જૂનાગઢ, : સામાજિક અદ્યઃપતનનાં વધુ એક કિસ્સામાં જૂનાગઢમાં રહેતી અને બે સંતાનો ધરાવતી એક પરિણીતા સોશીયલ મીડિયાના માધ્યમથી હરિયાણાના યુવાન સાથે સંપર્કમાં આવ્યા બાદ બે સંતાનોને તરછોડી હરિયાણા યુવાન પાસે જતી રહી હતી. પોલીસને આ પરિણીતા લાપતા થયાની જાણ કરવામાં આવતા તપાસ દરમ્યાન પરિણીતા સોનીપતથી યુવાન સાથે મળી આવી હતી.
જૂનાગઢ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી અને બે સંતાનોની માતા તાજેતરમાં વહેલી સવારે પોતાનું ઘર છોડી જતી રહી હતી. આ અંગે સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પીઆઇ એન.એ. શાહ સહિતની ટીમ દ્વારા ટેકનિકલ સેલની મદદથી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં જણાયું કે, ગુમ થનાર પરણિતા હરિયાણાના કોઈ યુવાન સાથે સંપર્કમાં હતી અને હાલ હરિયાણા રાજ્યના સોનીપત શહેર આસપાસ છે. જેના આધારે પોલીસ ટીમે સોનીપત ખાતે પહોંચીને સ્થાનિક પોલીસ સ્ટાફના સહયોગથી પરણિતા અને હરિયાણાના યુવાનને શોધી કાઢી પૂછપરછ કરતા ખુલ્યું કે, પરણિતા સોશિયલ મીડિયા દ્વારા યુવાનના સંપર્કમાં આવી હતી. હવે યુવાનની હરકતોથી પરેશાન થઈ ગઈ હતી તેમજ પોતાના સંતાનો યાદ આવતા હતા. જેથી પોતાના કુટુંબીજનો સાથે પરત ગુજરાત આવવાની ઈચ્છા વ્યક્ત કરતા સોનીપત ખાતેથી પરણિતાનો કબજો મેળવી જૂનાગઢ ખાતે લાવવામાં આવી હતી.
ખાસ 'શી' ટીમના એએસઆઈ શોભાબેન સહિતના સ્ટાફ દ્વારા પરિણીતાને વિશ્વાસમાં લઈ પૂછપરછ કરવામાં આવતા તેણીએ જણાવ્યું કે, પોતે મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપનો ઉપયોગ કરતી હોય, છેલ્લા સાત-આઠ માસથી ઇન્સ્ટાગ્રામ મારફતે હરિયાણાના એક યુવક સાથે સંપર્કમાં આવી હતી અને ફેસબુક ઉપર ચેટિંગ દરમિયાન પ્રેમ થઈ જતાં ઘરેથી જરૂરી રોકડ ઘરેણાં લઈને હરિયાણા નાસી ગઈ હતી. બાદમાં જૂનાગઢ ખાતે માતા-પિતા સહિતના કુટુંબીજનો આવતા 'શી' ટીમ દ્વારા સમજાવીને પરિણીતાને સાથે લઈ ગયા હતા. આ કિસ્સો આજનાં યુવક-યુવતી અને તેના કુટુંબીજનો માટે લાલબત્તી સમાન છે.


