Updated: Mar 24th, 2023
ખારચિયા નજીક અકસ્માતમાં બસ ચાલકનું મોત થયું હતું : મૃતક બસ ચાલકના પુત્ર પાસે ફરિયાદ કરાવડાવી તેમાં પણ ખોટા નંબર લખાવી ભેસાણના શાળા સંચાલકે બોગસ પુરાવા ઉભા કર્યા
ભેંસાણમાં આવેલી માધવ સ્કૂલની બસ ચલાવતા હનીફ હુસેનભાઈ જુણેજા ગત તા.11-3-2023નાં GJ-16-V-9516 નંબરની બસ લઈને જતા હતા ત્યારે ખારચીયા નજીક વળાંકમાં બસનો અકસ્માત થયો હતો, જેમાં હનીફભાઈ જુણેજાનું મોત થયું હતું. જીજે- 16-V-9516 નંબરની બસનો વિમો પુરો થઈ ગયો હોવાથી માધવ સ્કૂલનાં સંચાલક પ્રીતેશ પરષોતમ કોઠીયા અને પરષોતમ કુળજી કોઠીયાએ મૃતક હનીફભાઈ જુણેજાનાં પુત્ર એહસાન જુણેજા પાસે ફરિયાદ કરાવી તેમાં બસનાં નંબર GJ-16-V- 9516ની જગ્યાએ જે બસનો વિમો ચાલુ હતો તે GJ-11-TT-4289 લખાવ્યા હતા અને વિમો પાસ કરવા ઠગાઈ કરવાનાં ઈરાદાથી ખટા દસ્તાવેજ ઉભા કરી અકસ્માતગ્રસ્ત બસમાં GJ-11-TT-4289 નંબર વાળી પ્લેટ લગાવી હતી. તેમજ અકસ્માતગ્રસ્ત બસનાં નંબર ભુસી નાખ્યા હતા.
આ અંગેની તપાસ ભેંસાણ પીએસઆઈ ડી.કે. સરવૈયાએ કરી હતી. અકસ્માતગ્રસ્ત બસનાં નંબર અને ચેચીસ નંબરમાં તફાવત હોવાનું ધ્યાનમાં આવતા આરટીઓમાં તપાસ કરી હતી, જેમાં અકસ્માતગ્રસ્ત બસનો વિમો પુરો થઈ ગયો હોવાથી અન્ય બસની નંબર પ્લેટ લગાવી હોવાનું સામે આવ્યું હતું. આ અંગે ભેંસાણ પીએસઆઈ ડી.કે. સરવૈયાએ માધવ સ્કૂલનાં સંચાલક પ્રીતેશ પરષોતમ કોઠીયા અને પરષોતમ કુરજી કોઠીયા સામે વિમો પાસ કરવા ઠગાઈ કરવાનાં ઈરાદાથી ખોટા દસ્તાવેજ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી ખોટા પુરાવા ઉભા કરી ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.