Get The App

આજે જૂનાગઢનો મુક્તિ દિનઃ : જૂનાગઢનાં વિવિધ વિસ્તારોના નામનો પણ અનોખો ઈતિહાસ

- હાલ 86 વર્ષની વયના વડીલ 11 વર્ષની વયે સરદાર પટેલની સભાના સાક્ષી બન્યા હતા

- 19મી ડિસેમ્બર એટલે દિવનો સ્વાતંત્ર્ય દિન

Updated: Nov 8th, 2022

GS TEAM

Google News
Google News
આજે જૂનાગઢનો મુક્તિ દિનઃ : જૂનાગઢનાં વિવિધ વિસ્તારોના નામનો પણ અનોખો ઈતિહાસ 1 - image

આજે જૂનાગઢનો મુક્તિ દિનઃ : જૂનાગઢનાં વિવિધ વિસ્તારોના નામનો પણ અનોખો ઈતિહાસ 2 - imageઆજે જૂનાગઢનો મુક્તિ દિનઃ : જૂનાગઢનાં વિવિધ વિસ્તારોના નામનો પણ અનોખો ઈતિહાસ 3 - image

- નવાબી સંસ્મરણો અકબંધ

- ચોકમાં ચિત્તા રખાતા તેથી નામ પડયું ચિત્તા ખાના ચોક

- ઝાલોરાપા વિસ્તારમાં ઝાલોરા જ્ઞાાતિના વાણિયાનો મોટો સમૂહ રહેતો તે પરથી ઝાલોરાપા નામ પડયું

જૂનાગઢ

આજે જૂનાગઢનો મુક્તિ દિનઃ : જૂનાગઢનાં વિવિધ વિસ્તારોના નામનો પણ અનોખો ઈતિહાસ 4 - imageદેશને આઝાદી૧૫ ઓગસ્ટ ૧૯૪૭ માં મળી પરંતુ જૂનાગઢમાં ખરા અર્થમાં ૯ નવેમ્બર ના રોજ આઝાદી મળી હતી. જોકે જૂનાગઢને ખરા અર્થમાં આઝાદી મળ્યા બાદ હજુ પણ હયાત જુની બિલ્ડીંગો અને રસ્તાઓ રૂપે નવાબી સંસ્મરણોની યાદો અકબંધ છે.અને વિવિધ વિસ્તારો અને ઇમારતોના નામનો પણ ઇતિહાસ છે. 

નવાબી સમયની વિવિધ જાજરમાન  રૂપ બિલ્ડીંગો આજે પણ હયાત તો છે પરંતુ જાળવણીના અભાવે  અનેક જગ્યાઓ ખંઢેર બની ગઈ છે. જોકે આઝાદી બાદ નવાબી કાળની વિવિધ ઇમારતો અને રસ્તાઓને નામકરણ કરવામાં આવ્યું હતું. નવાબી સમયના સ્ટેમ્પ પેપર ટપાલ ટિકિટોમાં સોરઠ શબ્દને બદલે સૌરાષ્ટ્ર શબ્દ વપરાયેલો છે. આઝાદી બાદ સૌરાષ્ટ્ર નામ સમગ્ર કાઠીયાવાડ માટે પ્રચલિત થયું આ  જૂનાગઢ એ પ્રાચીનકાળથી એક આધિપત્ય શહેર તરીકે પોતાનું સ્થાન ભોગવ્યું છે. 

જૂનાગઢ શહેરના વિવિધ પ્રાચીન નામોનો શિલાલેખમાં પણ ઉલ્લેખ છે.અને હવે વર્તમાન નામ જૂનાગઢ તરીકે પ્રખ્યાત છે.આઝાદી બાદ જૂનાગઢની વિવિધ સરકારી ઇમારતો અને માર્ગો ના નામોનું પણ નામકરણ કરાયું.જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારોના નામો કેવી રીતે પડયા તે પણ એક અનેરો ઇતિહાસ છે. જેમાં 'કાળવા ચોક' ના નામ કાલપવન પર્વત એટલે કે દાતાર પર્વત તેમાંથી નીકળતી નદી કાલિન્દી તેમાંથી અપ્રભંશ થઈ કાળવા થયુ. જગમાલ ચોક નામ જગમાલ ગોરધન નામના પોરવાડ વાણિયાના નામ પરથી પડયું છે. માંડવી ચોકમાં મોગલકાળ દરમિયાન જકાત લેવામાં આવતી તે ઉપરથી માંડવી ચોક નામ પડયું. 

