Updated: Jan 16th, 2023
- ગેસની પાઈપલાઈનનાં કામ દરમ્યાન પર્યાવરણ સાથે ખિલવાડ
- ડ્રીલિંગ મશીન ચલાવવા બહારથી પાણીની વ્યવસ્થા કરવાને બદલે લોલ નદીનું પાણી વાપર્યું, એ જ પાણી દૂષિત થયા બાદ ત્યાં જ છોડયું
- કંપનીનો મામૂલી ખર્ચ બચાવવાની લ્હાયમાં સરગવાડા, સાબલપુર અને ગલીયાવડ ગામે ખેતરોના કુવા-બોરમાં ભળતું દૂષિત પાણી
- પ્રારંભે વિરોધની અવગણના, બાદમાં ખેડૂતોનો રોષ જોઈને ગેસ કંપનીએ પોતાની ભૂલ સ્વીકારી, ગેરકાયદે કામ બંધ કરવા બાંયધરી આપવી પડી
જૂનાગઢ: જૂનાગઢમાં ટોરેન્ટ ગેસ કંપની દ્વારા ઘરે-ઘરે ગેસની લાઈન પહોંચાડવાનું કામ ચાલી રહ્યું છે. પાઈપલાઈનનાં કામ દરમ્યાન જૂનાગઢનાં બાયપાસ પર લોલ નદીમાં પાઈપ પસાર કરવા માટે ટોેરેન્ટ ગેસ કંપની દ્વારા મંજુરી વગર ડ્રીલીંગ માટે છેલ્લા ઘણા સમયથી નદીનાં પાણીનો ગેરકાયદે ઉપયોગ કરવામાં આવે છે અને ઉપયોગ બાદ નીકળતું દૂષિત પાણી ફરી નદીમાં જ છોડવામાં આવી રહ્યું છે, જેનાં કારણે નદીનું પાણી દૂષિત થયું છે. વીસે'ક દિવસથી આવું ચાલતું હોવાને કારણે નદીનાં લાગુ પડતા કુવા અને બોરમાં પણ દૂષિત પાણી આવી ગયા મામલે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. ગેસ કંપનીએ પોતાની ભૂલ કબુલ કરી તુરંત જ નદીમાં દૂષિત પાણી છોડવામાં નહી આવે તેવી બાંયધરી આપવી પડી હતી.
જૂનાગઢ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ટોરેન્ટ કંપનીનું ગેસની લાઈન ફીટીંગનું કામ ચાલી રહ્યું છે. જૂનાગઢ શહેરનાં બાયપાસની સાઈડમાં ગેસની લાઈન પસાર કરવામાં આવી રહી છે. બાયપાસ પર આવેલ લોલ નદીમાં ગેસની પાઈપલાઈન પસાર કરવાનું કામ ચાલી રહ્યું છે. પાઈપલાઈન નાખવા માટે ડ્રીલીંગ મશીનમાં પાણીની ખૂબ જ જરૂરીયાત રહે છે. આ પાણીની ટોરેન્ટ કંપનીએ પોતાની રીતે વ્યવસ્થા કરવાની રહે છે તેવી ટેન્ડરમાં જોગવાઈ છે. પરંતુ કંપનીને ખર્ચ ન થાય અને મોટો આર્થિક ફાયદો થાય તે માટે ખુલ્લેઆમ લોલ નદીમાંથી પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. છેલ્લા ર૦ દિવસથી નદીમાં પાણીનો ઉપયોગ ટોેરેન્ટ કંપની દ્વારા ગેરકાયદે કરવામાં આવતો હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે.
લોલ નદીમાં ડ્રીલીંગ કામ માટે પાણીનો ઉપયોગ થાય અને તે જ પાણી દુષીત થઈ ફરી નદીમાં જ ઠલવવામાં આવી રહ્યું છે. જેનાં કારણે નદીનું પાણી દુષીત થઈ ગયું છે. નદીમાં પાણીનો પ્રવાહ શરૂ ન હોવાનાં કારણે જેટલું પાણી છે તે તમામ પાણી દુષીત થઈ જવાથી આસપાસનાં સરગવાડા, સાબલપુર, ગલીયાવડનાં ખેડૂતોનાં ખેતરોમાં આવેલા કુવા અને બોરમાં દુષીત પાણી ભળી ગયું છે. આ મુદ્દે ખેડૂતો દ્વારા કંપનીનાં સંચાલકોને જાણ કરવામાં આવી છતાં પણ કામગીરી ચાલુ જ રાખી હતી. બાદમાં આજે ખેડૂત આગેવાન મનીષભાઈ નંદાણીયાની આગેવાનીમાં ખેડૂતોએ એકઠા થઈ લોલ નદીમાં ચાલતા ટોરેન્ટ ગેસ કંપનીનાં સ્થળ પર જઈ વિરોધ નોંધાવ્યો હતો.
ખેડૂતોનો વિરોધ જોઈ ટોરેન્ટ કંપનીનાં પ્રોજેકટ મેનેજર સુરેન્દ્ર પટેલે કબુલ્યું હતું કે, 'અમારી પાસે નદીમાંથી પાણી લેવાની મંજુરી નથી. અમે આજ સુધી લોલ નદીનું પાણી ડ્રીલીંગ માટે વાપરી રહ્યા હતા.' હવે આજથી જ લોલ નદીમાંથી પાણી વાપરવાનું અને દુષીત પાણી નદીમાં છોડવાનું બંધ કરી દેવાશે તેવી તેમણે ખાત્રી આપવી પડી હતી. બાદમાં સમગ્ર મામલો થાળે પડયો હતો. આ અંગે ખેડૂત આગેવાન મનીષ નંદાણીયાએ જણાવ્યું હતું કે, કંપની દ્વારા નદીમાંથી પાણી ગેરકાયદે લેવા અને દુષીત પાણી ઠલવવા મુદ્દે ખેડૂતો રજુઆત કરે તો કંપનીનાં સંચાલકો અને કોન્ટ્રાકટર દાદાગીરી કરી રહ્યા હતા પરંતુ આજે ખેડૂતોનો રોષ જોઈ કંપનીએ પોતાની ભુલ કબુલ કરી અને હવે ગેરકાયદેપાણી લેવાનું અને દુષીત પાણી ઠલવવાનું બંધ કરવાની બાંયધરી આપવી પડી છે.