Get The App

ખેડા જિલ્લામાં કોરોનાના 14 કેસ : બેનાં મોત

- શહેર- જિલ્લામાં વધતા જતા કેસો તંત્ર માટે પડકારરૂપ બન્યા

- નડિયાદ શહેર તાલુકામાં આઠ, ખેડા અને કપડવંજમાં બે-બે અને મહુધા તાલુકામાં એક કેસ નોધાયો

Updated: Jul 31st, 2020

GS TEAM

Google News
Google News
ખેડા જિલ્લામાં કોરોનાના 14 કેસ : બેનાં મોત 1 - image


નડિયાદ, તા.31 જુલાઈ 2020, શુક્રવાર

ખેડા  જીલ્લામાં આજે ચૌદ કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે. જીલ્લાના વડા મથક નડિયાદમાં પાંચ અને નડિયાદ તાલુકામાં ત્રણ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. જ્યારે ખેડા અને કપડવંજમાં બે-બે કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત મહુધામાં એક પોઝીટીવ કેસ નોંધાયો છે. આ સાથે જીલ્લામાં કુલ કોરોના પોઝીટીવ દર્દીનો આંક ૬૮૭ પહોંચ્યો છે. જિલ્લામાં આજે વધુ બે મોત કોરોનાના કારણે નિપજયા છે.જિલ્લાનો મૃત્યુ આંક ૪૩ પહોચ્યો છે.આજે નોધાયેલા બે મૃત્યુ પૈકી એક ખેડા તાલુકામાં અને બીજુ નડિયાદ તાલુકામાં નોધાયુ છે. 

જીલ્લામાં દરરોજના સરેરાશ દસથી અઢાર કોરોનાના પોઝીટીવ કેસો નોંધાય છે. આ ઉપરાંત મોટા શહેરો છોડી હવે કોરોનાએ ગ્રામ્ય વિસ્તારોમાં પણ પગપેસારો કર્યો છે. સરકારે તાજેતરમાં અનલોક-૩ની તૈયારી કરી દીધી છે. ત્યારે કોરાનાના વધતા કેસો એક ચિંતાજનક પડકાર બની ગયો છે. આજે પણ જીલ્લાના વડા મથક નડિયાદને બાદ કરતાં અન્ય તાલુકામાં પાંચ કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે.

ખેડા જિલ્લામાં વિવિધ હોસ્પિટલમાં કુલ ૧૧૩ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં શહેરની એન.ડી. દેસાઈ હોસ્પિટલમાં ૨૯ , સીવીલ હોસ્પિટલ નડિયાદમાં ૮, શ્લોક હોસ્પિટલ નડિયાદમાં ૧૪, કોવીડ કેર સેન્ટર નડિયાદમાં ૬, રૂદ્ર હોસ્પિટલ નડિયાદમાં ૪, મહાગુજરાત હોસ્પિટલમાં ૬, ડી.સી.એચ.સી કપડવંજ-૧, ડી.સી.એચ.સી મહેમદાવાદ-૩, ડી.સી.એચ.સી  ઠાસરા-૧, નર્સિંગ કોલેજ-નડિયાદ-૧, એસ.ડી.એચ ખેડા-૨, હોમ આઇશોલેશન-૨૨ અને અન્ય હોસ્પિટલમાં ૧૬ એમ કુલ મળી ૧૧૩  દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જીલ્લામાં કુલ ૨૮ ધનવંતરી રથનો સમાવેશ થાય છે. જેમાં કુલ ૯૪,૬૪૭  ઓ.પી.ડી.,૧,૯૨૨ તાવના કેસો, અને ૪૨ વ્યક્તિઓને વધુ તપાસ અર્થે રીફર કરવામાં આવ્યા છે.

નડિયાદ શહેરમાં કોરાના દર્દીઓ

*  તારાબેન જશભાઈ પટેલ ઉં.વ. ૭૦ દેસાઈ ખોડિયાર ચોક, નડિયાદ, *  પુરૂષ ઉં.વ. ૫૯ શાંતિનગર સોસાયટી, નડિયાદ, *  મહિલા ઉં.વ. ૪૮ હીરપાર્ક સોસાયટી, નડિયાદ, *   પુરૂષ ઉં.વ. ૨૨ હીરપાર્ક સોસાયટી, નડિયાદ, *   પુરૂષ ઉં.વ. ૨૩ સાગર બંગલોઝ, નડિયાદ, *  મેમુદાબાનુ મહેમુદમીયા શેખ ઉં.વ. ૬૨ શેખવાડા, નરસંડા, *  મહિલા ઉં.વ. ૭૦ અલાપાર્ક સોસાયટી, કણજરી, *  પુરૂષ ઉં.વ. ૩૬ મહાદેવવાળું ફળિયું, પીપળાતા, *  પુરૂષ ઉં.વ. ૪૨ ભગવાનપુરા, વલેટવા.

જિલ્લાના અન્ય સ્થળો પર નોંધાયેલા કેસ

*  દિલીપભાઇ અગરસિંહ ચાવડા ઉં.વ. ૫૧ સુથાર ફળિયું, વિગલી હરીયાળા,ખેડા, *  વર્ષાબહેન ભઈલાલભાઈ પ્રજાપતિ ઉં.વ. ૪૫ એચ એન્ડ ડી પારેખ હાઈસ્કુલની સામે, ખેડા, *  ધર્મેન્દ્રભાઇ કા.પટેલ ઉં.૩૮ શ્રીજી સોસાયટી, કપડવંજ, *  મહિલા ઉં.વ. ૫૨ લાંબી શેરી, કપડવંજ, *  પુરૂષ ઉં.વ. ૪૨ ખેતર વિસ્તાર, મહુધા.

વાસણા બુઝર્ગ અને નરસંડાના 2 આધેડનાં મોત

નડિયાદ, તા.31 જુલાઈ 2020, શુક્રવાર

ખેડા જિલ્લામાં આજે વધુ બે મોત કોરોનાના કારણે નિપજયા છે.આજે જિલ્લાનો મૃત્યુ આંક ૪૩ પહોચ્યો છે.આજે નોધાયેલા બે મૃત્યુ પૈકી એક ખેડા તાલુકામાં અને બીજુ નડિયાદ તાલુકામાં નોધાયુ છે. જેમાં ખેડા  તાલુકાના વાસણાબુઝર્ગના હરીશ ચદ્રકાન્ત કા.પટેલનું ( ઉં.વ. ૫૦) મૃત્યુ નિપજયુ છે. તેમની તબિયત લથડતા તેઓનગતરોજ બપોર ૧ઃ૦૦ વાગ્યાના સુમારે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ રાત્રે એક વાગ્યાના અરસામાં તેઓનું સીવીલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું છે. ટૂંકા ગાળામાં જ તેઓ મોતને ભેટયા હતા. જ્યારે નરેન્દ્રભાઈ એસ. ઠાકર ઉં.વ. ૫૪ રહે. ઠાકર ફળીયું, જૈનદેરાસર પાસે નરસંડાનું  આજે સવારે એન.ડી. દેસાઈ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ પામ્યા છે. તેમનો ગત તા.૧૯ જૂલાઇના રોજ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેઓને એન. ડી. દેસાઈ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું છે.

બે મોતની વાત આરોગ્ય અધિકારી સ્વીકારતા નથી !

નડિયાદ, તા.31 જુલાઈ 2020, શુક્રવાર

ખેડા  જીલ્લામાં આજે કોરોનાના કારણે બે વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યાં છે. આ અંગે જીલ્લા આરોગ્ય અધિકારીનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે જીલ્લામાં કોઈ મૃત્યુ નિપજ્યું નથી. આ વાતથી ફલિત થાય છે કે તેઓ જવાબદારીમાંથી છટકી રહ્યા છે અને તેઓ ગુમરાહ કરી રહ્યા છે. જીલ્લામાં કોરોનાના કારણે વધુ બે વ્યક્તિઓના આજે મૃત્યુ નીપજ્યા હોવાં છતાં તેઓ ક્યાંકને ક્યાંક મૃત્યુઆંક છુપાવી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. 

એકતરફ કોરોનાનો કહેર હાઈસ્પીડ ગતિએ આગળ વધી રહ્યો છે ત્યારે જીલ્લા આરોગ્ય અધિકારીની બેજવાબદારીભરી નીતિ જિલ્લાના નાગરિકોને કાળમુખા કોરોનાના મુખમાં ધકેલશે કે શું? 

 

Tags :