ઉપરકોટના કિલ્લાનાં દટાઈ ગયેલા સ્મારકો અને 20 તોપ બનશે નજરાણું
- રૂા. 45કરોડનાં ખર્ચે જૂનાગઢની ધરોહર સમાન પ્રાચીન કિલ્લાનું નવીનીકરણ
- વોચ ટાવર પરથી સનસેટવ્યુનો નજારો પણ જોવા મળશે નવો સાયકલ ટ્રેક બનશે
પ્રવાસીઓ માટે ઈ-રીક્ષા મૂકાશે
જૂનાગઢ, : જૂનાગઢના પ્રાચીન ઉપરકોટના કિલ્લાની રિનોવેશનની કામગીરી દરમ્યાન દટાઈ ગયેલા સ્મારકો તેમજ ૨૦ જેટલી તોપ પણ મળી આવી છે. આ પ્રાચીન સ્મારક તેમજ તોપ ઉપરકોટનું નજરાણું બનશે. આ ઉપરાંત વોચ ટાવર પરથી સનસેટ વ્યુનો પણ નજારો જોવા મળશે. તેમજ પ્રવાસીઓ માટે ઈ.રિક્ષા પણ મુકવામાં આવશે.
જૂનાગઢના પ્રાચીન અને ઐતિહાસિક ઉપરકોટના કિલ્લાનું ૪૫ કરોડના ખર્ચે રિનોવેશન થઈ રહ્યું છે. આ નવિનીકરણ કામગીરી દરમ્યાન ઝાડી, ઝાખરા અને વૃક્ષો આડે આવી જતા તેની આડે દટાઈ ગયા હતાં. આ ઉપરાંત માટીમાં દટાઈ ગયેલી ૨૦ જેટલી તોપ પણ મળી છે. તેમજ અડી કડીની વાવમાં કડીની વાવ પણ દટાઈ ગઈ હતી તે પણ હવે જોવા મળશે. આમ આગામી દિવસોમાં ઉપરકોટના કિલ્લામાં આ નવા નજરાણા જોઈ શકાશે.
આ ઉપરાંત રેતીચુના સહિતની વસ્તુઓ મિક્ષ કરવાની ત્રણ ચક્કરડી મળી છે. ગન પાવડર, બારૂદરૂમ લશ્કરી વાવ જેવા સ્મારકો અને નવો સાયકલ ટ્રેક લોકોને જોવા મળશે. કિલ્લા ખાતેના વોચ ટાવર પરતી સનસેટ વ્યુનો નજારો જોઈ શકાશે. તેમજ વિશાળ કિલ્લામાં ફરવા પ્રવાસીઓ માટે ઈ.રિક્ષા પણ મુકાશે.
મુખ્યમંત્રી દ્વારા ઉપરકોટ ખાતે ચાલતી નવિનીકરણની કામગીરીનું નિરીક્ષણ
જૂનાગઢના ઉપરકોટના કિલ્લાનું હાલ નિવિનીકરણ ચાલી રહ્યું છે. આજે જૂનાગઢ આવેલા મુખ્યમંત્રીએ ઉપરકોટના કિલ્લાની મૂલાકાત લઈ ત્યાં ચાલતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને નવિનીકરણની કામગીરી તાત્કાલીક પૂર્ણ થાય તે અંગે સુચના આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, ઉપરકોટના કિલ્લાનું કામ પૂર્ણ થયા બાદ જૂનાગઢના ઐતિહાસિક સ્થળે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવશે.