ખેડા જિલ્લામાં 14 કેસ : 3 વ્યક્તિનાં મોત
- જિલ્લામાં કાળમૂખા કોરોનાનો અજગરી ભરડો યથાવત : અત્યાર સુધીમાં 25 નો ભોગ લેવાયો
નડિયાદ, તા. 11 જુલાઈ 2020, શનિવાર
ખેડા જિલ્લામાં કોરોનાનો અજગર ભરડો આજે પણ અવિરત રહ્યો છે. આજે જિલ્લામાં ચૌદથી વધુ કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે. જેમાં તાલુકા મથક ખેડા શહેરમાં જ પાંચ કેસો કોરોના પોઝીટીવ આવ્યા છે. જ્યારે જિલ્લા મથક નડિયાદ શહેરમાં સાત કેસો નોંધાયા છે. આ ઉપરાંત સેવાલીયા, માતર,કણજરી અને કપડવંજમાં પણ એક એક કોરોના પોઝીટીવ દર્દીઓ આવ્યા છે. આથી હવે જિલ્લાનો કુલ કોરોના પોઝીટીવ આંકડો ૩૬૩એ પહોંચ્યો છે.
ખેડા જિલ્લામાં કોરોનાને કારણે દર્દીઓના ટપોટપ મૃત્યુ આજે પણ અવિરત રહ્યા છે. આજે જિલ્લાની કોવિડ-૧૯ હોસ્પિટલ એન.ડી.દેસાઇમાં વધુ બે મોત થયા છે. જેમાં એક નડિયાદ શહેરના આશાસ્પદ સરકારી કર્મચારી અને બીજા મહેમદાવાદની વૃદ્ધ મહિલાનો સમાવેશ થયો છે. આ બંને મૃત્યુ આજે સવારે થતા તેમને બપોર બાદ નડિયાદની જીઆઇડીસીમાં આવેલ બોકડ સ્મશાનગૃહ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.
નડિયાદ શહેરના વાણિયાવડ સર્કલ પાસે આવેલ બેંક ઓફ બરોડા નજીકના ટ્વીન્કલ એપાર્ટમેન્ટમાં રહેતા ૫૦ વર્ષિય સંજયભાઇ સી. બારોટનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા નડિયાદ શહેરની કોવિડ-૧૯ એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં તેમને દસ દિવસ અગાઉ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં આજે સવારે તેમનુ સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયુ છે.તેઓ શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસમાં છેલ્લાં ઘણાં વર્ષોથી સેવક સેવા બજાવતા હતા. ઉપરાંત પોસ્ટના નેશનલ યુનિયન ગૃપ ડીના જિલ્લા સેક્રેટરી તરીકે પણ સ્થાનિકોમાં લોકચાહના ધરાવતા હતા.
આ ઉપરાંત મહેમદાવાદ શહેરની આસ્થા સોસાયટીમાં રહેતા ચંપાબેન ફુલાભાઇ વાઘેલા ઉં.૭૫નું પણ આજે કોરોનાની સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું છે. તેઓનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા ગત્ દિવસોમાં નડિયાદની કોવિડ-૧૯ એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં આજે બપોરે તેમનુ અવસાન થયું છે.
આજે જિલ્લાની મુખ્ય કોવિડ એન.ડી.દેસાઇ હોસ્પિટલમાંથી છ દર્દીઓને કોરોનામાંથી સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે. જો કે બે દર્દીઓનું આજે સવારે આ જ હોસ્પિટલમાં મોત પણ નિપજ્યું છે.હજુ પણ ખેડા જિલ્લાના ૧૬૧ જેટલા કોરોના દર્દીઓ નડિયાદ શહેરની મુખ્ય ત્રણ કોવિડ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. પરંતુ જિલ્લામાં વધતા જતા પોઝીટીવ દર્દીઓની સંખ્યા અને મોતને કારણે જિલ્લાનું વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્રમાં હડકંપ મચ્યો છે. અને વ્યવસ્થા તંત્રમાં આ માટે દોડધામ મચી છે.
