જૂનાગઢ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની આવકનો થયો પ્રારંભ
- પ્રતિકુળ હવામાનના લીધે બેથી ત્રણ સપ્તાહ કેરીની સિઝન મોડી
- પ્રથમ દિવસે ૧૭૦ બોક્સ કેરીની આવક,૨૦ કિલોના રૂા.૨ હજાર સુધીના ઉપજ્યા ભાવ
જૂનાગઢ, તા. 20 એપ્રિલ, 2020, સોમવાર
જૂનાગઢ જિલ્લામાં ચોમાસા બાદ રહેલા પ્રતિકુળ હવામાનના લીધે કેરીની સિઝન બે - ત્રણ સપ્તાહ મોડી શરૂ થઈ છે. છેલ્લા એક - બે દિવસથી જૂનાગઢ યાર્ડમાં કેરીની આવક થઈ રહી છે. આજે યાર્ડમાં ૧૭૦ બોકસ કેસર કેરીની આવક થઈ હતી. અને ૨૦ કિલોના એક હજારતી બે હજાર રૂપીયા લેખે હરાજી થઈ હતી., જૂનાગઢ જિલ્લામાં ગત ચોમાસામાં ભારે વરસાદ બાદ થયેલા માવઠા અને મોર બંધાવાની પ્રક્રિયામાં વિલંબના લીધે આ વર્ષે કેસર કેરીની સિઝનમાં બે ત્રણ સપ્તાહ મોડુ થયું છે.
દર વર્ષે માર્ચના અંતમાં અથવા એપ્રિલના પ્રારંભમાં કેસર કેરીની આવક શરૂ થઈ જાય છે. પરંતુ આ વખતે અપ્રિલના ત્રીજા સપ્તાહમાં કેરીની આવક શરૂ થઈ છે.જૂનાગઢ માર્કેટ યાર્ડમાંં આજે ૧૭૦ જેટલા કેરીના બોકસની આવક થઈ હતી. અને તેની એક હજારથી બે હજાર રૂપીયાના મણ લેખે હરાજી થઈ હતી.
હવે આગામી સમયમાં જેમ વધુ ગરમી પડશે તેમ કેરીની આવકમાં વધારો થશે. હાલ કોરોના વાઈરસના સંક્રમણને રોકવા દેશમાં લોકડાઉન છે. અને વિદેશમાં એક્ષપોર્ટનું કામકાજ બંધ છે જેની કેસર કેરીના એક્ષપોર્ટ પર પણ અસર થશે. અને કેરીનું ઉતપાદન કરતા ખેડુતોને તેનો લાભ નહી મળે પરંતુ સ્થાનિક લોકોને સારી ગુણવતાની કેરી આરોગવા મળશે.