Get The App

દુષ્કર્મની ઘટનાથી વિસાવદર આગબબૂલાઃ રોષભેર રેલી

Updated: Dec 14th, 2022

GS TEAM


Google News
Google News
દુષ્કર્મની ઘટનાથી વિસાવદર આગબબૂલાઃ રોષભેર રેલી 1 - image


બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ડીવાયએસપી વિસાવદર દોડી ગયા દુષ્કર્મની ઘટનાનાં સમાચાર વાયુવેગે પ્રસરી જતાં હોસ્પિટલે લોકોનાં : ટોળાં ઉમટી પડયાં, આરોપીઓ સામે દાખલારૂપ કામગીરી કરવા ઉગ્ર માંગ

જૂનાગઢ, : વિસાવદર પંથકની તરૂણી પર દુષ્કર્મની ઘટનાનાં સમાચાર વાયુવેગે સમગ્ર પંથકમાં પ્રસરી જતા ગત રાત્રે સરકારી હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકોનાં ટોળા એકઠા થઈ ગયા હતા અને વિધર્મી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી. ત્યારબાદ આજે સવારે વિસાવદર શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ, સાધુ-સંતો સહિતનાં વિવિધ સંગઠનોએ રેલી કાઢી પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી સહિતનાં અધિકારીઓને આરોપીઓ સામે દાખલારૂપ કાર્યવાહી કરવા માંગ ઉઠાવી છે.

રામપરાની ઘટના બાદ શહેરનાં આગેવાનો, વેપારીઓ, વિવિધ સંગઠનનાં હોદ્દેદારો હોસ્પિટલે દોડી ગયા હતા. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે પણ તાબડતોબ આરોપીઓને રાઉન્ડ અપકરી લીધા બાદ ધરપકડ કરી લીધી છે. ડીવાયએસપી સહિતનાં પોલીસનાં અધિકારીઓ વિસાવદર હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને આજે પણ રેલી સહિતનાં કાર્યક્રમોને લઈ ફરીવાર વિસાવદર પહોંચી આગેવાનો સાથે સમગ્ર બનાવ અંગે ચર્ચાઓ કરી કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

વિશ્વ હિન્દુ પરિષદનાં જીલ્લા પ્રમુખ હરેશભાઈ સાવલિયા, નગરપાલિકાનાં પુર્વ પ્રમુખ રાજ રીબડીયા, કિસાન મોરચાનાં પ્રમુખ રામભાઈ સોજીત્રા સહિતનાં રાજકીય અને સામાજિક આગેવાનોએ સરદાર પટેલ ચોકથી પોલીસ સ્ટેશન સુધી રેલી સ્વરૂપે પહોંચી પોલીસ અધિકારીઓ પાસે માંગ કરી હતી કે, વિસાવદર શહેરમાં લુખ્ખાઓ અવાર-નવાર છોકરીઓને હેરાન-પરેશાન કરતા હોવાથી દરરોજ પોલીસ સતત મુખ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ રાખે તે જરૂરી છે. સ્થાનિક આગેવાનોએ પોલીસને જણાવેલ કે, આ બનાવને બે-ચાર દિવસ પુરતો જ નહી પરંતુ દરરોજ પોલીસ શાળા, કોલેજ, બસ સ્ટેન્ડ સહિતનાં વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ રાખે આ મામલે ડીવાયએસપીએ ખાત્રી આપી હતી કે, પોલીસ લુખ્ખા તત્વોને ઝેર કરશે.

ગર્લ્સ સ્કૂલ, બસ સ્ટેન્ડમાં પોલીસ બંદોબસ્ત રાખવા માંગ

વિસાવદરનાં આગેવાનોએ રેલી કાઢી પોલીસ અધિકારીઓ સમક્ષ માંગ કરી છે કે, સત્તાધાર રોડ પર આવેલ ગર્લ્સ હાઈસ્કૂલ છુટવાનાં સમયે અમુક આવારા અને લુખ્ખા તત્વો અભ્યાસ અર્થે આવતી બાળાઓની પજવણી કરતા હોવાની અનેક ઘટનાઓ બને છે. આબરૂ જવાની બીકે દીકરીઓનાં વાલીઓ ફરિયાદ કરતા ડરતા હોય છે, જેથી સ્કૂલ છુટવા સમયે સ્કૂલની આસપાસ તથા બસ સ્ટેન્ડમાં પોલીસનો બંદોબસ્ત રાખી પેટ્રોલિંગ કરાવવામાં આવે તે જરૂરી છે. આ મામલે ડીવાયએસપીએ તમામ મુદ્દે પોલીસ કડક કાર્યવાહી કરશે તેમ જણાવ્યું હતું.

Tags :