ઝાલોરાપા  વિસ્તારમાં મોગલકાળ દરમિયાન ઝાલોરા જ્ઞાાતિના વાણીયાઓનો મોટો સમૂહ રહેતો તે ઉપરથી ઝાલોરાપા નામ પડયું, ચોકસી બજાર નવી બજાર તરીકે નવાબી સમયમાં ઓળખાતી. નવાબ મહાબત  ખાનજી બીજાના રાજ્યકાળ દરમિયાન સર્કલ આકારના મકાનો બનાવતા સર્કલ ચોક નામ પડયું.દિવાન ચોકમાં હાલના શિશુ મંગલ વાળા મકાનમાં દિવાન હરિદાસ વિહારીદાસ રહેતા તે ઉપરથી દિવાન ચોક નામ પડયું .દિવાન ચોક વિસ્તાર નગરખાના તરીકે પણ ઓળખાતો.

 કાળવા ચોકથી ચિતા ખાના સુધીનો માર્ગ નવાબી સમયમાં કિંગ્ઝ રોડ તરીકે ઓળખાતો તે માર્ગનું ૧૨ ફેબુ્રઆરી૧૯૪૮ ના દિવસે ગોસ્વામી પુરુષોત્તમ લાલજી મહારાજ તેમજ એડમિનિસ્ટ્રેટર ની હાજરીમાં મહાત્મા ગાંધી રોડ નામાભિધાન કરાયું અને લાયબ્રેરી ચોક નું નામ આઝાદ ચોક પડાયું. આઝાદી બાદ પંચહાટડી ચોક થી આઝાદ ચોક સુધીના માર્ગને પંડિત ભગવાનલાલ ઇન્દ્રજી નામ અપાયું આ ઉપરાંત  જવાહર રોડ ઉપર આવેલ ટેલીફોન એક્સચેન્જ નો વિસ્તાર ગેંડાની અગડ હતી. ચિતા ખાનામાં ચિતાઓ રાખવામાં આવતા જ્યારે સિંહ દીપડા અને બીજા પ્રાણીઓ સરદાર બાગમાં રખાતા. આઝાદી બાદ વિવિધ સરકારી ઇમારતો પુલો અને જળાશયોના નામમાં ફેરફાર કરાયો હતો.જેમાં મહાબત મદ્રેસા- નરસિંહ વિદ્યામંદિર બહાદુર ખાનજી હાઇસ્કુલ- વિવેકાનંદ વિનય મંદિર, એંગલો વનાક્યુરલ સ્કૂલ- ગવર્મેન્ટ ગર્લ્સ સ્કૂુલ, લાડલી બીબી કન્યાશાળા- તાલુકા શાળા, બહાદુર ખાનજી લાયબ્રેરી- સરકારી પુસ્તકાલય,  રસુલખાનજી મ્યુઝિયમ-  જુનાગઢ મ્યુઝિયમ,  રે ગેઈટ- સરદાર વલ્લભભાઈ પટેલ ગેઈટ, ફરગ્યુસન પૂલ- સરદારપુલ, બહાઉદીનજળાશય-  ઉપરકોટ તળાવ,  સરદાર તળાવ- નરસિંહ સરોવર  સરકારી બંગલાઓના નામોમાં ફેરફાર કરાયા છે .જેમાં અગાઉ ના નવાબી સમયના ગણાતા એવા મુખ્ય દિવાન બંગલો-  દિલખુશ, સીટી રાજ મહેલ- રંગ મહેલ, ડાક બંગલો- પ્રવાસી ગૃહ,  રસેલ બંગલો- પંકજ, ટ્રાવેલર્સ રેસ્ટ હાઉસ- વિશ્રાંતિ ગૃહ, કેટલ ફાર્મ બંગલો- કૃષિ વિહાર, સહિતના નામોથી ઓળખાતા. 

