Gujarat

જૂનાગઢના ભવનાથ તળેટીમાં મોરારિબાપુના સમર્થનમાં ધર્મ સંમેલન બાદ વિવાદનો અંત

By GS Team
10 Sep 20192 mins read
This article was originally published on 10 Sep 2019
જૂનાગઢના ભવનાથ તળેટીમાં મોરારિબાપુના સમર્થનમાં ધર્મ સંમેલન બાદ વિવાદનો અંત

જૂનાગઢ,તા. 10 સપ્ટેમ્બર 2019, મંગળવાર

તાજેતરમાં મોરારિબાપુએ કરેલા નિવેદન બાદ સ્વામિનારાયણ સંપ્રદાયનાં અમુક સંતો દ્વારા માફી માંગવાની માંગણી કરાઈ હતી. આ બાબતને લઈને ટીકા ટિપ્પણી થતા વિવાદ થયો હતો. આજે ભવનાથ તળેટીમાં મોરારિબાપુના સમર્થનમાં સનાતન ધર્મ સંમેલન યોજાયું હતું. આ સંમેલન બાદ જે થયું તે  ભુલી હવે કોઈ માફી નહી માંગે અને ટીકા ટિપ્પણી નહી કરે એ મુદ્દે સાધુ સંતો અને સ્વામિનારાયણ સંપ્રદાયનાં સાધુઓ વચ્ચે સમાધાન થયું હતું. અને આ વિવાદનો સુખદ અંત આવ્યો હતો.

તાજેતરમાં મોરારિબાપુ દ્વારા નિલકંઠ અંગેના નિવેદન બાદ સ્વામિનારાયણ સંપ્રદાયનાં સાધુઓએ તેનો વિરોધ કર્યો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયનાં અમુક સંતોએ મોરારિબાપુ માફી માંગે એવી માંગ કરી હતી. આ બાબતને લઈને વિવાદ વકર્યો હતો. આજે આ મુદ્દાને લઈને જૂનાગઢના ભવનાથ તળેટીમાં આવેલા પ્રેરણાધામ ખાતે મોરારિબાપુના સમર્થનમાં સનાતન ધર્મ સંમેલન યોજાયું હતું. જેમાં ગિરનાર મંડળના તથા વિવિધ જગ્યાના સંતો મહંતો તેમજ અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતાં. 

જેમાં તમામ સાધુ-સંતોએ મોરારિબાપુને સમર્થન જાહેર કર્યું હતું. ધર્મ, સંતો, દેવી  દેવતાઓની ટીકા કરનારાઓની શાન ઠેકાણે લાવવાની જરૂર હોવાનો સુર વ્યક્ત કર્યો હતો. ત્યારે ઈન્દ્રભારતી બાપુએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સાથે વાત ચાલે છે. તેઓ સમાધાન માટે તૈયાર હોવાનું જણાવ્યું હતું.

આ સનાતન ધર્મ સંમેલન બાદ ઈન્દ્રભારતી બાપુના આશ્રમ ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં મેયર ધીરૂભાઈ ગોહેલ તેમજ સાધુ સંતો, સ્વામિનારાયણ સંપ્રદાયનાં સંતો હાજર રહ્યા હતાં. જેમાં જે થયું તે ભુલી હવે કોઈ કોઈની માફી નહી માંગે અને સ્વામિનારાયણ સંતો દેવી દેવતાઓ અંગે વિવાદાસ્પદ નિવેદન નહી કરે તે મુદ્દે સહમતી થઈ હતી. અને સમગ્ર મામલાનો સુખદ આવ્યો હતો. અને સૌ સત્ય સનાતન ધર્મની જય  બોલી સૌ છુટા પડયા હતાં.