તોરણીયાના સરપંચ સહિતનાઓએ આમ આદમી પાર્ટીની સભા બંધ કરવી
અમારી વિચારધારા ભાજપની છે તેમ કહી ઉધડો લીધો : અગાઉ સોશિયલ મીડિયામાં આપના હોદ્દેદારોએ તોરણીયા સહિતના સરપંચોના નામ લખતા વિવાદ સર્જાયો
જૂનાગઢ, : જુનાગઢના તોરણીયામાં ગતરાત્રિના આમ આદમી પાર્ટીની સભા અને જન સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં તોરણીયાના સરપંચ સહિતના લોકોએ આમ આદમી પાર્ટીના હોદ્દેદારોને કાર્યકરોનો ઉધડો લઈ અમારી વિચારધારા ભાજપની છે તેમ કહી અને કાર્યક્રમ બંધ કરાવ્યો હતો. આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ અગાઉ તોરણીયા સહિત આસપાસના ગામના સરપંચોના નામ આપના હોદ્દેદારોના સ્વાગતમાં લખતા સમગ્ર મામલે વિવાદ સર્જાયો હતો. અને આપ દ્વારા કાર્યક્રમ બંધ કરવાની ફરજ પડી હતી.
વિસાવદર વિધાનસભા હેઠળના બીલખા નજીક આવેલ તોરણીયા ગામે ગતરાત્રિના આઠ વાગ્યા આસપાસ આમ આદમી પાર્ટીની સભા અને જનસંવાદ કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં ટીવી મૂકી અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો સ્થાનિકોને એકઠા કરી અને આપનો પ્રચાર કરી રહ્યા હતા. તેવામાં અચાનક જ તોરણીયાના સરપંચ રેનીશભાઈ આવી પહોંચ્યા હતા અને તેણે આમ આદમી પાર્ટીના હોદ્દેદારોનો ઉધડો લઇ આ કાર્યક્રમ બંધ કરાવ્યો હતો.
તોરણીયાના સરપંચે અમારી વિચારધારા ભાજપ પાર્ટીની છે તેમ કહી ઉધડો લેતા હોય તે અંગેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તે વિડીયો મુજબ સરપંચ આમ આદમી પાર્ટીના હોદ્દેદારોને કહી રહ્યા છે કે અમારી વિચારધારા ભાજપની છે. તમારી આમ આદમી પાર્ટી હિન્દુ વિરોધી પાર્ટી છે દિલ્હીના નેતાઓ હિન્દુ વિરોધી છે. જેથી અમારા ગામમાં સભા કરવી નહીં જેથી તમારી સભા બંધ કરો અને અહીંથી હાલતા થાવ તેવું કહી રહ્યા છે. આમ આદમી પાર્ટીના અમુક હોદ્દેદારોએ પોતાના સોશિયલ મીડિયામાં તોરણીયા તથા આસપાસના ગામના સરપંચો આમ આદમી પાર્ટીનું સ્વાગત કરતા હોય તેવો પોસ્ટ કરી હતી.
સરપંચ વીડિયોમાં જણાવે છે તે મુજબ પોતે ક્યાંય આમ આદમી પાર્ટીમાં છે. નહીં છતાં તેનું નામ લખ્યું હતું આ અંગે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો દ્વારા તે પોસ્ટ પણ ડીલીટ કરવામાં આવી અને ત્યારબાદ માફી લખી પોસ્ટ કરવામાં આવી હતી. છતાં પણ સરપંચે આમ આદમી પાર્ટીનો જન સંવાદ કાર્યક્રમ બંધ કરાવતા જૂનાગઢના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. અંતે આમ આદમી પાર્ટીના આગેવાનો અને હોદ્દેદારોએ તોરણીયા ગામમાં જન સંવાદ કાર્યક્રમ અને સભા બંધ કરી ચાલતી પકડવાની ફરજ પડી હતી.