જૂનાગઢની આઝાદી માટે 

સફળ સુકાનીઓએ આરઝી હકુમતની ફોજને વ્યવસાયિક ફોજ જેવું સ્વરૂપ આપ્યું હતું

લશ્કરી વ્યૂહરચના, પ્રચાર તંત્ર સહિતની અનેક બાબત વ્યવસાયિક ફોજની બરાબરી કરે તેવું હતું

આજે જૂનાગઢનો મુક્તિ દિનઃ : જૂનાગઢનાં વિવિધ વિસ્તારોના નામનો પણ અનોખો ઈતિહાસ 5 - imageજૂનાગઢની આઝાદી માટેની આરઝી હકુમતની સેના તૈયાર કરવામાં આવી હતી. સેનાના સફળ નાયકોએ નાયકોએ  લશ્કરી વ્યૂહરચના અને પ્રચાર તંત્ર સહિતની બાબત વ્યવસાયિક ફોજની બરાબર હતી. અને આખરે જૂનાગઢને ૯ નવેમ્બરના આઝાદી મળી હતી.

૧૫ ઓગસ્ટના જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાવાનો નિર્ણય કર્યો હતો. અને જૂનાગઢ રાજ્યમાં અફડાતફડી મચી ગઇ હતી.નવાબના આ નિર્ણયના વિરોધમાં સરદાર પટેલ છુપા આશિર્વાદથી તા.૨૫ સપ્ટે.ના  મુંબઈના આરઝી હકુમતની રચના કરવામાં આવી હતી. અને ક.મા.મુન્શીએ જૂનાગઢની પ્રજાનું જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું હતું.અને આરઝી હકુમતની સ્થાપનાની જાહેરાત કરી હતી. 

સંપૂર્ણ બંધારણીય સ્વરૂપ આપવાના હેતુથી તેમાં માત્ર જૂનાગઢના લોકોને જ લેવામાં આવ્યા હતા. ગાંધીજીના ભત્રીજા શામળદાસ ગાંધી તેના પ્રમુખ થયા હતા. આરઝી હકુમતે જરૂર પડયે લશ્કરી સંગઠન સેનાની રચના કરી હતી. સેનાના સરસેનાપતિ પદે રતુભાઈ અદાણી હતા. જેમના સફળ સુકાનીપદે તેમજ સેનાપતિ તરીકે તેઓએ ગામડાના લડાયક લોકોની ભરતી કરી હતી. રતુભાઈએ નવાબના કાયમી લશ્કરનો સામનો કરવા વ્યૂહરચના અને પ્રચાર તંત્ર,વ્યાવસાયિક ફોજને ટક્કર મારે એવું હતું. અનેક જગ્યાએ અથડામણ પણ થઈ હતી. અને તેમાં આરઝી હકુમતની સેનાએ સફળતા મેળવી હતી. અને આખરે ૯ નવેમ્બરના જૂનાગઢને આઝાદી મળી હતી.

બહાઉદીન કોલેજનું ટ્રસ્ટનું ડીડ હોવાથી નામ ન બદલાયું

નવાબી સમયના વિવિધ બિલ્ડિંગો અને રસ્તાઓ આજે હયાત છે. પરંતુ નામ બદલવામાં આવ્યા છે. પણ  પ્રખ્યાત બહાઉદીન કોલેજનું વઝીર બહાઉદીન ભાઈએ ટ્રસ્ટ ડીડ બનાવ્યું હોવાથી બહાઉદીન કોલેજ નું નામ બદલાયું નથી.

