- જૂની ડ્રેનેજ લાઈનના લીધે સમસ્યા કાયમી બની
- વોર્ડ નં.-6 ની 10 સોસાયટીઓના રહીશોને પ્રાથમિક સુવિધા આપવામાં નગરપાલિકા તંત્રના ઠાગાઠૈયા
હાલમાં સોસાયટીના મુખ્ય રસ્તા પર છેલ્લા ૧૦ દિવસ ઉપરાંતથી ગટર ઉભરાય છે. વરસાદના પાણીની જેમ ગંદુ પાણી રસ્તા પર વહે છે. જેથી સોસાયટીના રહીશો ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. ડ્રેનેજ લાઈન વરસો જૂની હોવાના પરિણામે ગટર ઉભરાવાની સમસ્યા કાયમી બની છે. નડિયાદ પાલિકાના વોર્ડ નં.-૬માં ઉબડખાબડ રસ્તાના લીધે રિક્ષા, એમ્બ્યૂલન્સ જેવા વાહનો સોસાયટીમાં જઈ શકતા નથી. વોર્ડ નં.-૬ની ગ્રાન્ટમાંથી કામો કરવામાં પાલિકા તંત્ર અન્યાય કરી રહી હોવાનો સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો છે.
આ બાબતે અવાર નવાર રજૂઆતો કરવા છતાં ગટર, સ્ટ્રીટ લાઈટ તેમજ પાકા રસ્તાની સુવિધા પૂરી પાડવામાં પાલિકા તંત્ર ઓરમાયુ વર્તન કરી રહી છે. વિસ્તારમાં ગંદકીના સામ્રાજ્યના કારણે ઘેર ઘેર માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. ત્યારે ગંદકીના કારણે રોગચાળો વધુ ફેલાય એ પહેલા ઉભરાતી ગટરની સાફ-સફાઈ કરવા માંગણી ઉઠી છે.


