જૂનાગઢમાં મેયરના વોર્ડના રહીશોએ મહાપાલિકા કચેરી આવી કર્યો હંગામો
- પાણી, ગટર, રસ્તા સહિતની પ્રાથમિક સુવિધા મુદ્દે
- મહિલાઓ સહિતના લોકોએ મેયર વિરૂધ્ધ સુત્રોચ્ચાર કરી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા કરી રજૂઆત
જૂનાગઢ, તા.27 ફેબ્રુઆરી 2020, ગુરુવાર
જૂનાગઢના મેયરના વોર્ડ નં. ૯ વિસ્તારમાં આવેલા ગણેશનગર વિસ્તારના લોકોએ આજે પાણી, ગટર, રસ્તા સહિતની પ્રાથમિક સુવિધા મુદ્દે મહાપાલિકા કચેરી ખાતે હંગામો કરી મેયર વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યો હતો અને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માંગ કરી હતી.
જૂનાગઢના વોર્ડ નં. ૯ વિસ્તારમાં આવેલા ગણેશનગર વિસ્તારમાં શેરી - ગલીઓમાં રસ્તા, પાણી, ગટર જેવી પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ નથી. જૂનાગઢના મેયર ધીરૂભાઇ આ વોર્ડના નગર સેવક છે. તેમ છતાં વિસ્તારમાં પ્રાથમિક સુવિધા લોકોને મળતી નથી.
આજે ગણેશનગર વિસ્તારમાં રહેતા મહિલાઓ સહિતના લોકો મહાપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને મનપા તથા મેયર વિરૂધ્ધ સુત્રોચ્ચાર કરી હંગામો કર્યો હતો. જ્યારે મહિલાઓએ મનપા કચેરીમાં છાજીયા લીધા હતા.
બાદમાં આ લોકોએ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માંગ સાથે રજૂઆત કરી હતી.
જૂનાગઢ મનપા દ્વારા વુકાસ કામો થયાની મોટી - મોટી વાતો થાય છે. પરંતુ હજુ અનેક વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં નથી આવી. જેના લીધે અવારનવાર ટોળા મનપા કચેરી ખાતે આવી દેખાવો કરે છે. ત્યારે શહેરમાં લોકોને પ્રાથમિક સુવિધા મળે તે માટે કાર્યવાહી થાય એ જરૂરી છે.