જૂનાગઢની આઝાદીનો પણ અમૃત મહોત્સવ પણ સરકાર અને તંત્ર દ્વારા ઉપેક્ષા

શિલાન્યાસ થયાના ૨૫ વર્ષ બાદ પણ આરઝી હુકુમતનું સ્મારક ન બન્યું!

શિલારોપણ થયું હતું તે તકતીને વિજય સ્તંભ માની માત્ર મનપા દ્વારા જ કરવામાં આવતું પૂજન અન્ય વિભાગો નિષ્ક્રીય

આજે જૂનાગઢનો મુક્તિ દિનઃ : જૂનાગઢનાં વિવિધ વિસ્તારોના નામનો પણ અનોખો ઈતિહાસ 6 - imageજૂનાગઢને આઝાદી અપાવવામાં આરઝી હુકુમત અને સરદારનો સિંહફાળો છે.૯ નવે.૧૯૯૭ના જૂનાગઢની આઝાદીની સુવર્ણ જયંતી નિમિત્તે તત્કાલીન મુખ્યમંત્રીના હસ્તે બહાઉદ્દીન કોલેજમાં આરઝી હુકુમતના સ્મારકનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.પરંતુ તેને ૨૫ વર્ષ થઈ ગયા પરંતુ હજુ આરઝી હુકુમતનું સ્મારક બન્યું નથી.અને દરવર્ષે ૯ નવે.ના માત્ર મનપા દ્વારા આ શિલાન્યાસની તકતીને વિજય સ્તંભ સમજી પૂજન કરી નાખવામાં આવે છે.

સમગ્ર દેશમાં આઝાદીના ૭૫ વર્ષ નિમિતે  અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.સમગ્ર દેશ આઝાદ થયો ત્યારે જૂનાગઢ આઝાદ થયું ન હતું.જૂનાગઢને ૯ નવે.૧૯૪૭ના આઝાદી મળી હતી.આથી આ વર્ષ જૂનાગઢની આઝાદીનું અમૃત મહોત્સવનું વર્ષ છે.પરંતુ સરકાર અને તંત્ર દ્વારા જૂનાગઢ પ્રત્યે ઓરમાયું વર્તન કરવામાં આવે છે.૯ નવેમ્બર ૧૯૯૭ના તત્કાલીન મુખ્યમંત્રી દિલીપભાઈ પરીખે જૂનાગઢ આવી બહાઉદ્દીન કોલેજના ગ્રાઉન્ડમાં આરઝી હુકુમતના સુવર્ણ જયંતિ મહોત્સવ નિમિતે આરઝી હુકુમતના સેનાનીઓની યાદગીરીરૂપે સ્મારકનો શિલાન્યાસ કર્યો હતો.તે સમયે રાજ્ય સરકારના મંત્રી જશાભાઈ બારડ અને કલેક્ટર પંકજ જોશી પણ ઉપસ્થિત રહયા હતા. આ વાતને ૨૫ વર્ષ વીતી ગયા છે.છતાં હજુ આ સ્થળે આરઝી હુકુમતના સેનાનીઓની યાદમાં સ્મારક બન્યું નથી.તે સમયે શિલાન્યાસ થયો હતો.તે વખતે જે હાલત હતી.હાલ પણ તેવી જ સ્થિતી છે.

શિલાન્યાસ થયો તેની રજત જયંતિ આવી ગઇ પરંતુ તેમાં કોઈ ફરક પડયો નથી. દર વર્ષે મહાપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા ૧૯૯૭માં શિલાન્યાસ થયો હતો.તે તકતીને ફૂલ ચડાવી પૂજન કરી આરઝી હુકુમતના વિજય સ્તંભનું પૂજન કર્યાનો સંતોષ માની લેવામાં આવે છે.સમગ્ર જૂનાગઢ રાજય ૯ નવે.૧૯૪૭ના આઝાદ થયુ હતું.પરંતુ માત્ર મનપા દ્વારા જ ઉજવણી કરવામાં આવે છે.અન્ય વિભાગોને તો કઈ લાગતું વળગતું ન  હોય તેવી હાલત જોવા મળે છે. સરકાર અને નેતાઓ સરદાર પટેલના નામનો રાજકીય લાભ લેવા ઉપયોગ કરે છે.પરંતુ જૂનાગઢની આઝાદી નાતે સિંહફાળો આપનાર સરદાર પટેલ અને આરઝી હુકુમતના સેનાનીઓની યાદમાં શિલાન્યાસ થયેલું કામ પૂરૂ કરી શકતા નથી.

