ગિરનાર રોપવેની ટિકિટના વધુ પડતા ભાવ સામે ઉતારા મંડળ દ્વારા વિરોધ
- સામાન્ય લોકો પણ રોપવેમાં જઇ શકે તેવા દર રાખવા માંગ
- પરિક્રમાના આયોજન માટે તંત્ર તાકીદે મીટિંગ બોલાવે અને આગોતરી તૈયારી કરે
જૂનાગઢ, : જૂનાગઢના ભવનાથમાં આજે જ્ઞાતી સમાજ ઉતારા મંડળની બેઠક મળી હતી. જેમાં રોપવેના વધુ પડતા ભાવનો વિરોધ કરી સામાન્ય લોકો રોપવેમાં જઇ માતાજીના દર્શન કરી શકે તેવા ટિકિટના ભાવ રાખવા માંગ કરવામાં આવી હતી તેમજ પરિક્રમાના આયોજન માટે તંત્ર તાકીદે બેઠક બોલાવે અને આગોતરી તૈયારી શરૂ કરે એવી માંગ કરવામાં આવી હતી.
ભવનાથમાં આવેલી આંબા ભગતની જગ્યા ખાતે આજે ભવનાથ જ્ઞાાતી સમાજ અને ટ્રસ્ટના ઉતારા મંડળની બેઠક યોજાઇ હતી. જેમાં હાલ ગિરનાર રોપવેની ટિકિટના ૭૦૦ રૂપીયા છે. જે વધુ પડતા છે અને તેના પર ૧૮ ટકા જીએસટી વસુલ કરવામાં આવે છે. જેનો ઉતારમંડળે વિરોધ કર્યો હતો અને રોપવેના વધુ પડતા ભાવના લીધે સરકાર બદનામ થાય છે અને સામાન્ય લોકો વધુ પડતી ટિકિટના ભાવના લીધે રોપવેમાં જઈ શકતા નથી. આથી લોકોના હિત માટે વયસ્કો માટે ૧૫૦, બાળકો અને વૃધ્ધો માટે ૫૦ રૂપીયા ટિકિટ રાખવામાં આવે તેમજ ટિકિટના ભાવ અંગે શ્વેતપત્ર પ્રસિધ્ધ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી. રોપવે કંપનીએ માત્ર પૈસા કમાવાની માનસિકતા ન રાખવી જોઈએ. જરૂર પડયે મુદે આવેદનપત્ર આપવામાં આવશે.
આ ઉપરાંત આ બેઠકમાં સનાતન સંસ્કૃતિની જાળવણી માટે પરંપરાગત રીતે થતી ગિરનારની લીલી પરિક્રમા અંગે તંત્ર તાકીદે બેઠક બોલાવે અને આગોતરી તૈયારી શરૂ કરે એવી પણ માંગ કરવામાં આવી હતી. આગામી કારતક સુદ અગિયારસના મધ્ય રાત્રીથી ઉતારામંડળ સાધુ સંતો, અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે રાખી પરિક્રમા કરશે. સરકાર દ્વારા હજુ સુધી ગિરનાર પરિક્રમા યોજવા અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી ત્યારે ગત વર્ષે કોરોનાના લીધે પણ પરિક્રમા રદ થઈ હતી ત્યારે આ વર્ષે પરિક્રમા આયોજિત થાય તેવી માંગ કરવામાં આવી હતી.