓ રેફરલ હોસ્પિટલ કરતા વધારે છે, પરંતુ કેટલોક જરૂરી અને કિંમતી સામાન મંગાવવાની કે ખરીદવાની છૂટછાટ નથી. જેથી સીબીસી બ્લડટેસ્ટ હાલ બંધ છે. જ્યારે સેડિયોલોજિસ્ટ સંદર્ભે ઉપર સુધી રજૂઆત પણ અગાઉ મેં કરી જ છે. હાલ દર્દીને સીબીસી બ્લડટેસ્ટ કે સોનોગ્રાફીની જરૂર પડે તો તેમને અમારે બહાર કરાવવા મોકલવા પડે છે. તેમ તેમણે જણાવ્યું હતું.ડાકોર અને આસપાસના ૪૦ જેટલા ગામડાઓના દર્દીઓને હાલ તો આ સુવિધા મળી નથી રહી. ત્યારે ડાકોર સબડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં સુવિધાઓ ઉપલબ્ધ કરાય તેવી માંગણી ઉઠી છે.


