Get The App

જૂનાગઢના સિનીયર સિટીઝન્સ મંડળે ચાર હજારથી વધુ વૃક્ષ વાવી કર્યો ઉછેર

- આજે વિશ્વ પર્યાવરણ દિવસ, વડીલોનું પ્રેરણાત્મક કાર્ય

- શહેરના વિવિધ વિસ્તારમાં મંડળના સભ્યોએ વાવેલા વૃક્ષો થઈ ગયા ચારથી પાંચ વર્ષના, નાના વૃક્ષોના રક્ષણ માટે પિંજરાની પણ કરાતી વ્યવસ્થા

Updated: Jun 4th, 2019

GS TEAM

Google News
Google News
જૂનાગઢના સિનીયર સિટીઝન્સ મંડળે ચાર હજારથી વધુ વૃક્ષ વાવી કર્યો ઉછેર 1 - image



જૂનાગઢ,તા. 4 જૂન 2019, મંગળવાર

આવતીકાલે ૫ જૂનના વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થશે. પરંતુ જૂનાગઢના સિનીયર સિટીઝન મંડળના સભ્યો છેલ્લા છ વર્ષથી રોજ પર્યાવરણ દિવસ ઉજવી રહ્યાં છે. આ સમય દરમ્યાન વડીલોએ શહેરના વિવિધ વિસ્તારમાં ચાર હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું હતું.

અને તેના ઉછેર પણ કર્યો હતો. હાલ આ વૃક્ષો પાંચ વર્ષથી વધુની વયના થઈ ગયા છે. આમ જૂનાગઢના વડીલોએ પર્યાવરણની જાળવણી માટે પ્રેરણાત્મક કાર્ય કર્યું છે.

સમગ્ર વિશ્વ હાલ ગ્લોબલ વોર્મીંગ સમસ્યાનો સામનો કરી રહ્યું છે. પૃથ્વીનું વાતાવરણ દિન પ્રતિદિન ગરમ થતું જાય છે. હવામાં કાર્બન ડાયોકસાઈડ, મિથેન સહિતના વાયુઓ સ્વચ્છ વાતાવરણને પ્રદુષિત કરી રહ્યાં છે.

આવતીકાલે ૫ જૂનના વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થશે અને એક દિવસ ઉજવણી કરી પર્યાવરણ બચાવવાનો  સંતોષ વ્યક્ત કરી પછી બધુ  ભુલી જવાશે. હાલ આવી સ્થિતી વચ્ચે જૂનાગઢના સિનીયર સિટીઝન મંડળના સભ્યો છેલ્લા છ વર્ષથી રોજ પર્યાવરણની ચિંતા કરી વૃક્ષોને વાવી તેનો ઉછેર કરી રહ્યાં છે.

૨૦૧૩ થી અત્યાર સુધીમાં જૂનાગઢ સિનીયર સિટીઝન  મંડળના સભ્યોએ શહેરના વિવિધ વિસ્તારમાં પાંચ હજારતી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું છે. અને પોતાના ખર્ચ અને જાત મહેનતથી ચાર હજારથી વધુ વૃક્ષોનો ઉછેર કર્યો છે. હાલ આ વૃક્ષો, પાંચ વર્ષથી વધુ વયનાં થઈ ગયા છે. અને છાંયડો આપવા લાગ્યા છે.

આ અંગે સિનીયર સિટીઝન્સ મંડળના પ્રમુખ જે.બી. માકડે જણાવ્યું હતું કે, ૨૭મે ૨૦૧૨નાં સિનીયર સિટીઝન મંડળની સ્થાપના કરવામાં આવી હતી. અને ૨૦૧૩ ના વર્ષમાં મંડળના સભ્યોએ પર્યાવરણની જાળવણી કરવાનું નક્કી કર્યું અને ત્યારથી વૃક્ષનું વાવેતર કરી તેનો ઉછેર કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.

મંડળમાં નિવૃત્ત વન અધિકારીઓ, કર્મચારીઓ તથા કૃષિ યુનિ. સહિતનાં કર્મચારીઓ અધિકારીઓ છે તેઓના અનુભવના આધારે વૃક્ષોનું વાવેતર કરી તેનો ઉછેર કરવામાં આવે છે. વૃક્ષ નાના હોય તેને નુકસાન ન થાય તે માટે પિંજરાપણ રાખવામાં આવ્યા છે. અગાઉ જૂનાગઢમાં ૪૨ ડિગ્રીથી તાપમાન વધતું ન હતું. પરંતુ હવે તે ૪૪થી ૪૫ ડિગ્રી થાય છે. આથી પર્યાવરણને બચાવવા માટેનો શ્રેષ્ઠ ઉપાય વૃક્ષો વાવી તેનો યોગ્ય ઉછેર થાય તે જરૂરી છે.

આમ જૂનાગઢના વડીલોએ વૃક્ષારોપણ કર્યા બાદ તેનો ઉછેર કરી પર્યાવરણને બચાવવા માટે પ્રેરણાત્મક કામગીરી કરી છે.

Tags :