અનેક વખત વાતો થઈ પરંતુ ૯ નવે.બાદ બધું વિસરાઇ જાય છે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હતા.ત્યારે તેઓએ આરઝી હુકુમતનું સ્મારક બનાવવા વાત કરી હતી.સ્વ.જીતુભાઇ હિરપરા મેયર હતા ત્યારે વાતો થઈ હતી.પરંતુ કોઈ કામ આગળ વધ્યું નથી.તાજેતરમાં શશીકાંતભાઈ દવેએ વડાપ્રધાન જૂનાગઢ આવવાના હતા ત્યારે આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે સરદાર પટેલ અને આરઝી હુકુમતના સેનાનીઓના નામ કંડારવાની માંગ કરી તેનો શિલાન્યાસ કરવા રજુઆત કરી હતી.પી.એમ.ઓ.માંથી શશીકાંતભાઈનો સંપર્ક પણ કરવામાં આવ્યો હતો પણ ત્યારબાદ કઇ થયું નથી.

આઝાદી પછી ભારતમાં સૌ પ્રથમ મતદાનનું શ્રેય સોરઠના ફાળે

આઝાદી પછી કયા દેશમાં રહેવું તેની પસંદગી માટે જૂનાગઢ સ્ટેટમાં બેલેટથી થયું હતું મતદાન

જ્યારે ૨૩૪૩૭૮ મતદારોએ બેલેટપેપરથી મતદાન કરી નિર્ણય જાહેર કર્યો ત્યારે ૨૨૨૧૮૪ મતદારોએ ભારત સાથે રહેવાનું પસંદ કર્યું હતું

આજે ૯મી નવેમ્બર એટલે જૂનાગઢનો સ્વાતંત્ર્ય દિવસ છે સાથોસાથ આ વર્ષે વિધાનસભાની ચૂંટણીના નગારા વાગી રહ્યાં છે. ત્યારે એક યાદ તાજી કરી લઈએ કે  ભારત દેશ સ્વતંત્ર થયા પચી ૨૦ ફેબુ્રઆરી ૧૯૪૮નાં દિને ભારતમાં સૌ પ્રથમ ચૂંટણીનું મતદાન બેલેટ પેપરથી થયું હતું. અને આ મતદાનનું પ્રયોજન એ હતું કે જૂનાગઢ રાજયનાં લોકોએ કયો દેશ પસંદ કરવો? ભારત કે પછી પાકિસ્તાન? આ માટે જૂનાગઢ, બાંટવા, માણાવદર, માંગરોળમાં મત કેન્દ્રો ઊભા કરીને મતદાન થયું હતું જેમાં કુલ ૨,૩૪,૭૩૮ મતદારોએ બેલેટથી મત આપ્યા હતાં.

ભારત દેશ ભલે ૧૫ ઓગષ્ટ ૧૯૪૭ નાં રોજ સ્વતંત્ર થયો પરંતુ દેશનો તમામ હિસ્સો સ્વતંત્ર થયો ન હતો. જૂનાગઢનો સ્વાતંત્ર્ય દિન ૯ નવેમ્બર છે તો દિવનો સ્વાતંત્ર્ય દિન ૧૯ ડિસેમ્બર છે. આળી જ રીતે હૈદરાબાદનો સ્વાતંત્ર્ય દિન અલગ છે. અંગ્રેજ મુક્ત ભારત થયા પછી ૧૪ વર્ષ પછી પોર્ટુગલ ફિરંગી મુક્ત ભારત થયું હતું. આ દેશનાં તમમ હિસ્સાનો સ્વાતંત્ર્ય દિન ૧૫મી ઓગષ્ટ ગણાવી ન જ શકાય.

હવે ભારતના સૌ પ્રથમ બેલેટ પેપરથી મતદાનની મૂળ વાત પર આવીએ.. ૧૫મી ઓગષ્ટે દેશ સ્વતંત્ર થયો પછીનો તબક્કો દેશના જુદા જુદા રાજા રજવાડાઓ, રાજયોનું ભારત સાથે જોડાણ અને રજવાડાઓના વિલિનીકરણની પ્રક્રિયા ચાલુ થઈ હતી. જે તે વખતે જૂનાગઢના (રાજા) નવાબે પાકિસ્તાન સાથે જોડાણ કરવાની જાહેરાત કરી હતી. હવે સમસ્યા અહીં ખડી થઈ! જૂનાગઢ રાજય ભૌગોલિક કે રાજકતીય રીતે પાકિસ્તાન સાથે જોડાય તો તેના લશ્કરી થાણા જૂનાગઢ રહે, ભારતના લોકોએ સોમનાથના દર્શન કરવા હોય તો વિઝા પાસપોર્ટ કઢાવવા પડે (આ હાલત ૫૧ શક્તિપીઠ પૈકીના સિંધ પાકિસ્તાનમાં હિંગળાજ માતાજી ધર્મસ્થાનની છે.) આ ઉપરાંત પાકિસ્તાન રોજ છમકલાં કરે અને કાશ્મીર સમસ્યા જેવી જ સમસ્યા જૂનાગઢ, સોરઠ, ગિરસોમનાથની થાય!  આ સમસ્યાની જડ કાઢી નાંખવા શામળદાસ ગાંધીના નેતૃત્વ હેઠળ આરઝી હકૂમત અસ્તિત્વમાં આવી. જેમાં સંપૂર્ણ વિજય મેળવ્યો હતો. આરજી હકૂમતનું પ્રેસર એટલું બધું વધી ગયું હતું કે નવાબના દિવાન ભુટ્ટો, નાયબ દીવાન હાળવે જોન્સને ૭ નવેમ્બર ૧૯૪૭ ના રોજ આરઝી હકૂમતના વડાં શામળદાસ ગાંધી સાથે વાટાઘાટ કરવા અને બિનશરતી શરણાગતિ સ્વીકારવા ફરજ (દબાણ) પડી ગઈ હતી. ૮ નવેમ્બર ૧૯૪૭ ના રોજ દિવાને રાજયના મુસ્લિમ આગેવાનોની બેઠક બોલાવી જૂનાગઢનો વહિવટ ભારત સરકારને સોંપી દેવાનું નક્કી કરાયું હતુ. ૯ મી નવેમ્બરે સરકાર વતી પ્રાદેશિક કમિશનર નીલમ બૂચે સાંજે ૬ વાગ્યે જૂનાગઢનો કબજો સંભાળ્યો હતો. અહીં એક વાત અલગથી દોહરાવીએ કે આ પહેલા ૩ ઓકટોબર ૧૯૪૭ ના રોજ સરદારગઢ, બાંટવામાં, ૨૨ ઓકટોબરે માણાવદરમાં, ૧ નવેમ્બરે બાબરિયાવાડ (ઉના પંથક) અને માંગરોળમાં ભારત સરકારે પોતાનું મેનેજમેન્ટ સ્થાપ્યું હતું.

એ વખતના નેતાઓ અભણીયા, અલ્પશિક્ષિત કે અંગૂઠા છાપ ન હતાં. પાછળથી દેશને કોઈ આંતરરાષ્ટ્રીય સમસ્યા ખડી ન થાય ે માટે ૨૦ ફેબુ્રઆરી ૧૯૪૮ માં ભારત (જૂનાગઢ)ની પ્રજાએ ભારત સાતે રહેવું છે. કે પાકિસ્તા સાથે રહેવું છે? એ લોકમત જાણવા માટે બેલેટ પેપરથી મતદાન થયું હતું. આ માટે વર્તમાન ધારાસબા લોકસભાની ચૂંટણીની જેમ મતદાન બૂથ બનાવેલ હતાં.

