FOLLOW US

તાલુકા પંચાયતમાં મહિલા સર્કલ ઓફિસરના કપડાં ફાડી નાખી ધમકી

Updated: Mar 30th, 2023


ભેસાણમાં કાયદો- વ્યવસ્થાનું સરેઆમ વસ્ત્રાહરણ : અરજી કેમ ના-મંજૂર કરી તેમ કહી પાંચ શખ્સે કેસમાં ફસાવવા ધમકી આપી,ફરજમાં રૂકાવટ કરીને ધક્કે ચડાવ્યાની ગંભીર ફરિયાદ

જૂનાગઢ, : ભેસાણ તાલુકા પંચાયતના મહિલા સર્કલ ઓફિસર ફરજ પર હતા. ત્યારે પાંચ શખ્સોએ આવી પ્લોટની અરજી ના મંજૂર કેમ કરી છે તેમ કહી ઉશ્કેરાઇ જઈ ગાળો આપી હતી. એટ્રોસિટીના કે સમાં ફસાવી દેવા ધમકી આપી. જ્યારે બે શખ્સોએ મહિલા અધિકારીની ચુંદડી અને કુર્તી ખેંચી ફાડી નાખી હતી. આ અંગે મહિલા સર્કલ ઓફિસરે ફરિયાદ કરતા ભેસાણ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની વધુ વિગત મુજબ ભેસાણ તાલુકા વિકાસ અધિકારી કચેરીમાં સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા મહિલા અધિકારી ફરજ પર હતા ત્યારે ધારી ગુંદાળી ગામના અને સામાજીક ન્યાય સમિતિના અધ્યક્ષના પતિ ભાવેશ જાદવ, ભીખાભાઇ મેઘાભાઈ રાઠોડ, ખંભાળીયાના રોહિત સોલંકી, અરજણ ઉર્ફે ભગા લખમણ સોલંકી તેમજ પરબ વાવડીના વિનોદ ઉર્ફે વિકી નાનજી સાસીયા ત્યાં આવ્યા હતા. મહિલા સર્કલ ઓફિસરના ટેબલ પર કાગળનો ઘા કરી 'તેં નવી ધારી ગુંદાળીના પ્લોટ ના-મંજૂર કર્યા છે. શા માટે ના મંજૂર કર્યા છે ? તેનો જવાબ આપો, અમારે વકીલ દ્વારા તને નોટિસ અપાવવી છે. તને ખબર નથી કે અમે કયા સમાજના છીએ, તારી ઉપર એટ્રોસિટી કરવી છે. તારી સામે ધરણા પર બેસી જઈને એટ્રોસિટીના કેસમાં ફસાવી દેવી છે' એવી ધમકી આપી હતી. આથી મહિલા સર્કલ ઓફિસરે 'મારા એકના અભિપ્રાય પર અરજીનો નિર્ણય થતો નથી. જો તમારે કોઈ રજુઆત હોય તો મારા સાહેબ સાથે વાત કરો' એમ કહેતા આ શખ્સો ઉશ્કેરાઇ ગયા હતા અને મહિલા સર્કલ ઓફિસરને ગાળો આપી હતી. મહિલા અધિકારી બહાર જતા હતા ત્યારે આ શખ્સોએ હુમલો કર્યો હતો અને વિકી અને રોહિતે ચુંદડી ખેંચી ફાડી નાખી હતી. જ્યારે ભાવેશ જાદવે કુર્તી ખેંચી ફાડી નાખી હતી. અરજણભાઈ અને ભીખાભાઈએ ધક્કો મારી હાથાપાઈ મહિલા સર્કલ ઓફિસરને ધક્કે ચડાવ્યા હતા, જેમાં બંને હાથમાં ઉઝરડા પડી ગયા હતા.

સર્કલ ઓફિસર બહાર આવતા આ શખ્સોએ બુમાબુમ કરી હતી. ત્યાં અન્ય સ્ટાફ આવી જતા આ શખ્સો જતા રહ્યા હતા. આ બનાવ બાદ મહિલા સર્કલ ઓફીસરે તેના અધિકારીને વાત કરી હતી. બાદમાં ફરિયાદ નોંધાવતા ભેસાણ પોલીસે ભાવેશ જાદવ,  ભીખા મેઘા રાઠોડ, રોહિત સોલંકી, અરજણ ઉર્ફે ભગા લખમણ સોલંકી અને વિનોદ ઉર્ફે વિકી નાનજી સાસીયા સામે ફરજમાં રૂકાવટ કરી, ધમકી આપી નિર્લજ્જ હુમલો કર્યા સહિતની કલમ મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવથી તાલુકા પંચાયત કચેરીમાં ચકચાર વ્યાપી ગઇ હતી.

Gujarat
IPL-2023
Magazines