Get The App

તારાપુર તાલુકાના 10 ગામોને પરિયેજ તળાવનું પાણી ન પીવા તાકીદ

Updated: Jul 13th, 2024

GS TEAM

Google News
Google News
તારાપુર તાલુકાના 10 ગામોને પરિયેજ તળાવનું પાણી ન પીવા તાકીદ 1 - image

- તળાવ ઉંડુ કરવાનું કામ ચાલે છે, ચોમાસામાં ડહોળાશવાળુ પાણી આવે છે

- પીવામાં વાપરવું નહિં, પાણી ઉકાળીને જ વપરાશ કરવા ઇજનેર શાખા દ્વારા જાહેર અપીલ કરાઇ

તારાપુર : વાંકતળાવ જુથ યોજના અંતર્ગત તારાપુર તાલુકાના ૧૦ ગામોના લોકોને પરિયેજ તળાવનું પાણી હાલ ન પીવા તાકિદ કરાઇ છે. તળાવને ઉંડું કરવાની કામગીરી ચાલી રહી છે, ચોમાસામાં ડહોળાશવાળુ પાણી આવતું હોવાથી તળાવના પાણીનો પીવામાં ઉપયોગ ન કરવા અપીલ કરાઇ છે.  વપરાશમાં પણ ઉકાળીને જ પાણીનો ઉપયોગ કરવા તેમજ તળાવમાંથી સાધું પાણી ન વાપરવા જાહેર અપીલ ઇજનેર ખાતા દ્વારા અપીલ કરવામાં આવી છે.

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ તારાપુર પેટા વિભાગ હસ્તકની પરિયેજ તળાવ હસ્તકની વાંકતળાવ જુથ પાણી પુરવઠા યોજનાના તારાપુર તાલુકાના ૧૦ ગામ જેવાં કે (રીંઝા, નભોઇ, ખડા, મોટા કલોદરા, જાફરગંજ, કાનાવાડા, રસાલપુરા દુગારી, પચેગામ, ચાંગડા, વાંકતળાવ) સમાવેશ થયેલ છે, જેને પરિયેજ તળાવમાંથી મેળવી ચાગડા હેડવર્ક્સ ખાતે ફીલ્ટર કરીને આપવામાં આવે છે. 

પરંતુ તાજેતરમાં સિંચાઇ વિભાગ ધ્વારા પરિયેજ તળાવને ઉંડુ કરવાની કામગીરી પુર્ણ કરી પરિયેજ તળાવમાં નવું પાણી ચાલુ કરવાથી તેમજ ચોમાસાની તુના કારણોસર પાણી ડહોળાશવાળુ આવતું હોય જાહેર જનતાના આરોગ્યને ધ્યાનમાં રાખીને વાંકતળાવ જુથ યોજના અંતર્ગત તારાપુર તાલુકાના લાભાર્થી ગામ,પરાં વિસ્તારની જનતાને આ પાણીનો ઉપયોગ પીવા માટે કરવો નહિ અને વપરાશ માટે પણ પાણી ઉકાળીને વાપરવું, તેમજ રો- વોટર (તળાવના સીધા પાણીની) બીલકુલ ઉપયોગ કરવો નહી. જેને લાગતા વળગતાં જાહેર જનતાએ નોંધ લેવા નાયબ કાર્યપાલક ઈજનેર,જાહેર આરોગ્ય  સુખાકારી પેટા વિભાગ, ગુ.પા.પુ અને ગ.વ્ય.બોર્ડ, તારાપુર દ્વારા એક અખબારી યાદી થકી જનતાને અપીલ કરી છે.