જેમાં જૂનાગઢ રાજયના ૨,૦૦,૫૬૯ મતદારોમાંથી ૧,૯૦,૮૭૦ મતદારોએ ભારત સાથે જોડાવા અને ૯૧ મતદારોએ પાકિસ્તાનની તરફેણમાં મતદાન કર્યું હતું. જૂનાગઢ રાજયમાં ૧,૯૦,૮૭૦ લોકોનું મતદાન હતું એ સૌથી વધ મતક્ષેત્રનું હતું.

૧૯મી ડિસેમ્બર એટલે દિવનો સ્વાતંત્ર્ય દિન

ભારતનો સ્વાતંત્ર્ય દિન ૧૫ ઓગષ્ટ છે. પરંતુ જૂનાગઢનો સ્વાતંત્ર્ય દિન ૯ નવેમ્બર ૧૯૪૭, દિવનો સ્વાતંત્ર્ય દિન ૧૯મી ડીસેમ્બર છે, કાશ્મીરનો સ્વાતંત્ર્ય દિન ૨૬ ઓકટોબર ૧૯૪૭ છે.

વતનપ્રેમી મુસ્લિમોએ પણ ભારત સાથે રહેવાનું પસંદ કર્યું

બધા રાજયો મળી મુસ્લિમોના કુલ મતદારો ૨૬૦૯૨ હતા આમ છતાં વતનપ્રેમી મુસ્લિમોએ ભારત સાથે જ રહેવાનો ફેંસલો આપ્યો હતો જયારે જેના સગાવ્હાલા કરાંચી પાકિસ્તાન હતા તેવા ૧૩૦ મતદારોએ પાકિસ્તાન તરફે મતદાન કર્યું હતું. ૨૬૦૯૨ મુસ્લિમ મતદારોમાંથી પાક.ની તરફેણમાં ફક્ત ૯૧, માણાવદરમાં ૧૧, માંગરોળમાં ૦૮ બાંટવામાં ૧૦, બાબરિયાવાડમાંથી ૦૮, સરદારગઢમાંથી પાકિસ્તાન તરફે ફક્ત ૨ એમ મળી પાકિસ્તાનને બધા મળી કુલ ફક્ત ૧૩૦ મત જ મળ્યા હતાં જયારે ભારતને ૨,૨૨,૧૮૪ મત મળ્યા હતાં.

નવાબના પાકિસ્તાન સાથે જોડાવાના નિર્ણયથી ફેલાઈ હતી અંધાધૂંધી

હાલ 86 વર્ષની વયના વડીલ 11 વર્ષની વયે સરદાર પટેલની સભાના સાક્ષી બન્યા હતા

અજાબના વતની વડીલના પરિવારે ૬૦ વિઘા જમીન અને ઘરબાર મૂકી વીરપુર હિજરત કરી આશરો લેવો પડયો હતો

આજે જૂનાગઢનો મુક્તિ દિનઃ : જૂનાગઢનાં વિવિધ વિસ્તારોના નામનો પણ અનોખો ઈતિહાસ 7 - image૧૯૪૭માં ભારત આઝાદ થયા બાદ જૂનાગઢના નવાબના પાકિસ્તાન સાથે જોડાવાના નિર્ણયના કારણે સમગ્ર જૂનાગઢ રાજ્યમાં અંધાધૂંધી ફેલાઈ હતી.આ સમયે કેશોદ તાલુકાના અજાબમાં રહેતા પરિવારે પોતાની૬૦ વિઘા જમીન,મકાન મૂકીને વિરપુર હિજરત કરીને જવું પડયું હતું.હાલ ૮૬ વર્ષની વયે પહોંચેલા વડીલ તે સમયે સવા ૧૧ વર્ષના હતા.આઝાદી મળ્યા બાદ તેઓ સરદાર પટેલ જૂનાગઢ આવ્યા ત્યારે તેઓને સાંભળવા મિત્ર સાથે જૂનાગઢ આવ્યા હતા.અને તેઓએ સરદાર પટેલના જુસ્સાદાર ભાષણને સાંભળ્યું હતું.

