Gujarat

ભુકંપના આંચકાથી જૂનાગઢ જિલ્લામાં અનેક લોકો ઘરની બહાર નીકળી ગયા

By GS Team
9 May 20201 min read
This article was originally published on 9 May 2020
ભુકંપના આંચકાથી જૂનાગઢ જિલ્લામાં અનેક લોકો ઘરની બહાર નીકળી ગયા

લોકડાઉન વચ્ચે ભુકંપ આવતા ગભરાટ

જૂનાગઢ, તા. 9 મે, 2020, શનિવાર

જૂનાગઢ જિલ્લામાં આજે બપોરે ૩.૩૬ વાગ્યે ૪ની તીવ્રતાના ભુકંપના આંચકાનો અનુભવ થતા અનેક લોકો ઘર બહાર નીકળી ગયા હતાં. લોકડાઉન વચ્ચે ભુકંપના અનુભવથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો. પરંતુ ભુકંપની અસર થોડીવાર જ રહેતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

આજે બપોરે જૂનાગઢ જિલ્લામાં લોકો લોકડાઉન અને આકરા તાપ વચ્ચે ઘરમાં આરામ કરી રહ્યાં હતાં. ત્યારે ૩.૩૬ વાગ્યે ભુકંપનો અનુભવ થયો હતો. સિસ્મોલોજી વિભાગમાં થયેલી નોંધ મુજબ ૩.૩૬ વાગ્યે આવેલા આ ભુકંપથી જૂનાગઢ, કેશોદ, માંગરોળ, ચોરવાડ, શીલ, સહિતના પંથકમાં ધરતી ધુ્રજી હતી અને પલંગ, કાંધી પરના વાસણો ધુ્રજયા લાગતા અનેક લોકો ઘર બહાર નીકળી ગયા હતાં. લોકડાઉન વચ્ચે આજે આવેલા આ ભુકંપથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો. પરંતુ ભુકંપની અસર થોડી વાર જ રહેતા લોકોએ રાહતનો અનુભવ કર્યો હતો.

ગત રાત્રે ૧૧.૧૪ વાગ્યે પણ ૨.૭ની તીવ્રતાનો ભુકંપ આવ્યો હતો. તેનું કેન્દ્રબીંદુ માંગરોળથી ૩૨ કિ.મી. દૂર દક્ષિણ પૂર્વમાં દરિયામાં નોંધાયું હતું. પરંતુ આ ભુકંપની તીવ્રતા ઓછી હોવાથી મોટાભાગના લોકોને તેનો અનુભવ થયો હતો.

જયારે આજે બપોરે આવેલા ભુકંપનો અનેક લોકોએ અનુભવ કર્યો હતો. જયારે અનેક લોકોને અનુભવ થયો ન હતો. વળી, સદનશીબે કોઈ જાનમાલની નુકસાની નહીં થતાં સૌએ હાંશકારો અનુભવ્યો હતો.