Get The App

તાલાલા HDFCનાં રિકવરી ઓફિસરનું અકસ્માતમાં કરૂણ મોત, એક ઘાયલ

- ચિત્રાવડ ગીરથી રિકવરી કરી પરત ફરતા હતા ને કારે ઠોકર મારી

- રમળેચી ગીર નજીક વાગડિયા નદી પાસેનો બનાવઃ નગરપાલિકાનાં કર્મચારીના પુત્રના મોતથી શહેરમાં પ્રસરેલી અરેરાટી

Updated: Jul 13th, 2019

GS TEAM

Google News
Google News
તાલાલા HDFCનાં રિકવરી ઓફિસરનું અકસ્માતમાં કરૂણ મોત, એક ઘાયલ 1 - image


તાલાલા (ગીર), તા. 13 જુલાઈ 2019, શનિવાર

તાલાલા નગરપાલિકાના આરોગ્ય શાખાના કર્મચારી ભુપતભાઈ નાનાલાલ પાઠકના એચડીએફસી બેંકમાં સર્વિસ કરતા યુવાન પુત્ર ચિરાગ (ઉ.વ. ૨૫)નું અકસ્માતમાં મૃત્યુ થતા તાલાલા શહેરમાં ભારે અરેરાટી પ્રસરી ગઈ છે.

આ અંગેની વિગત એવી છે કે તાલાલા નગરપાલીકાના કર્મચારી ભુપતભાઈ પાઠકના પુત્ર ચિરાગ તાલાલા એચડીએફસીમાં રીકવરી અધિકારી તરીકે સર્વિસ કરે છે. શુક્રવારે સાંજે ચિરાગભાઈ તથા બેંકના મહિલા કર્મચારી આરતીબેન અરસનદાસ જુમાણી (ઉ.વ. ૨૯) બેંકની રીકવરીના કામ સબબ જીજે૩૨એસ ૯૯૦૧ નંબરની બુલેટ દ્વારા ચિત્રાવડ ગીર ગામે ગયા હતા. 

ત્યાં બેંકની કામગીરી પૂર્ણ કરી પરત આવતા હતા ત્યારે રમળેચી ગીર ગામ પાસે વાગડીયા નદી પાસે સામેથી પુરઝડપે આવતી બોલેરો કાર નં. જીજે૧૧એબી ૩૫૬૫ના ચાલકે બુલેટને હડફેટે લેતા બંને બેંક કર્મચારી ફંગોળાઈને પડી ગયા હતા. બંનેને તુરંત તાલાલા બાપા સિતારામ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતાં. પરંતુ ચિરાગભાઈને માથામાં ગંભીર ઈજા હોય જુનાગઢ જ્યારે આરતીબેન વેરાવળ વધુ સારવાર માટે રીફર કર્યા હતા. જેમાંથી ચિરાગભાઈ જુનાગઢ પહોંચે તે પહેલા જ તેમનું મૃત્યુ થયું હતું.

આ બનાવની જાણ તાલાલા શહેરમાં થતા ભારે અરેરાટી સાથે ગમગીની પ્રસરી ગઈ હતી. આ બનાવ અંગે પોલીસે ચિરાગભાઈના પિતાની ફરીયાદ લઈ બોલેરો કાર ચાલક સામે ગુનો દાખલ કરી પીએસઆઈ એમ.કે. ભીંગરાડીયાએ વધુ તપાસ હાથ ધરી છે.

Tags :