સમગ્ર ભારત ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના આઝાદ થયો હતો.પરંતુ જૂનાગઢના નવાબે દીવાન ભુટ્ટોની વાતોમાં આવી પાકિસ્તાન સાથે જોડાવાનો નિર્ણય કર્યો હતો.આથી સમગ્ર દેશમાં આઝાદીનો જશ્ન હતો.પરંતુ જૂનાગઢ રાજ્યના લોકો ચિંતામાં મુકાયા હતા.નવાબના આ નિર્ણયના કારણે ચારે તરફ અંધાધૂંધી થઈ ગઇ હતી.અને લોકોમાં ભય ફેલાયો હતો.આ સમયે અનેક પરિવારોએ હિજરત કરવી પડી હતી.તે સમયે કેશોદ તાલુકાના અજાબમાં રહેતા અને હાલ જૂનાગઢ રહેતા શશીકાંતભાઈ લા.દવેના પરિવારે પણ હિજરત કરવી પડી હતી.

હાલ ૮૬ વર્ષની વયે નિવૃત જીવન પસાર કરતા સામાજીક કાર્યકર શશીકાંતભાઈ  દવેએ જણાવ્યું હતું કે ૧૫ ઓગષ્ટથી ૯ નવે.દરમ્યાન સમગ્ર જૂનાગઢ રાજ્યમાં જે સ્થિતી હતી તેનું વર્ણન શબ્દોથી વર્ણન થઈ શકે એમ નથી.એ સમયે અમારા પરિવારે ૬૦ વિઘા જમીન,ઘરબાર મૂકીને હિજરત કરી વિરપુરમાં આશરો લીધો હતો.મને મારા કુટુંબી કાકા અમદાવાદ લઇ ગયા હતા.ચારે તરફ અફડાતફડી હતી.આખરે સરદાર પટેલની આગેવાનીમાં  આરઝી હુકુમતના  સેનાની શામળદાસ ગાંધી,રતુભાઈ અદાણી સહિતના સેનાનીઓએ જૂનાગઢનો કબ્જો લીધો અને જૂનાગઢ ભારતનું અવિભાજ્ય અંગ બન્યું.બાદમાં અમે અજાબ પરત  આવ્યા હતા.થોડા દિવસો બાદ સરદાર પટેલ જૂનાગઢ બહાઉદિન કોલેજમાં આવ્યા હતા.અને સમગ્ર મેદાન જનમેદનીથી ભરચકક હતું.વધુમાં શશીકાંતભાઈએ જણાવ્યું હતું કે હું ત્યારે સવા અગિયાર વર્ષનો હતો.અને મારા મિત્ર કે.કે.પીપળીયા સાથે સરદાર પટેલને સાંભળવા આવ્યો હતો.સરદાર સાહેબે જુસ્સાભેર ભાષણ આપ્યું હતું.જેમાં જૂનાગઢ કોઈના બાપની જાગીર નથી.એમ કહેતા જ હજારો લોકોની એકસાથે તાળીઓના ગડગડાટથી બહાઉદીન કોલેજનું મેદાન ગુંજી ઉઠયું હતું.

સરદાર સાથે ક.મા.મુન્શી સહિતના મહાનુભાવો પણ હતા

૧૯૪૭ માં સરદાર પટેલની સભાના સાક્ષી રહેલા શશીકાંતભાઈએ જણાવ્યું હતું કે સરદાર પટેલની સાથે કનૈયાલાલ મુન્શી,સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા.તેઓ ત્રણ ચાર ફોર્ડ ગાડીમાં આવ્યા હતા.અને સરદાર પટેલે બહાઉદ્દીન કોલેજની અટારીએથી ભાષણ આપ્યું હતું.જે આજે મારી આટલી વયે પણ જોમ પુરૂ પાડે છે.