ટોલનાકાના કર્મીઓની લુખ્ખાગીરી, મહિલાને ગાળો ભાંડી કર્યો હુમલો
- કેશોદ-વંથલી રોડ પર ગાદોઈ નજીક આવેલા
- ફાટીને ધુમાડે ગયેલા ટોલ કર્મીઓએ કાર પર પાઈપ માર્યા, બંને ટોલ કર્મી વિરૂદ્ધ મહિલાએ કરી ફરિયાદ
જૂનાગઢ, તા.17 જાન્યુઆરી 2020, શુક્રવાર
કેશોદ-વંથલી રોડ પર ગાદોઈ નજીક આવેલા ટોલનાકા પર વાહન લાઈનમાં જવા દેવા બાબતે બે ટોલ કર્મીઓએ મહિલાને ગાળો ભાંડી પથ્થર માર્યા હતા અને બેફામ ગાળો આપી હતી. જ્યારે કાર પર પાઈપ મારી તેના પતિને ગાળો આપી ધમકી આપી હતી. લુખ્ખાગીરી કરનાર ટોલનાકાના બંને કર્મીઓ સામે મહિલાએ ફરિયાદ કરતા વંથલી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ વંથલી નજીકના દિલાવરનગરમાં રહેતા સલીમભાઈ ભટ્ટી તથા તેના પત્ની કાજલબેન આજે પોતાની કારમાં ગડુ જતા હતા. તેઓ ગાદોઈ ટોલનાકા ખાતે પહોંચ્યા ત્યારે તેઓએ કાર સાઈડમાં લીધી હતી. ત્યાંથી અન્ય વાહન પસાર થતા હતા. આથી સલીમભાઈએ ત્યાંથી કાર પસાર કરતા ટોલનાકાના કર્મીઓએ કાર રોકી હતી. આથી કાજલબેને અન્ય વાહન પસાર થાય છે તો અમને પસાર થવા દયો તેમ કહેતા મનિષ હુંબલ અને જીગર ધ્રાંગાએ મહિલાને ગાળો આપી હતી. બાદમાં તેની સાથે ઝપાઝપી કરી પથ્થર માર્યા હતા અને કારમાં પાઈપ માર્યા હતા તેમજ બેફામ ગાળો ભાંડી હતી. ટોલનાકાના કર્મીઓની લુખ્ખાગીરીથી રોષ ફેલાયો હતો.
આ અંગે કાજલબેને ટોલનાકાના કર્મચારી મનિષ હુંબલ અને જીગર ધ્રાંગા સામે ફરિયાદ કરતા વંથલી પોલીસે ગુનો નોંધી વધી કાર્યવાહી હાથ ધરી છે. ટોલનાકા ખાતે તેના કર્મચારીઓ વાહન ચાલકો સામે સામાન્ય બાબતે ગુંડાગીરી પર ઉતરી આવે છે. આથી આવી લુખ્ખાગીરી રોકવામાં આવે એવી માંગ ઉઠી છે.
કોંગ્રેસે વિડીયો સીડી સાથે એસ.પી.ને આપ્યુ આવેદનપત્ર
ગાદોઈ-ટોલનાકા પર અવાર-નવાર ટોલ કર્મીઓ વાહન ચાલકો સાથે ગુંડાગીરી કરે છે. આજે તો મહિલા પર પણ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો વાઈરલ થયો હતો. આ વિડીયોની સીડી સાથે કોંગ્રેસે એસ.પી.ને આવેદનપત્ર આપ્યું હતું અને છાશવારે સામાન્ય બાબતમાં નિર્દોષ વાહનચાલકો પર પાઈપ ધોકાથી તૂટી પડતા ટોલનાકાના કર્મીઓ સામે કડક પગલા લેવામાં આવે અને લુખ્ખાગીરી બંધ કરાવવા કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરી છે. વાહન ચાલક બોલાચાલી કરે તો પોલીસ બોલાવી શકાય છે. ટોલ કર્મીઓને કાયદો હાથમાં લેવાની સતા કોણે આપી છે તેવો પણ સવાલ કર્યો છે.