ધોરાજી, જેતપુર, જુનાગઢમાં તોફાની પવન સાથે વરસાદ!
- સૌરાષ્ટ્રમાં લૂ વર્ષાની સાથે જળવર્ષા
-હવામાન ડિસ્ટર્બ, ચોમાસુ જાણે બારમાસુ હોય તેમ છૂટાછવાયા સ્થળે આગોતરા એંધાણ વગર વરસાદ
રાજકોટ, તા. 13 મે, 2020,બુધવાર
હાલ વૈશાખમાં બળબળતો અને સુકો તાપ વર્તાતો હોય, લૂ વર્ષા થતી હોય તેના બદલે એક તરફ સુકા હવામાનની આગાહીઓ વચ્ચે આગાહી વગર જ અનેક સ્થળોએ હળવા ભારે વરસાદી ઝાપટાં વરસી રહ્યા છે. આજે ધોરાજી, જેતપુર અનેજુનાગઢમાં અને ગ્રામ્ય વિસ્તારમાં તોફાની પવન સાથે ઝાપટાંથી અર્ધો ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો.
જેતપુરમાં પણ આખો દિવસ બફારા બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ધસી આવ્યા હતા અને ભારે પવન સાથે વરસાદી ઝાપટું વરસ્યું હતું તો શહેરના ગોંદરા વિસ્તારમાં ભારે પવનથી એક વૃક્ષ ધરાશયી થઈને ૧૧ કે.વી.ના વિજવાયર પર પડતા વીજલાઈન તુટી હતી. તો માર્કેટયાર્ડ બાદ મરચાંના સ્ટાલના કપડાંના લીરાં ઉડી ગયા હતા અને મરચાં પલળી ગયાના અહેવાલ છે. જેતપુરની બાજુમાં જુનાગઢમાં પણ તીવ્ર પવન સાથે વરસાદી ઝાપટાં વરસ્યા હતા. અને અનેક વૃક્ષો ધસી પડયાં હતાં.
જ્યારે ધોરાજીમાં સાંજે વાતાવરણમાં પલટો આવવા સાથે અર્ધી કલાકમાં તોફાની પવન સાથે અર્ધો ઈંચ વરસાદ વરસી જતા માર્ગો પર પાણી રેલાયા હતા. આશરે ત્રીસ મિનિટ સુધી વરસાદી માહૌલ રહ્યા બાદ સાંજે છ વાગ્યા પછી સૂર્યનારાયણના દર્શન થયા હતા.
આમ, સૌરાષ્ટ્રમાં અગાઉ શિયાળામાં વરસાદી માહૌલ બાદ ઉનાળામાં પણ વરસાદ છૂટાછવાયા સ્થળે વરસતો રહે છે ત્યારે ચોમાસુ જાણે બારમાસુ થઈ ગયું હોય તેવી સ્થિતિ છે.
બીજી તરફ આજે મહત્તમ તાપમાન રાજકોટ, જુનાગઢ,અમરેલી અને સુરેન્દ્રનગરમાં ૪૨ સે. પહોંચવા સાથે ગરમીનું જોર યથાવત્ રહ્યું હતું. જો કે આ દિવસોમાં સામાન્ય રીતે જે તાપ પડતો હોય છે તેના કરતા એકંદરે હજુ ઓછો તાપ છે.