ખેડા જિલ્લાના કોરોનાના દર્દીઓ
* યાકુબભાઈ મહંમદભાઈ સંઘી ઉં.વ. ૫૧, તવક્કલ ફલેટ, ખેડા, * યાસમીનાબેન યાકુબભાઈ સંઘી ઉં.વ. ૪૫, તવક્કલ ફલેટ,ખેડા, * મનુભાઇ લક્ષ્મણભાઈ પ્રજાપતિ ઉં.વ. ૬૫, લાલદરવાજા ખેડા નિતિનભાઇ આત્મરામ વાળંદ ઉં.વ. ૫૯, રામજીમંદિર, શેરી દરવાજા, ખેડા , * જૈમિન પરેશ રાણા ઉં.વ. ૨૩, કુંભારવાસ, પરા દરવાજા ખેડા, * અંકિતભાઇ મહેશભાઇ વાળંદ ઉં.વ. ૨૩ માતાવાળી પોળ, માતર, * નારાયણ માનાજી મારવાડી ઉં.વ.૫૧ કૃષ્ણ ટોકીઝ પાસે મારવાડી ચાલી સેવાલિયા, * અરવિંદભાઈ લાલજીભાઇ પ્રજાપતિ ઉં.વ. ૪૭ શ્રીરામ સોસાયટી કપડવંજ, તેમજ નડિયાદ શહેરના રામ નિવાસ અક્ષ ગંગામાં રહેતા ૬૮ વર્ષીય મહિલા,રાઘેક્રિષ્ના સોસાયટીમાં રહેતા ૪૫ વર્ષીય પુરુષ અને મિશન રોડ પર આવેલ પંચાયત સદનમાં ૬૬ વર્ષીય પુરુષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ જાહેર થયો છે.જ્યારે નડિયાદ તાલુકાના કણજરી જૂના ચોરા પાસે રહેતા ૮૫ વર્ષીય એક પુરુષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ જાહેર થયો છે.
જિલ્લાના કેટલાંક વિસ્તારોને કન્ટેન્ટમેન્ટ જાહેર કરાયા
ખેડા જિલ્લા કલેક્ટર દ્વારા આજે વધુ એક જાહેરનામું બહાર પાડી જીલ્લાના કેટલાંક તાલુકાઓના વિસ્તારોને કન્ટેઈનમેન્ટ એરીયા તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જેમાં નડિયાદ શહેરના અહેમદ સોસાયટી- ડૉ.બાબાસાબેહ આંબેડકર રોડ વિસ્તાર,બાલાજી સોસાયટી-નાના કુંભનાથ રોડ,ડબગર વાસ- સલુણ બજાર,ડૉકટર ક્વાટર્સ - ડીડીયુ કેમ્પસ,જય મહારાજ સોસાયટી-૨,જૂનો મોદીવાડો - અમદાવાદી બજાર, સાંઇઘામ સોસાયટી- વાણીયાવાડ વિસ્તાર, સરકારી વસાહત-મિશન રોડ,નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામનું ઘનજીભાઇ ડેલુ,પીપલગ ગામના સટાક ચકલા, મહુધા તાલુકાના ખુંટજ ગામના વ્હોરવાડ,વસો તાલુકાના પીજ ગામના બઢેલો પીપળો વિસ્તાર,કપડવંજ શહેરની ગાયત્રી સોસાયટી, કાછીયાવાડ-૨ વિસ્તાર,સોમનાથ સોસાયટી -નાની રત્નાકર માતા રોડ વિસ્તાર,ખેડા શહેરના લાંબી શેરી વિસ્તાર,મહેમદાવાદ તાલુકાના ગોઠાજ ગામના ફળીયુ વિસ્તારોને કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર કરાયા છે.આ વિસ્તારમાં તમામ પ્રકારની અવર-જવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.ઉપરાંત સ્થાનિક રહીશોને રાશન વિગેરે જેવી જીવન જરુરી આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડિલિવરીથી ઘરે પૂરી પાડવામાં આવશે તેવું જાહેરનામું બહાર પડાયું છે.