Get The App

જૂનાગઢ જિલ્લામાં અવિરત વરસાદથી હવે મેઘમહેર બનવા લાગી મેઘકહેર

- હવે મેઘરાજાને ખમૈયા કરવાની પ્રાર્થના કરવી પડે એવી સ્થિતિ

Updated: Sep 11th, 2019

GS TEAM

Google News
Google News
જૂનાગઢ જિલ્લામાં અવિરત વરસાદથી હવે મેઘમહેર બનવા લાગી મેઘકહેર 1 - image


- સાર્વત્રિક દોઢથી પાંચ ઈંચ જેટલો ફરી વરસાદ વરસી પડતા જળબંબાકારઃ માંગરોળમાં મકાનોમાં પાણી ઘુસ્યા: માંગરોળ-કેશોદ હાઈવે બંધ

જૂનાગઢ, તા. 11 સપ્ટેમ્બર 2019, બુધવાર

જૂનાગઢ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદથી હવે મેઘમહેરના બદલે મેઘકહેર જેવી હાલત થઈ છે. ગત રાત્રીના પણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો હતો. માંગરોળમાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. બે કલાકમાં અઢી ઈંચ પાણી વરસ્યું હતું. ત્યાર બાદ પણ અવિરત વરસાદ પડયો હતો અને બપોર સુધીમાં વધુ અઢી ઈંચ મળી કુલ પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. જેના લીધે રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા અને ગાયત્રીનગર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પાણી ભરાયા હતા.

માંગરોળને પાણી પુરૂ પાડતો લંબોરા ડેમ છલકાઈ ગયો હતો. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ પાંચ-છ ઈંચ વરસાદ પડતા નદીઓમાં પૂર આવ્યું હતું અને માંગરોળ-કેશોદ હાઈવે પર વલ્લભગઢના પાટીયા પાસે ભારે પાણી ભરાતા હાઈવે પર વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો. બાદમાં વરસાદ બંધ થતા પાણી ઓસરતા વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો. માંગરોળ ન.પા. દ્વારા પ્રિમોન્સુન અંગેની કોઈ કામગીરી ન થતા ઠેર ઠેર પાણી ભરાયા હતા અને લોટ, પાણી ને લાકડા જેવા કામના કારણે શહેરના તમામ મુખ્ય રસ્તા તૂટી ગયા હતા.

જ્યારે વિસાવદરમાં ગઈકાલે ધોધમાર સાત ઈંચ વરસાદ બાદ રાત્રીના દોઢ ઈંચ તેમજ આજે અઢી ઈંચ મળી કુલ ચાર ીંચ વરસાદ થયો હતો અને ઓઝત, આંબાજળ, પોપટડી, કાબરો સહિતની નદીઓમાં પૂર આવ્યું હતું અને ખેતરોમાં ભરાયેલા પાણીથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી.

માણાવદરમાં આજે વહેલી સવારે છ વાગ્યાથી બપોર સુધીમાં ધોધમાર ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ચારથી પાંચ ઈંચ વરસાદ પડયો હતો અને રસાલા ડેમ ફરી છલકાઈ ગયો હતો. તો બાંટવાખારા ડેમના દરવાજા ખોલાયા હતા અને સમેગા, ભલગામ, એકલેરા થાપલા સહિતના ગામોને સાવચેત કરાયા હતા.

વંથલીમાં ગત રાત્રી દરમ્યાન દોઢ ઈંચ વરસાદ પડયો હતો અને આજે દિવસના અઢી ઈંચ મળી કુલ ચાર ઈંચ પાણી વરસ્યુ હતું. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઓઝત નદીમાં પૂર આવ્યું હતું. વંથલી તાલુકાના શાપુરમાં કાળવા નદીનું પાણી ચૈતન્યધામ હનુમાન મંદિરમાં ઘુસી ગયું હતું. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ત્રણથી ચાર ઈંચ વરસાદ પડયો હતો. જ્યારે ઓઝત-ઉબેણ નદીના પૂરના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં બેટ જેવી સ્થિતી થઈ હતી.

જૂનાગઢમાં ગત રાત્રીના ધીમી ધારે અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. આજે સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો અને ૬ણ ઈંચ વરસાદ વરસ્યો હતો. ગિરનાર દાતાર ક્ષેત્રમાં ચારથી પાંચ ઈંચ પાણી વરસી જતા સોનરખ- કાળવા નદીમાં પૂર આવ્યું હતું અને મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાયા હતા.

આ ઉપરાંત કેશોદ તથા ભેંસાણમાં અઢી અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે માંગરોળમાં દોઢ ઈંચ વરસાદ પડયો હતો. આમ જિલ્લામાં સાર્વત્રિક દોઢથી માંડી પાંચ ઈંચ વરસાદથી ચારે તરફ પાણી પાણી થઈ ગયું હતું.

Tags :