જૂનાગઢ: ચોથી પુત્રીનો જન્મ થતાં પુત્રીઓને મોતના મુખમાં ધકેલી પિતાએ ગળેફાંસો ખાઈ લીધો
- ભેંસાણના ખંભાળીયા ગામની સીમમાં હૃદય દ્રાવક ઘટના
જૂનાગઢ,18 ડીસેમ્બર 2019 બુધવાર
ભેંસાણ તાલુકાના ખંભાળીયા ગામમાં રહેતા અને જી.આર.ડી.માં ફરજ બજાવતા તથા મજૂરી કામ કરતા યુવાનને ત્યાં ૧૫ દિવસ પહેલા ચોથી પુત્રીનો જન્મ થયો હતો.આ બાબતનું લાગી આવતા આજે સવારે જી.આર.ડી. જવાને પોતાની ફુલ જેવી માસુમ ત્રણ પુત્રીઓને પરબ જવાનું કહી ગામની સીમમાં આવેલી વાડીએ લઈ જઈ એક પછી એક ત્રણેય પુત્રીઓને ૮૦ ફુટ ઉંડા કુવામાં ફેંકી પોતે પણ ગળેફાંસો ખાઈ જીંદગી ટૂંકાવી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી.
આ અંગેની વધુ વિગત મુજબ ભેંસાણ તાલુકાના ખંભાળીયામાં રહેતા અને ખેત મજૂરી કરતા તથા જી.આર.ડી.માં ફરજ બજાવતા રસિકભાઈ દેવાભાઈ સોલંકી (ઉ.વ.૩૬) ને સંતાનમાં ત્રણ પુત્રી હતી. દીકરાની ખોટ હતી. પરંતુ ૧૫ દિવસ પહેલા રસિકભાઈના પત્નીએ ચોથી પુત્રીને જન્મ આપ્યો હતો. આ બાબતને લઈને રસિકભાઈ ગુમસુમ રહેતા હતાં. આજે ધો.૪માં અભ્યાસ કરતી રિયા (ઉ.વ.૯) ધો.૨માં અભ્યાસ કરતી અંજલી (ઉ.વ.૭) તથા જલ્પા (ઉ.વ.૨) રસિકભાઈ પાસે હતી. આજે સવારે રસિકભાઈએ ત્રણેય પુત્રીઓને જામફળ ખવડાવ્યું હતું અને પરબ જવાનું કહી ત્રણેય પુત્રીઓને ગામની સીમમાં આવેલી લાલજીભાઈ ભુવાની વાડીએ પહોંચ્યા હતાં.
જયાં સેલફોસ નામની જંતુ નાશક દવા ભેળવેલું ઠંડુ પીણું ત્રણેય પુત્રીઓને પીવડાવ્યું હતું અને બાદમાં પોતે પણ પીધુ હતું. પરંતુ તેની અસર ન થતા રસિકભાઈએ પોતાની માસુમ પુત્રીઓ કંઈ સમજે તે પૂર્વે એક પછી એક ત્રણેયને ૮૦ ફુટ ઉંડા કુવામાં ફેંકી દીધી હતી. ફુલ જેવી ત્રણેય પુત્રીઓને મોતના મુખમાં ધકેલ્યા બાદ રસિકભાઈએ વાડીએ રહેલા હીંડોળા નજીક પાઈપ સાથે સાડી બાંધી પોતે પણ ગળેફાંસો ખાઈ જીંદગી ટુંકાવી લીધી હતી.
વાડીમાં હીંડોળા નજીક વૃક્ષ સાથે રસિકભાઈનો મૃતદેહ ટીંગાતો હોવાની ખેતરમાં કામ કરતા મજૂરને જાણ થતા તેણે વાડી માલિકને જાણ કરી હતી. આ વાત વાયુવેગે ફેલાતા ગ્રામજનો ત્યાં પહોંચ્યા હતાં. કુવામાં તપાસ કરતા રસિકભાઈની ત્રણેય માસુમ પુત્રીઓના મૃતદેહ તરતા જોવા મળ્યા હતાં. આ ઘટનાથી અરેરાટી વ્યાપી ગઈ હતી. બાદમાં તરવૈયાઓને બોલાવવામાં આવ્યા હતાં. અને તેઓએ કુવામાં ઉતરી ત્રણેય માસુમ બાળકીઓના મૃતદેહ બહાર કાઢયા હતાં. બાદમાં ત્રણેય બાળકી તથા તેના પિતાના મૃતદેહને પી.એમ. માટે ખસેડાયા હતાં. આ અંગે ભેંસાણ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સરકાર દીકરા - દીકરી એકસમાન અને બેટી બચાવોના કાર્યક્રમો કરે છે. પરંતુ હજુ દીકરા દીકરીમાં ભેદ હોય તેવું હાલ ઘટના પરથી સાબીત થાય છે.